પટેલ, ચીમનલાલ નારણદાસ (જ. 23 ડિસેમ્બર 1918, અમદાવાદ; અ. 30 જાન્યુઆરી 2004) : ગુજરાતી લેખક અને વિવેચક, અંગ્રેજીના પ્રસિદ્ધ અધ્યાપક. વખત જતાં શિક્ષણ જગતમાં તેઓ સી. એન. પટેલના નામે અને સાહિત્યક્ષેત્રે ચી. ના. પટેલ તરીકે જાણીતા થયા. અંગ્રેજી (મુખ્ય) અને સંસ્કૃત (ગૌણ) વિષયો સાથે તેઓ 1940માં બી.એ. થયા. 1940માં બી.એ. તથા 1944માં પ્રથમ વર્ગ સાથે એમ.એ. (અંગ્રેજી વિષય સાથે) થયા. ‘ગિરધરકૃત રામાયણ’નાં નિત્યસેવી માતા અને ડેપ્યુટી કલેક્ટરનાં પદ પર પહોંચેલા પિતાના સંસ્કારોનો પ્રભાવ, ગુજરાત કૉલેજમાં અંગ્રેજી ભાષાસાહિત્યના તેજસ્વી વિદ્યાર્થી તેમ જ અધ્યાપક તરીકે પ્રો. એસ. એસ. ભાંડારકરનો નિકટ પરિચય એમની મનોયાત્રામાં નવી ક્ષિતિજો ઉઘાડતો બની રહ્યો.
1944થી 1961નાં વર્ષો દરમિયાન ગુજરાત કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક રહ્યા. 1956-57 દરમિયાન એક વરસ માટે સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભવિદ્યાનગર)ના પ્રથમ રજિસ્ટ્રાર તરીકે. તેમજ પ્રકાશ આર્ટ્સ કૉલેજ ફોર ગર્લ્સ (અમદાવાદ)ના આચાર્ય તરીકે પણ ડેપ્યુટેશન પર જવાનું બન્યું (1959-61). શુદ્ધ (ચેઇસ્ટ) અંગ્રેજીમાં લખવા બોલવા સારુ સુપ્રતિષ્ઠિત પણ માધ્યમ વિવાદમાં દેશભાષાના પક્ષકાર એવા સી. એન., અહીં અધ્યાપક જયંત કોઠારીના પરિચયમાં આવ્યા. મૈત્રીમાં પરિણમેલો આ પરિચય એમને માટે ગુજરાતી લેખનની દિશામાં ઉદ્દીપક બની રહ્યો. દરમિયાન, ભારત સરકારના ‘ધ કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી’ પ્રકલ્પ માટે નિમંત્રણ મળતાં તેઓ ડેપ્યુટેશન પર નવી દિલ્હી પહોંચ્યા અને અનુવાદક તરીકે કાર્યરત બન્યા (1961-1969). શરૂઆતનાં વર્ષોમાં દિલ્હી અને પછી અમદાવાદ રહીને તેમણે ઉપમુખ્ય સંપાદક (1969-1976) લેખે તો નિવૃત્તિ પછી મુખ્ય સંપાદકના માનાર્હ સલાહકારનું દાયિત્વ નિભાવ્યું (1977-1985). આ બધાં વર્ષો આકંઠ ગાંધી-નિમજ્જન ઉપરાંત મુખ્ય સંપાદક કે. સ્વામીનાથન સાથે સ્વાધ્યાયપૂત મૈત્રી થકી વાલ્મીકિ રામાયણનું સઘન સેવન કર્યું. દરમિયાન, 1975થી ગ્રંથસ્થ થતા આવતા ચી. ના. એ એ જ વરસે ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે ‘ટ્રેજેડી : સાહિત્યમાં ને જીવનમાં’ વિશે વ્યાખ્યાનો આપ્યાં હતાં. ગુજરાતી સાહિત્ય પરિષદના બત્રીસમા સંમેલનમાં તેઓ વિવેચન વિભાગના અધ્યક્ષપદે વરાયા હતા (1983). 1984માં મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે તેમણે અર્વાચીન ગુજરાતના નૈતિક અને સામાજિક વિચારોને અનુલક્ષીને ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો આપ્યાં હતાં.
શિક્ષણક્ષેત્રે અર્પણ બદલ 1996-97 માં ગુજરાત સરકારનો ઍવૉર્ડ, સાહિત્યિક કામગીરી બદલ 2000માં પ્રથિતયશ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત.
એમની પાસેથી ‘અભિક્રમ’ (1975); ‘ટ્રેજિડી : સાહિત્યમાં ને જીવનમાં’ (1978); ‘ગાંધીજીની સત્યસાધના અને બીજા લેખો’ (1978); ‘ગાંધીજી’ (1979); ‘કથાબોધ’ (1980); ‘મહાત્મા ગાંધી ઈન હીઝ ગુજરાતી રાઇટિંગ્ઝ’ (1981); ‘વાલ્મીકીય રામકથા – સંક્ષિપ્ત અનુવાદ’ (1982); ‘એ ગાંધી રીડર’—કે.સ્વામીનાથન સાથે સંપાદન, 1983; ‘વિચારતરંગ’ (1986); ‘મોરલ ઍન્ડ સોશિયલ થિંકિંગ ઇન મૉર્ડન ગુજરાત’ (1988); ‘બુદ્ધિપ્રકાશ : સ્વાધ્યાય અને સૂચિ’ (1990); ‘મારી વિસ્મયકથા’ (1991); ‘ગાંધીચરિત’ (1995) વગેરે વિવેચનના પુસ્તકો મળે છે.
ભારતીય અને પાશ્ચાત્ય શિષ્ટ સાહિત્યનું તેમનું વિશાળ વાચન અને ચિંતન તેમના વિવેચનોમાં પ્રતિબિંબિત થાય છે. 1975માં પ્રકાશિત થયેલા તેમના ગ્રંથ ‘અભિક્રમ’માં તથા તે પછીના પુસ્તકોના લેખોમાં વ્યક્ત થયેલી પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના ઐતિહાસિક પ્રવાહો અને જીવનમૂલ્યોની ઊંડી સમજ ધરાવતી તેમની દૃષ્ટિ લખાણોને સત્ત્વશીલ બનાવે છે. ‘અભિકમ’માં સાહિત્યિક પ્રશ્નો, સાહિત્યમીમાંસા કે ગુજરાતી, સંસ્કૃત તથા અંગ્રેજી રચનાઓને આ દૃષ્ટિબિંદુથી મૂલવવામાં આવી છે. ‘ટ્રેજડી સાહિત્યમાં અને જીવનમાં’ (1978)માં પાશ્ચાત્ય સાહિત્ય, ‘રામાયણ’, ‘મહાભારત’, ‘સરસ્વતીચંદ્ર’ અને ‘ગાંધીજીવન’ ને તેમાંથી રજૂ થયેલા કરુણ દર્શનને લગતાં દૃષ્ટાંતોનું વિવેચન કર્યું છે. 1980માં પ્રગટ કરેલા ‘કથાબોધ’ ગ્રંથમાં બંગાળી, ગુજરાતી તથા પાશ્ચાત્ય સાહિત્યની રચનાઓને તેમાં દર્શાવેલી ભાવનાઓનું વિશ્લેષણ કર્યું છે. ‘ગાંધીજીની સત્યસાધના અને બીજા લેખો’ (1978)માં ગાંધીજી અને શ્રી અરવિંદની જીવનદૃષ્ટિ વચ્ચે રહેલો તફાવત, ગાંધીજીની પ્રવૃત્તિઓમાં વ્યક્ત થતા એમના જીવનનાં મૂલ્યો વગેરેને દર્શાવવામાં આવ્યાં છે. ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’માં પ્રગટ થયેલી ‘ગાંધીજી’ પુસ્તિકામાં તેમની ભાષામાં રહેલી સર્જનશક્તિને પ્રગટ કરી છે. ‘વિચારતરંગ'(1986)માં સમાજ અને સંસ્કૃતિ, સાહિત્ય, ગાંધીજી વિશેના લેખો તથા ગુજરાતી સાહિત્ય પરિષદના બત્રીસમા અધિવેશનમાં વિવેચનવિભાગના પ્રમુખપદેથી આપેલ વ્યાખ્યાનનો સમાવેશ થાય છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘ગાંધીચરિત’ (1995) ગ્રંથમાં અનેક નબળાઈઓથી ભરેલા સામાન્ય માનવીમાંથી વિશ્વવંદ્ય સંત સુધીનો ગાંધીજીનો વિકાસ દર્શાવતાં સત્યના સૂર્યના એક તેજસ્વી કિરણનો લેખકે અનુભવેલો સ્પર્શ પ્રતિબિંબિત થાય છે. 1982માં પ્રસિદ્ધ કરેલ ‘વાલ્મીકીય રામાયણ’ એ ‘વાલ્મીકિ રામાયણ’નો સરળ ગુજરાતી સંક્ષેપ છે.
જયકુમાર ર. શુક્લ
દર્શના ધોળકિયા