પટેલ, દિનેશ છોટુભાઈ (. 6 સપ્ટેમ્બર 1950, કાબ્વે, ઝામ્બિયા) : સાહસિક ઉદ્યોગપતિ અને દાનવીર. 1973માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી. ફાર્મ.ની પદવી મેળવ્યા બાદ, 1975માં અમેરિકાના પેન્સિલવેનિયા ખાતેની ફિલાડેલ્ફિયા કૉલેજ ઑવ્ ફાર્મસી ઍન્ડ સાયન્સમાંથી એમ. એસ.(ફાર્માસ્યૂટિક્સ)ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1978માં મિશિગન યુનિવર્સિટીમાંથી ભૌતિકીય ઔષધનિર્માણ(physical pharmacy)ના વિષય સાથે પીએચ.ડી. થયા. 1975થી 1978ના ગાળામાં તે જ યુનિવર્સિટીની ફાર્મસી કૉલેજમાં અધ્યાપક/સંશોધક-સહાયક તરીકે અનુભવ લીધો. 1978થી 1981 દરમિયાન અમેરિકન સાઇનેમાઇડ કંપનીની લૅડરલી લૅબોરેટરીઝમાં ઔષધનિર્માણસંશોધક વિજ્ઞાની (research scientist) તરીકે કાર્ય કર્યું. 1981માં ત્વચાવિકાર અને નવીન ઔષધવિકાસ માટેના વરિષ્ઠ વિજ્ઞાની તરીકે એલ્કોન લૅબોરેટરીઝ, ટૅક્સાસમાં જોડાયા. 1983માં આ જ સંસ્થામાં ત્વચા અને નેત્રસંબંધી ઔષધિઓની તકનીકી અને વહીવટી વ્યવસ્થાની જવાબદારી સંભાળી.

1985માં તેમણે સૉલ્ટ લેઇક સિટી, ઉટાહમાં થેરાટૅક ઇન્કૉર્પોરેટેડ (Theratech Incorporated) નામની ઔષધ-સંશોધન સંસ્થા સ્થાપી, તે દ્વારા પારત્વચાગત (transdermal products) દવાઓના ઉત્પાદનની શરૂઆત કરી. તેમની કંપનીની મૂડી 1997માં આશરે 25.5 કરોડ ડૉલર અંદાજવામાં આવી હતી. તે જ વર્ષમાં તેમની નિમણૂક કંપનીના સંચાલકમંડળના ચૅરમૅન તરીકે કરવામાં આવી.

દિનેશભાઈએ ત્વચાને લગતા વ્યાધિ અને બીજા વિવિધ રોગોને લગતી ઔષધિઓમાં સંશોધન કરીને અનેક પેટન્ટો મેળવી છે. તેમણે વ્યાવસાયિક સંસ્થાઓમાં આ વિષય પર અમેરિકા, કૅનેડા અને ભારતમાં વ્યાખ્યાનો આપ્યાં છે તથા લેખો અને પુસ્તિકાઓનું પ્રકાશન પણ કર્યું છે.

ભૂતકાળમાં તેઓ ઉટાહ ખાતેના ગુજરાતી સમાજના પ્રમુખ અને ટ્રસ્ટી હતા. હાલ તેઓ ઉટાહ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સલાહકાર સમિતિ, નાટ્યમંડળ અને જીવનવિજ્ઞાન ઔદ્યોગિક મંડળના સભ્ય છે. તેઓ ઔષધ અને ઔષધસંશોધનને લગતાં વ્યાવસાયિક મંડળો સાથે પણ વિવિધ રીતે સંકળાયેલા છે.

1993માં બિનનિવાસી ભારતીય કલ્યાણસમાજની નવી દિલ્હીમાં થયેલી 7મી બિનભારતીય આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસમાં તેમની વિશિષ્ટ સેવાઓ, સિદ્ધિઓ અને પ્રદાન માટે ‘હિંદ રત્ન’ તરીકે તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. 1994માં તેમને વર્ષના ઉદ્યોગસાહસિકનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1996માં ઉટાહ રાજ્યના ગવર્નર તરફથી વિજ્ઞાન અને તક્નીકી સિદ્ધિઓ માટે તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. તે જ વર્ષમાં તેમને રાજ્યના એશિયન-અમેરિકન સમાજના નેતા તરીકે સન્માનવામાં આવ્યા હતા. 1997માં તે જ રાજ્ય તરફથી વિજ્ઞાન અને તકનીકી વિકાસના પથદર્શક તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી.

દિનેશભાઈએ તેમના પિતા છોટુભાઈની સ્મૃતિમાં વતન મોટા ફળિયામાં આશરે 5 લાખ ડૉલરને ખર્ચે એક હૉસ્પિટલની સ્થાપના કરી છે. આ ઉપરાંત તેમણે ‘દિનેશ અને કલ્પના ધર્માદા પ્રતિષ્ઠાન’ રચ્યું છે, જે વિવિધ ધર્માદા સંસ્થાઓને દર વર્ષે આશરે 50,000 ડૉલરની સહાય પૂરી પાડે છે. તેઓ ઉટાહ નાટ્યગૃહ, ગુજરાતી સમાજ, ઇન્ડિયા ફોરમ, ગ્રામજગત મહિલા શિક્ષણ પ્રતિષ્ઠાન, હરેકૃષ્ણ મંદિર, ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણ કેન્દ્ર, શક્તિકૃપા ધર્માદા પ્રતિષ્ઠાન  ફ્લૉરિડા વગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને આ સંસ્થાઓને તેઓ નાણાકીય સહાય પણ પૂરી પાડે છે.

જિગીશ દેરાસરી