પટેલ, ચીમનભાઈ સોમાભાઈ (. 19 જાન્યુઆરી 1918, સારસા; . 7 માર્ચ 1995, અમદાવાદ) : ગુજરાતી પત્રકાર તથા પત્રમાલિક. જન્મ ચરોતરની કર્મઠ પાટીદાર જ્ઞાતિમાં. અભ્યાસ પૂરો કરી વડોદરામાં સરકારી નોકરીમાં જોડાયા; પણ, નોકરી સ્વભાવને અનુકૂળ નહિ આવતાં છોડી દઈને વેપારમાં પડ્યા. શબ્દરચના સ્પર્ધાઓના ધંધામાં આકર્ષણ જાગ્યું અને વર્તમાનપત્રનું મહત્ત્વ પણ સમજાયું. તેમણે વડોદરાથી ‘લોકસત્તા’ દૈનિક શરૂ કર્યું. પત્રકારત્વનો કશો અનુભવ નહિ, પણ પત્રના સંચાલનમાં દરેક ક્ષેત્રે ઊંડો રસ લઈ પત્રકાર માટેની આવશ્યક બધી જાણકારી પ્રાપ્ત કરી વધારે વ્યાપક ક્ષેત્રની શોધમાં અમદાવાદ આવી, 1958માં (સ્વ.) નંદલાલ ચૂનીલાલ બોડીવાળાનું ‘સંદેશ’ દૈનિક પત્ર હસ્તગત કર્યું. નંદલાલના અવસાન પછી ‘સંદેશ’ ધીરે ધીરે બંધ પડવામાં હતું. ચીમનભાઈએ ‘સંદેશ’ને ગુજરાતનું પ્રથમ કક્ષાનું પત્ર બનાવવાના સંકલ્પ સાથે તેના સંચાલનની જવાબદારી ઉપાડી લીધી. નવું રોટરી મુદ્રણયંત્ર વસાવ્યું અને ઉદ્ઘાટનની ઔપચારિકતા વિના જ નવું રોટરીયંત્ર ખુલ્લું મૂકી દીધું.

ચીમનભાઈ સોમાભાઈ પટેલ

તેઓ શિસ્તપાલનના ભારે આગ્રહી હતા. કાર્યાલયમાં સૌપહેલા આવે અને સૌથી છેલ્લા જાય. પોતાના સ્તંભલેખકોના લેખો માટે વિવાદ ઊભો થાય તો જવાબદારી પોતાને શિરે લઈ સ્તંભલેખકને આંચ આવવા દેતા નહિ.

તેમણે ‘સંદેશ’ને સમાચારોની દૃષ્ટિએ સમૃદ્ધ બનાવ્યું. અનેક પ્રતિષ્ઠિત કટારલેખકોનો સાથ મેળવ્યો. અમદાવાદ ઉપરાંત સૂરત, વડોદરા અને રાજકોટની આવૃત્તિઓ પણ શરૂ કરી. એ સાથે ‘ધર્મસંદેશ’, ‘સ્ત્રી’, ‘જ્યોતિષદીપ’, ‘બાલસંદેશ’, ‘હેલ્થકેર’, ‘શૅરબજાર ગાઇડ’, ‘પંચાંગ’ જેવાં પ્રકાશનો પણ સંભાળ્યાં. પત્ની લીલાબહેન તથા પુત્ર ફાલ્ગુનભાઈને પણ વ્યવસાયમાં સાથે લીધાં. તેમનું 78 વર્ષની વયે હૃદયરોગથી અમદાવાદમાં અવસાન થયું.

બંસીધર શુક્લ