પજવાણી, રામ પ્રતાપરાય

January, 1998

પજવાણી, રામ પ્રતાપરાય (. 20 નવેમ્બર 1911, લાડકાણા, સિંધ; . 31 માર્ચ 1987, મુંબઈ) : સિંધીના કવિ-લેખક, નાટકકાર, અભિનેતા, ગાયક અને સ્વાતંત્ર્ય-સૈનિક. મૅટ્રિક સુધીના અભ્યાસ દરમિયાન તેમને રાષ્ટ્રીય કવિ કિશનચંદ ‘બેવસ’ અને હુન્દરાજ દુખાયલના સંપર્કથી રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા મળી. કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાં અભ્યાસ દરમિયાન વિશાળ ફલક મળતાં તેમણે ગાંધીવાદી વિચારનાં કાવ્યો અને લોકગીતો દ્વારા રાષ્ટ્રીય ચળવળના વાતાવરણને ગુંજતું કરી દીધું અને એ ચળવળમાં ઝંપલાવ્યું. ભગત કંવરરામ પાસેથી પ્રેરણા લઈને તેમના જેવો પોશાક પહેરીને અને માટીના ઘડાનો વાજિંત્ર તરીકે ઉપયોગ કરીને તેમણે રંગમંચ દ્વારા સામાજિક સુધારા, રાષ્ટ્રીય ચેતના અને સ્વાતંત્ર્ય-આંદોલનના સંદેશાને જનસામાન્ય સુધી પહોંચાડ્યો.

તેમણે પ્રથમ સિંધી બોલતી ફિલ્મ ‘એકતા’માં અભિનય આપ્યો. લોકકથાઓ પર આધારિત નાટકો તથા મૌલિક એકાંકીઓ રંગમંચ પર રજૂ કર્યાં. ‘કેદી’, ‘શર્મિલા’, ‘અસાંજા ઘર’, ‘આંદીઅ જો ચિમકો’ તથા ‘લતીફ’ નામની નવલકથાઓ લખી.

વિભાજન પછી તેઓ મુંબઈ આવ્યા અને ત્યાં જયહિંદ કૉલેજમાં પ્રોફેસર તરીકે નિયુક્ત થયા.

ભાષા-સાહિત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તેમણે ભારતના વિસ્થાપિત સિંધી લોકોને એક દોરમાં સાંકળી રાખવાના પ્રયાસો કર્યા. ‘ચૈત્રી બીજ’ના ધાર્મિક તહેવારને તેમણે ‘સિંધી દિન’ તરીકે ઊજવવાની પ્રેરણા આપી. દેશભરના પ્રવાસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા એકત્રિત થતા ફંડનો તેઓ સામાજિક વિકાસનાં કાર્યોમાં ઉપયોગ કરતા રહ્યા.

સત્યઘટનાઓ પર આધારિત તેમના વાર્તાસંગ્રહ ‘અનોખા આઝમૂદા’(1962)ને કેન્દ્રીય સાહિત્ય એકૅડેમીનો 1965નો ઍવૉર્ડ મળ્યો હતો. તેમની ‘આહે ન આહે’ નવલકથા પરથી ‘ઝૂલેલાલ’ નામે સિંધી ચલચિત્રનું નિર્માણ થયું હતું. તેમણે ‘સિંધુ અ-જે-કિનારે’ તથા ‘લાડલી’ ફિલ્મોમાં પણ અભિનય આપ્યો હતો. તેમણે સિંધી ફિલ્મોનાં ગીતો લખવાની સાથે પાર્શ્વગાન પણ કર્યું હતું. 1981માં ભારત સરકારે તેમનું ‘પદ્મશ્રી’ વડે સન્માન કર્યું હતું. તેમનાં ભજનો અને ગીતોની કૅસેટો બની છે.

ચૈત્રી બીજે, સિંધીઓના નૂતન વર્ષ દિન નિમિત્તે મુંબઈમાં અલગ-અલગ 10 સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો આપ્યા પછી રાતે તેમનું અવસાન થયું હતું.

જયંત રેલવાણી