પટણા : બિહાર રાજ્યનું પાટનગર. ગંગાના મેદાની પ્રદેશમાં નદીના દક્ષિણ કિનારે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 25° 20´ ઉ. અ. 85° 30´ પૂ. રે.. તે ગંગા નદીના વળાંકવાળા ભાગની જમણા કાંઠાની કાંપનિક્ષેપિત પગથી (terrace) પર વસેલું છે અને વિશિષ્ટ રેખાત્મક આકાર ધરાવે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ આશરે 20 કિમી. જેટલી અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ આશરે 2 કિમી. જેટલી છે. નદી અને સડકમાર્ગ વચ્ચેના ભાગમાં તેનાં વ્યાપારી પ્રતિષ્ઠાનો અને બજાર આવેલાં છે. અહીં અનાજ અને કરિયાણાનો વેપાર થાય છે. મોટાભાગનો વેપાર ગંગા નદીના જળમાર્ગે થાય છે. આ શહેર ધોરીમાર્ગે-રેલમાર્ગે બિહારનાં અન્ય નગરો સાથે, બીજાં પડોશી રાજ્યો સાથે તેમજ હવાઈ માર્ગે દેશના જુદા જુદા ભાગો સાથે જોડાયેલું છે. તેના પૂર્વ તરફના જૂના ભાગમાં રહેઠાણો ઉપરાંત ગૃહઉદ્યોગો અને થોડીક સુતરાઉ કાપડની મિલો આવેલી છે. આ ઉપરાંત અહીં પ્લાસ્ટિક પાઇપ, કૃષિ-સાધનો, વીજાણુ-સામગ્રી, તારનાં દોરડાં બનાવતા કેટલાક એકમો છે. ગાલીચા-શેતરંજીઓ, તિજોરીઓ, કાચ, સિરૅમિક, પિત્તળની ચીજો, રમકડાં, દારૂખાનું, સોના-ચાંદીના દાગીના તેમજ પગરખાંના ધંધાનો, ભરતગૂંથણ તેમજ લાખકામનો વિકાસ થયેલો છે. પટણાથી થોડેક દૂર પાટલિપુત્ર ઔદ્યોગિક વસાહત આવેલી છે, જ્યાં વિવિધ ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન થાય છે.

પટણાનો પશ્ચિમ ભાગ વિવિધ સંસ્થાઓ, કચેરીઓ અને શિક્ષણનું કેન્દ્ર બની રહેલો છે. અહીં યુનિવર્સિટી, કૉલેજો તેમજ હૉસ્પિટલ છે. ગાંધી મેદાનની પશ્ચિમે હાઈકૉર્ટ, સિવિલ લાઇન્સ, સચિવાલય તેમજ આવાસો જોવા મળે છે. દક્ષિણ અને પશ્ચિમ વિભાગમાં રહેણાકો ધરાવતી વસાહતો પણ બની છે. બૃહદ શહેરની કુલ વસ્તી 2020 મુજબ અંદાજે 24,36,000 જેટલી હતી.

પટણામાં આજે ગવર્નમેન્ટ હાઉસ, ઍસેમ્બ્લી ચેમ્બર્સ, ઓરિયેન્ટલ લાઇબ્રેરી, ઇજનેરી અને મેડિકલ કૉલેજ જેવી સંસ્થાઓની આધુનિક ઇમારતો જોવા મળે છે. અહીંનાં ઐતિહાસિક સ્મૃતિચિહ્નોમાં બંગાળના હુસેનશાહ (1499), શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહની યાદ સાથે સંકળાયેલું શીખ-ટેમ્પલ, બંકીપુર ખાતેનું ગોલઘર વગેરેનો સમાવેશ થાય છે. પુરાતત્ત્વ ખાતા તરફથી અહીં નજીકમાં વિસ્તૃત ખનનકાર્ય કરીને પ્રાચીન સંસ્કૃતિના અવશેષો શોધી કાઢવામાં આવ્યા છે.

ગોલઘર, પટણા

પટણાનો પ્રાચીન ઇતિહાસ ઘણો જ રસપ્રદ છે. તેનું જૂનું નામ પાટલિપુત્ર હતું. બિહારનો એક ભાગ ગણાતા મગધના તત્કાલીન રાજા અજાતશત્રુએ ઈ. પૂ. પાંચમી સદીમાં અહીં પાટલિપુત્રની સ્થાપના કરેલી. ઉદય (ઉદયન) નામના તેના પુત્રે આ પાટલિપુત્રને પાટનગર બનાવ્યું, જે ઈ.  સ. પૂ.ની પહેલી સદી સુધી પાટનગર તરીકે રહ્યું. આ દરમિયાન ઈ. સ. પૂ. 323માં ચાણક્યની મુત્સદ્દીભરી દોરવણી હેઠળ નંદવંશનું નિકંદન કાઢીને ચંદ્રગુપ્તે મૌર્યવંશની સ્થાપના કરી અને ભારતના ઘણા ભાગો પર પોતાની રાજ્યસત્તાનો વિસ્તાર કર્યો. તેના પૌત્ર અશોકે રાજ્યના વધુ વિસ્તરણ ઉપરાંત રાજનીતિ અને ધર્મનો સમન્વય સાધી, બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો. ઈ. સ. પૂર્વેની ત્રીજી અને બીજી શતાબ્દી દરમિયાન અહીં મૌર્યવંશની સત્તા રહી. ઈ. પૂ. 185માં તેનો અંત આવ્યો. ત્યારપછી ઈ. સ. પૂ.  73 સુધી અહીં શુંગ વંશનું રાજ્ય રહ્યું. તે પછીના સમયમાં, ચોથીથી છઠ્ઠી શતાબ્દી દરમિયાન ગુપ્તવંશના પ્રતાપી રાજાઓ-સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત અને સ્કંદગુપ્ત – થઈ ગયા. આ ગાળામાં રાજકીય એકતા અને પ્રજાની ઉન્નતિ ઉપરાંત સાહિત્ય, સ્થાપત્ય, વિદ્યા અને લલિતકળાઓનો વિકાસ સધાયો; તેથી ગુપ્તકાળને ‘સુવર્ણકાળ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમગ્ર કાળ દરમિયાન પાટલિપુત્ર ભારતમાં વિદ્યાધામ બની રહેલું. પરંતુ સાતમી શતાબ્દી દરમિયાન ગુપ્તવંશનું વર્ચસ ઘટી ગયું. પાટલિપુત્ર તે પછીના ઘણા લાંબા કાળે, 1541માં અફઘાનોના તાબામાં આવ્યું અને પટણા બન્યું. મુઘલ સામ્રાજ્ય દરમિયાન તે ફરીથી સમૃદ્ધિ પામ્યું. 1765માં તે બ્રિટિશ શાસન હેઠળ મુકાયું. આ રીતે જોતાં, પાટલિપુત્ર (આજનું પટણા) પ્રાચીન સમયથી ભારતનાં ભવ્ય નગરો પૈકીનું એક હતું, એટલું જ નહિ, પરંતુ તે રાજકીય, વ્યાપારિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ રહ્યું છે.

બીજલ પરમાર