પઉમચરિય (પદ્મચરિત્ર)

January, 1998

પઉમચરિય (પદ્મચરિત્ર) : જૈન પુરાણસાહિત્યની પ્રાચીનતમ કૃતિ. પ્રાકૃત ભાષાનું આદિકાવ્ય. આ મહાકાવ્ય સર્વપ્રથમ યાકોબીએ 1914માં પ્રકાશિત કરેલું. તે 118 સર્ગોનું છે. તેના રચયિતા છે નાઇલકુલવંશના વિમલસૂરિ. રચના ગ્રંથપ્રશસ્તિ પ્રમાણે વીર સં. 530 = ઈ. સ. 4 કે 64માં થઈ, પરંતુ તે અંગે મતભેદ છે. યાકોબી, જિનવિજયજી, વી. એમ. કુલકર્ણી તેને ત્રીજા સૈકામાં મૂકે છે. તે મત સ્વીકાર્ય બને એવો છે. ગ્રંથમાં પ્રતિબિંબિત ઐતિહાસિક-સાંસ્કૃતિક સામગ્રી પણ ગુપ્ત-વાકાટક યુગનો સંકેત કરે છે. એની ત્રણ હસ્તપ્રતો મળી છે : (1) જેસલમેર ભંડારની તાડપત્રની, 1141માં લખાયેલી, (2-3) પુણ્યવિજયજીના સંગ્રહમાંની કાગળની પ્રતો અનુક્રમે સોળમા શતકના ઉત્તરાર્ધમાં તથા 1591માં લખાયેલી. તેને આધારે પ્રાકૃત ગ્રંથ પરિષદ દ્વારા બે ભાગમાં અનુક્રમે, 1962 અને 1968માં પ્રકાશિત થઈ છે.

જૈન રામાયણ નિરૂપતી આ પ્રથમ કૃતિ છે. અહીં રામને પદ્મ કહ્યા છે. રામ અને સીતાને અગ્નિપરીક્ષા પછી દીક્ષા લેવડાવી છે. રામ, રાઘવ, સીરિ, હલધર નામો પણ પ્રયોજાયાં છે. તેથી ગ્રંથનામ પણ ‘રાઘવચરિત’, ‘રામદેવચરિત’, ‘રામારવિન્દચરિત’ એવાં અપાયાં છે. અહીં 7 અધિકારોમાં વહેંચાયેલા 118 ઉદ્દેશ કે પર્વમાં 8,651 પ્રાકૃત ગાથાઓ છે. કર્તા આ ગ્રંથના મૂળ સ્રોત તરીકે અનુપલબ્ધ જૈન આગમ ‘પૂર્વ’ને તથા આચાર્યપરમ્પરાને ગણાવે છે, પરંતુ તેઓ વાલ્મીકિરામાયણના પણ ઋણી છે. સંભવત: તેમાં ફેરફાર કરીને આ પ્રકારે જૈન રામાયણો ઉતારવામાં આવી છે.

63 શલાકાપુરુષોમાં આઠમા બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ તે રામ, લક્ષ્મણ અને રાવણ છે. તેઓ સૌથી વધારે લોકપ્રિય છે. તેમની કથા અહીં નિરૂપાઈ છે. રામાયણકથામાં જૈન તથા તાર્કિકતાની દૃષ્ટિએ ઘણા ફેરફાર કર્યા છે; દા.ત., રાક્ષસો-વાનરોને સુસંસ્કૃત વિદ્યાધર માનવો ગણ્યા છે. કૈકેયી ઈર્ષ્યાથી નહિ પણ સાધુ થવા તત્પર ભરતને ગૃહસ્થજીવનમાં બાંધી રાખવા માટે રાજપદનો વર માગે છે. રામ પિતાની આજ્ઞાથી નહિ, પરંતુ સ્વેચ્છાએ વનમાં જાય છે. તેમને પાછા લાવવા સ્વયં કૈકેયી જાય છે અને ક્ષમા યાચે છે. વાલી સુગ્રીવને રાજ્ય આપી સાધુ થઈ જાય છે. રાવણ ચુસ્ત જૈનધર્માનુયાયી અને વ્રતી છે. તેને પાશ્ચાત્ય કરુણાન્ત નાટકોના નાયક જેવો નિરૂપનાર વિમલસૂરિ પ્રથમ કવિ છે. શમ્બૂકને લક્ષ્મણ અકસ્માતે હણે છે. રામને 8,000 પત્નીઓ છે, લક્ષ્મણને 16,000, હનુમાનને 100, સગર અને હરિષેણને 64,000 ! રાવણ એકસાથે 6,000 સ્ત્રીઓને પરણે છે. સીતાનો જન્મ રાણી વિદેહાની કૂખે થાય છે. સુવર્ણમૃગનો પ્રસંગ ટાળ્યો છે તો સીતાના ભાઈ ભામંડલનું પાત્ર ઉમેર્યું છે. રાવણની માતાએ રાવણને ગળામાં અદ્ભુત રત્નમાળા પહેરાવેલી. તેમાં એના મુખનાં નવ પ્રતિબિંબ દેખાતાં હોવાથી તે દશમુખ કહેવાયો એમ જણાવવામાં આવ્યું છે. આમ અતાર્કિક આલેખનો નિવારી વાસ્તવિકતા તરફ જવાનો અને પાત્રોના ઊર્ધ્વીકરણનો આ પ્રથમ પ્રયોગ છે.

આ કથાનું મુખ્ય પાત્ર લક્ષ્મણ છે, રામ નહિ. રાવણને પણ તે જ હણે છે. આમ છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ લક્ષ્મણ-રાવણ રામથી ઊતરતી કક્ષાનાં પાત્રો છે; કેમ કે રામ નિર્વાણ પામે છે અને તે બે નરકમાં જાય છે. ‘પઉમચરિય’માં પુરાણ અને મહાકાવ્ય બંનેનાં કેટલાંક લક્ષણો છે. વિમલસૂરિ ધર્મોપદેશક પહેલા છે, પછી કવિ. ગ્રંથનો આશરે 3 ભાગ પૂર્વભૂમિકાએ રોક્યો છે, જે વાર્તાકાર તરીકેનું તેમનું શૈથિલ્ય દાખવે છે.

આ ગ્રંથની ભાષા જૈન મહારાષ્ટ્રી પ્રાકૃતનું જૂનું રૂપ છે. સાહિત્યિક અપભ્રંશના પ્રાકટ્ય પહેલાં રચાયેલ ‘પઉમચરિય’ની સાહિત્યિક પ્રાકૃત ભાષામાં લોકબોલી અપભ્રંશના તથા અન્ય દેશી શબ્દો પુષ્કળ પ્રવેશ્યા છે. તળપદા રૂઢિપ્રયોગો, કહેવતો અને રવાનુકારી શબ્દોના પ્રયોગો પણ થયા છે. સંજ્ઞાવાચક નામોના પણ પર્યાયો વપરાયા છે! ઉપમા-રૂપકાદિ અલંકારો પણ પ્રયોજાયા છે; પરંતુ યમક-અનુપ્રાસ જેવા શબ્દાલંકારો જવલ્લે જ જોવા મળે છે. ‘કુવલયમાલા’માં આ કવિની ‘અમૃતમય સરસ’ પ્રાકૃતની પ્રશંસા કરાઈ છે. એમની શૈલી સરળ અને પ્રવાહી છે. સુંદર સુભાષિતો તથા અર્થાન્તરન્યાસો પણ ધ્યાન ખેંચે છે. જીવન-ધર્મ-નીતિનાં ટૂંકાં સચોટ સૂત્રો આપવામાં કવિ અતિકુશળ છે. આર્યા-ગાથા છંદ પ્રાકૃતનો મૂળ છંદ છે; તેની વચ્ચે કેટલાક સંસ્કૃત છંદો પણ કૌશલ્યપૂર્વક પ્રાકૃતમાં પ્રયોજવામાં આવ્યા છે.

જૈન સાહિત્યમાં રામકથાનું ખેડાણ ખૂબ થયું છે. પ્રથમ જૈન રામાયણ એવા આ ‘પઉમચરિય’નો પ્રભાવ તે બધાં ઉપર ઘણો છે. રવિષેણનું ‘પદ્મચરિત’ કે ‘પદ્મપુરાણ’ એ તેનું વિસ્તૃત સંસ્કૃતીકરણ જ છે. સ્વયમ્ભૂ, શીલાચાર્ય, ભદ્રેશ્વર, હેમચન્દ્ર, ધનેશ્વર, દેવવિજય અને મેઘવિજય તેને જ અનુસરે છે. ગુણભદ્ર, પુષ્પદંત, કૃષ્ણદાસ, સંઘદાસ અને હરિષેણની વાચનાઓ કેટલેક અંશે જુદી પડે છે.

‘પઉમચરિય’ શ્વેતામ્બર-દિગમ્બર જેવા સાંપ્રદાયિક ભેદોથી પર હોવાથી તેની રચના થઈ ત્યારે એવું સંપ્રદાયવિભાજન દૃઢ થયું નહિ હોય એમ મનાય છે.

જયન્ત પ્રે. ઠાકર