પઉમસિરિચરિઉ (પદ્મશ્રીચરિત)

January, 1998

પઉમસિરિચરિઉ (પદ્મશ્રીચરિત) : અપભ્રંશ કાવ્ય. રચયિતા પાર્શ્વકવિસુત ધાહિલ કવિ. પાટણના જૈન ગ્રંથભંડારમાં સચવાયેલી હસ્તપ્રત 1135માં લખાયેલી છે અને ધાહિલ પોતાને મહાકવિ માઘનો વંશજ ગણાવે છે. તેથી તે આઠમી સદી પછી અને બારમી સદી પહેલાં થયો હશે. ભારતીય વિદ્યા ભવન તરફથી સિંઘી જૈન ગ્રંથમાળામાં તે 1948માં પ્રકાશિત થયેલું. તેના સંપાદકો હતા મધુસૂદન મોદી તથા હરિવલ્લભ ભાયાણી. કવિનું ઉપનામ છે ‘દિવ્યદૃષ્ટિ’. ચાર સંધિના ગ્રંથને અંતે કવિએ પોતાને વિશે માહિતી આપી છે.

‘પઉમસિરિચરિઉ’ એટલે પદ્મશ્રીચરિત. તેમાં પદ્મશ્રી નામના કલ્પિત પાત્રની પૂર્વજન્મકથા અને વર્તમાનમાં મુક્તિની કથા વર્ણવી છે. પ્રેમકથા સુંદર છે, પણ ધાર્મિક આવરણથી આચ્છાદિત રહી છે. વસંતપુરનરેશ જિતશત્રુને ધનદત્ત, ધનાવહ અને ધનશ્રી – એમ ત્રણ સંતાન. યૌવનમાં વિધવા થયેલી ધનશ્રી ભાઈઓના ઘરમાં પૂજાદાનાદિમાં સમય ગાળતી. ભાભીઓમાં ઈર્ષ્યા જાગતાં તેણે પહેલાં મોટાં ભાઈ-ભાભીમાં વિખવાદ જગાવી સમાધાન કરાવ્યું. પછી બીજાં ભાઈ-ભાભીમાં. તપવ્રતાદિ કરી તે દેવલોકમાં ગઈ (1).

બીજા જન્મમાં ભાઈઓ અયોધ્યાના રાજકુમારો સમુદ્રદત્ત – વૃષભદત્ત અને ભાભીઓ કોશલ નગરમાં વણિકપુત્રીઓ કાન્તિમતી-કીર્તિમતી થઈ. ધનશ્રી હસ્તિનાપુરની રાજપુત્રી પદ્મશ્રી બની. તેનાં સમુદ્રદત્ત સાથે પ્રેમલગ્ન થયાં (2).

પૂર્વકર્માનુસાર વિખવાદ થતાં તેને છોડી સમુદ્રદત્ત ઘેર ચાલ્યો ગયો (3).

કાન્તિમતી-કીર્તિમતી પૂર્વના પતિઓને પરણી. ધર્મમગ્ન પદ્મશ્રી તેમને ત્યાં જઈ ચડતાં કર્માનુસાર ચોરીનું કલંક લાગ્યું. વ્રતતપાદિને લીધે કેવળજ્ઞાન લાધતાં તે મોક્ષ પામી (4).

કથાનો હેતુ કર્મનાં ફળ ભોગવવાં જ પડતાં હોઈ નૈતિક પુણ્યકાર્યો કરવાથી મોક્ષ મળે છે એવો બોધ આપવાનો છે. તેમાં સંભોગશૃંગાર તથા વિપ્રલંભશૃંગારનું સુંદર આલેખન છે. પાત્રાલેખન સ્વાભાવિક અને પ્રકૃતિવર્ણનો સરસ છે. તેમાં કોઈક વાર અદ્ભુત કલ્પના આવે છે. સાંજે કમળમાંથી ઊડી જતા ભ્રમરોનું વર્ણન કરતાં કવિ કહે છે કે જાણે કમલિની કાજલપૂર્ણ આંસુથી રડી રહી છે ! તત્કાલીન સામાજિક રીત-રિવાજો વિશે પણ ઠીક પ્રકાશ પાડે છે. લગ્નસમયે વરવધૂની માતાઓ પરસ્પર આનંદથી નાચતી. વરની સવારી હાથી ઉપર આવતી. વધૂ પણ શ્વેત વસ્ત્રો ધારણ કરતી. પત્રલેખા વડે મુખની સજાવટ કરાતી. શુકન-અપશુકનમાં લોકો માનતા. મધ્યપ્રદેશમાં સોપારી અને નાગરવેલનાં પાન થતાં એવો ઉલ્લેખ પણ છે. મુખ્યત: પદ્ધડિકા છંદમાં રચના કરાઈ છે. કાવ્યમાંની અપભ્રંશ ભાષા સરળ અને પ્રવાહી છે. શબ્દો અને શબ્દસમૂહોની આવૃત્તિ દ્વારા પ્રભાવકતા સાધવાનો પ્રયત્ન થયો છે. સુભાષિતો તથા લોકોક્તિઓ પણ સ્થળે સ્થળે પ્રયોજાયાં છે. અનુપ્રાસ, શ્લેષ, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક અને રૂપક જેવા અલંકારો ધ્યાન ખેંચે છે. અપભ્રંશમાંથી ઊતરી આવેલી ગુજરાતી ભાષાના કેટલાક શબ્દો અને ઘણા શબ્દોનાં પૂર્વરૂપો અહીં દૃષ્ટિગોચર થાય છે.

જયન્ત પ્રે. ઠાકર