પચરંગિયો : વનસ્પતિના પાનમાં વિષાણુપ્રવેશ થતાં, તેની નસોની વચ્ચેના ભાગમાં દેખાતા ઘેરા લીલા અને પીળા પટ્ટા કે ધાબાં. સાનુકૂળ વાતાવરણમાં નવા કૂંપળ-પાન પર આક્રમણ થતાં તેનામાં વિકૃતિ આવે છે. પાન નાનું રહે છે. તેનું ફલક જાડું અને સાંકડું તથા લીલી અને પીળી પટ્ટીવાળું થઈ જાય છે. કેટલીક વનસ્પતિમાં પાનની ડાળીની આંતરગાંઠ વચ્ચેની જગ્યા ઓછી થતાં વૃદ્ધિ અટકી જતાં છોડ બટકો રહે છે. આવા રોગિષ્ઠ છોડ ઉપર ફૂલો ઓછાં આવે છે. ફૂલમાં ફળ બેસે તો નાનું અને વિકૃત થઈ જાય છે. દૂધી જેવા વેલાવાળા પાકમાં આ રોગના કારણે નાનું અને ખાંચાટેકરાવાળું તથા લીલા-પીળા ધાબાવાળું ફળ બેસે છે. જ્યારે અન્ય શાકભાજીના છોડનું આ રોગના કારણે ફલીનીકરણ થતું નથી. પાકની ઉત્પાદનશક્તિ અને ગુણવત્તા ખૂબ જ ઘટી જાય છે.

આ વિષાણુનો ફેલાવો મુખ્યત્વે ચૂસિયા પ્રકારની જીવાત મારફતે થાય છે. કેટલાક વિષાણુઓ ખેતઓજાર, ખેતીકામ કરતા માણસો તથા હવા-પાણી મારફતે ફેલાય છે. જીવાત મારફતે ફેલાતા આ વિષાણુનું નિયંત્રણ સર્વદેહી-શોષક પ્રકારની દવાનો છંટકાવ કરીને કરી શકાય છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ