પચૌરી, રાજેન્દ્ર (. 20 ઑગસ્ટ 1940, નૈનિતાલ) : પર્યાવરણવિદ અને 2007માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર સંસ્થા આઇ.પી.સી.સી.ના અધ્યક્ષ.

રાજેન્દ્ર પચૌરી

વર્ષ 2007નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર અમેરિકાના પૂર્વઉપપ્રમુખ આલ્બર્ટ ગોર અને પર્યાવરણસંસ્થા ઇન્ટરગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ(આઇ.પી.સી.સી.)ને સંયુક્ત રીતે એનાયત થયો છે. આ સંસ્થાના વડા ડૉ. રાજેન્દ્રકુમાર પચૌરી ભારતીય છે. તેમણે પર્યાવરણક્ષેત્રે ધીમી પણ એકધારી અને લાંબી મજલ કાપી ઉપર્યુક્ત સંસ્થા વતી શાંતિ માટેનો આ નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે, જે રાષ્ટ્ર માટે ગૌરવપ્રદ ઘટના છે.

ભારતમાં કૉલેજશિક્ષણ મેળવ્યા બાદ તેઓ વારાણસીસ્થિત ડીઝલ લૉકોમોટિવ વકર્સમાં મૅનેજર તરીકે જોડાયા અને 1960ના દસકામાં ત્યાં કામ કર્યું. આ કામગીરી દરમિયાન આગળ અભ્યાસની તક સાંપડતાં તેમણે અમેરિકાની નૉર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીમાં ઔદ્યોગિક ઇજનેરીના અભ્યાસક્ષેત્રે પ્રવેશ મેળવી, 1972માં એમ.એસ.ની અને પછી પીએચ.ડી.ની પદવી મેળવી. પર્યાવરણના અભ્યાસ દરમિયાન તેમને જણાયું કે અન્ય ક્ષેત્રોનો અભ્યાસ આ કામમાં પૂરક નીવડે તેમ છે. આથી અર્થશાસ્ત્રના અભ્યાસ તરફ વળ્યા અને તેમાં પીએચ.ડી.ની પદવી હાંસલ કરી. આમ ઇજનેરી અને અર્થશાસ્ત્રનાં ક્ષેત્રોમાં અસાધારણ નૈપુણ્ય તેમણે મેળવ્યું. પર્યાવરણને મુખ્ય કાર્યક્ષેત્ર તરીકે સ્વીકારવા પૂર્વે વિવિધ ક્ષેત્રોમાં તેમણે નોંધપાત્ર કામગીરી કરી. તેઓ ભારત સરકારની ‘ટેરી’(TERI – Tata Energy Research Institute)ના 1981થી અધ્યક્ષ છે, 2001થી તેઓ તેના નિયામક-અધ્યક્ષ (ડિરેક્ટર-જનરલ) છે. ‘ટકાઉ વિકાસ’-(સસ્ટેનેબલ ડેવલપમેન્ટ)ના ક્ષેત્રે અને ભારતના પર્યાવરણક્ષેત્રે તેમણે અસાધારણ કામગીરી બજાવી હોવાથી તેમના અભિપ્રાયો આદરપાત્ર અને પ્રભાવક રહ્યા. તેમનાં આ કાર્યોનું મહત્ત્વ સ્વીકારી ભારત સરકારે 2001માં રાષ્ટ્રની સેવા બદલ તેમને ‘પદ્મભૂષણ’ના સન્માનથી વિભૂષિત કર્યા હતા. આ અદના નાગરિકની કામગીરીની કદર કરવામાં ભારત સરકાર અગ્રેસર હતી. છેલ્લાં વીસેક વર્ષોથી દેશ અને દુનિયાનું પર્યાવરણીય સંતુલન ખોરવાયું છે એમ અનુભવતા પર્યાવરણવિદોમાં એક પચૌરી પણ ખરા. 1994થી 99 દરમિયાન તેમણે યુનોના ઊર્જા અને પ્રાકૃતિક સાધનો અંગેના સલાહકાર તરીકે કામ કરીને દેશવિદેશની સંસ્થાઓને તેમનાં અનુભવો અને સૂચનોથી અવગત કરાવી. તેમના મતે પ્રાકૃતિક સંસાધનોને માનવજાત નહિ સાચવે તો તેના પર વિનાશનું સંકટ તોળાતું જ રહેશે. આ સંદર્ભમાં 2001માં ભીમકાય પેટ્રોલિયમ કંપની એક્ઝોન-મોબિલે વૈશ્વિક તાપમાન બાબતે બેદરકાર વલણ હાથ ધર્યું ત્યારે તે કંપનીનો બહિષ્કાર કરવાની ગ્રાહકોની લડતને પચૌરીએ ટેકો આપ્યો હતો. 2002માં હવામાન-પરિવર્તનની આંતરસરકારી પૅનલના અધ્યક્ષ ચૂંટાયા બાદ તેઓ સતત હવામાન-પરિવર્તનના સંશોધનમાં ખૂંપેલા રહ્યા અને જગતની વિશ્વશાંતિની અપેક્ષાઓને પચૌરીએ વિજ્ઞાનમાં પરિવર્તિત કરીને માનવજાતની અકલ્પ્ય સેવા બજાવી છે.

આઇ.પી.સી.સી.ના અધ્યક્ષ તરીકે તેમના નામનો ભારે વિરોધ વિકસેલા દેશોએ કર્યો હતો; પરંતુ પર્યાવરણક્ષેત્રની તેમની સુદૃઢ કામગીરીને કારણે આવી ટીકાઓ છતાં તેમને આઇ.પી.સી.સી.નું સુકાનીપદ સુપરત કરાયું. આ સંદર્ભમાં પ્રદૂષિત વાયુઓ વિશે સભાનતા ઊભી કરવાના પ્રયાસો રૂપે તેમણે હવામાનના પરિવર્તનનું જોખમ વિવિધ દેશોના શાસકોને તથા નિર્ણયકર્તાઓને સમજાવી તેનું ભીષણ સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. ‘હવામાનમાં માનવસર્જિત પરિવર્તનો અંગે વિશદ જાણકારીનું નિર્માણ કરવામાં અને આવાં પરિવર્તનોનો સામનો કરવામાં આવશ્યક પગલાંઓનો પાયો નાંખવામાં નોંધપાત્ર ફાળો આપવામાં તેઓ બંને આગળ રહ્યા છે.’  પચૌરી અને આલબર્ટ ગોરનાં કાર્યોને આ શબ્દોમાં બિરદાવતાં ઑક્ટોબર, 2007ના આ પુરસ્કાર તેમને (ઇન્ટરગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેન્ટ ચેન્જ આઇ.પી.સી.સી.ને)  એનાયત કરવાની ઘોષણા કરવામાં આવી.

અભ્યાસરત રહેતા હોવા છતાં ક્રિકેટ રમવાના શોખને તેમણે જાળવ્યો અને પોષ્યો છે. વિવિધ વ્યાવસાયિક ક્રિકેટ-ટુર્નામેન્ટોમાં એક સારા ખેલાડી તરીકે તેઓ સક્રિય છે. આ કામગરા પર્યાવરણવિદ સપ્તાહના સાતેય દિવસ સતત કામમાં ખૂંપેલા હોય છે અને તે પણ પાછા રોજના 17 કલાક કામ કરતા રહે છે. સતત કાર્યમગ્ન રહેવાની તેમની આ જીવનરીતિ તેમના કર્મઠ (‘વર્કોહોલિક’) વ્યક્તિત્વની સાચી પિછાન છે.

રક્ષા મ. વ્યાસ