પકવાસા, પૂર્ણિમાબહેન

January, 1998

પકવાસા, પૂર્ણિમાબહેન (. 1 ઑક્ટોબર 1913, સુરેન્દ્રનગર; . 25 એપ્રિલ 2016, ડાંગ) : ગુજરાતના આદિવાસીઓ માટે કામ કરનાર મહિલા સેવિકા અને ઋતંભરા વિશ્વવિદ્યાપીઠનાં આદ્યસ્થાપક. ગાંધીયુગે દેશની મહિલાઓમાં અનન્ય ખુમારી પેદા કરેલી. આવાં એક સેવિકા પૂર્ણિમાબહેન પકવાસા, નિરાડંબરી, નિર્ભીક અને સેવાની લગન ધરાવતાં મહિલા. નાની વયે આઝાદીની લડતનું મનોબળ કેળવી, દારૂબંધી માટે પિકેટિંગ કરતાં. રેંટિયાપ્રવૃત્તિ, સ્વરક્ષણ વગેરે કામો જરૂરત ઊભી થતાં શીખતાં ગયાં. બાળવયે માતા-પિતા તરફથી આધ્યાત્મિકતાનો અને માનવપ્રેમનો વારસો મળ્યો. કિશોરી પૂર્ણિમા નીડર, ઉત્સાહી અને શિસ્તબદ્ધ. પોતાની પાસે તે નાની કટારી રાખે. ગાંધીબાપુને તે નહીં ગમે તેમ જાણતાં તેઓ સીધા દોડીને બાપુ પાસે પહોંચ્યાં. તેમનો પ્રશ્ન હતો, ‘બાપુ,  સ્વરક્ષણ માટે હું કટાર રાખું તે ગુનો છે ?’ બાપુએ આ યુવતીને અભિનંદી અને કહ્યું, ‘બેટા, મને તારી વાત ગમી. તમારે બહેનોએ સ્વરક્ષણની કલા શીખી લેવી જરૂરી છે. પરંતુ મને આનંદ ત્યારે થાય કે તું, સમાજની બહેનોને પણ આવી તાલીમનું મહત્ત્વ સમજાવે.’ ત્યારથી આ યુવતીના મનોસામ્રાજ્યમાં મહિલા તાલીમસંસ્થાનું બીજ રોપાયું જે પછીથી ઋતંભરા વિશ્વવિદ્યાપીઠ સ્વરૂપે પાંગરેલું આપણે જોઈ શકીએ છીએ.

પૂર્ણિમાબહેન પકવાસા

1930માં સત્યાગ્રહ વખતે તેઓ ગાંધીજીના આદેશ પ્રમાણે શહેર અને ગામોમાં પ્રચાર માટે જતાં ત્યારે સ્વદેશપ્રેમ, રેંટિયો કાંતવો, ખાદી વણવી, દારૂબંધી માટે પીઠાં પર પિકેટિંગ જેવાં કાર્યો માટે મહિલાઓને જાગૃત કરતાં. આવી જ એક તાલીમ દરમિયાન જેલવાસ વેઠવાનો આવ્યો. જેલમાં કસ્તૂરબા સાથે હતાં. પૂર્ણિમાબહેન બાને ભણાવતાં, બાપુએ આપેલું લેસન સુધારતાં. કસ્તૂરબા સાથેના પરિચયથી પેલી કેડકટારી બાથરૂમમાં ખાડો કરી દાટી દીધી; કારણ કસ્તૂરબાએ સમજાવ્યું કે સ્વરક્ષણ તો સ્ત્રીઓની આંતરિક શક્તિમાં આંખોમાં  અને હૃદયમાં છુપાયેલું છે. 1938ની હરિપુરા કૉંગ્રેસમાં તેમણે ભાગ લીધો હતો.

સ્વતંત્રતા પછી પછાત વર્ગની સેવાને તેમણે પ્રાધાન્ય આપ્યું. તેમના મતે પછાત વર્ગની સેવા પ્રભુસેવા બરોબર છે. આથી ડાંગ વિસ્તારને એ માટે પસંદ કરી તેમણે ઋતંભરા વિશ્વવિદ્યાલય થકી આદિવાસી વિકાસનું બીડુ ઝડપ્યું.

મંગળદાસ પકવાસા કુટુંબમાં લગ્ન થતાં તે કુટુંબની જવાબદારી નિભાવવા સાથે પછાતવર્ગો માટે અને વિશેષે આદિવાસીઓ માટે કામ કરવાનો નિશ્ચય કર્યો. આ માટે સાપુતારા ખાતે ઋતંભરા વિશ્વવિદ્યાપીઠ સ્થાપી. ક્રમશ: ત્યાં બાર ધોરણ સુધીની કન્યાશાળા, પુસ્તકાલય, ઔષધિ-વન અને મેદાની તાલીમ આપતાં કેન્દ્રો વિકસાવ્યાં.

1955માં નાશિકની ભોંસલે મિલિટરી સ્કૂલમાં કૅમ્પકમાન્ડર તરીકે સેવા આપવાની શરૂઆત કરી અને 1975 સુધીમાં આવા 20 કૅમ્પમાં કમાન્ડર તરીકે માનદ સેવા આપી. શારીરિક શક્તિના વિકાસ સાથે મનની અજાયબ શક્તિઓની પ્રતીતિ થતાં તેમણે આધ્યાત્મિક શક્તિઓના વિકાસની દિશામાં પણ પ્રયાસો કર્યા. સંગીતનાં રસિયાં અને રાગોનાં જાણકાર પૂર્ણિમાબહેને નૃત્યનાટિકાઓને પ્રોત્સાહન પૂરું પાડીને આદિવાસી સંસ્કૃતિની જાળવણીમાં પણ સક્રિયતા દાખવી. ડાંગને જીવન સમર્પિત કરીને તેમણે ઋતંભરા વિશ્વવિદ્યાપીઠને જીવનકાર્ય બનાવી દીધું. જીવનપર્યંત તેઓ ઋતંભરાના કાર્યમાં સક્રિય હોવા સાથે પ્રત્યેક વર્ષે વિવિધલક્ષી ગ્રીષ્મશિબિરો યોજીને તેમની નેતૃત્વશક્તિનો પરિચય કરાવતાં રહ્યાં હતાં. 100 વર્ષની વયે પણ તેમની સક્રિયતા અચંબામાં ડુબાડી દે તેવી હતી. ડાંગના જંગલના છેવાડાના વિસ્તારોને ઉત્કર્ષ અને વિકાસનો લાભ પ્રાપ્ત થાય તે માટે તેમણે 20 યુવકકેન્દ્રો પણ તે વિસ્તારોમાં શરૂ કર્યાં હતાં. તેઓ અનેકનાં દીદી તો અનેકનાં વાત્સલ્યમયી મા હતાં. આ સંસ્થા દેશભરની નામી સંસ્થા હોવાથી વિવિધ મહાનુભાવો અવારનવાર તેની મુલાકાતે આવતા રહે છે. સંસ્થામાં ગાય-ઉછેર દ્વારા બાલિકાઓને ગાયનું શુદ્ધ દૂધ પૂરું પાડવામાં આવે છે.

‘પદ્મશ્રી’ ઍવૉર્ડથી સન્માનિત દીદી ડાંગની પ્રજાની પ્રેરણામૂર્તિ હતાં. આદિવાસી પ્રજા વચ્ચે વસી તેમણે પછાત ગણાતી આ વસ્તીના સમગ્ર વર્ગને નવો આયામ આપ્યો હતો. ‘જય બદરીનાથકી’ અને ‘જીવનશિલ્પીઓ’ તેમનાં પુસ્તકો છે.

રક્ષા મ. વ્યાસ