પઉમચરિઉ (પદ્મચરિત) : અપભ્રંશ ભાષાનું પ્રાચીનતમ ઉપલબ્ધ પૌરાણિક મહાકાવ્ય. રચયિતા મારુતદેવપદ્મિનીપુત્ર અતિકૃશકાય વિરલદન્ત કવિરાજ સ્વંયભૂદેવ, જે વરાડમાંથી કર્ણાટકમાં જઈ વસ્યા લાગે છે. કોઈ ધનંજયની પ્રેરણાથી તેને આશ્રયે 840-920 દરમિયાન તેની રચના થઈ. હસ્તપ્રતો : (1) પુણેની ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ક્રમાંક 1120/1884-87ની, કાગળની, 1464-65માં લખાયેલી; (2) સાંગાનેર(જયપુર)ના ગોદિકામંદિરના જૈન ભંડારની, કાગળની, 1718માં સોંપાયેલી; (3) આમેર(જયપુર)ના ભંડારની, કાગળની, 1484-85માં લખાયેલી સિંઘી જૈન ગ્રંથમાળાના ગ્રંથાંક 34-35-36 તરીકે, ડૉ. હરિવલ્લભ ભાયાણી સંપાદિત, ત્રણ ભાગમાં પ્રકાશિત, 1953-1953-1960.
જૈન દૃષ્ટિએ અહીં રામાયણકથાનું નિરૂપણ છે. ‘પઉમ’ – પદ્મ એટલે રામ, તેથી ‘પઉમચરિઉ’ને ‘રામચરિત’, ‘રામદેવચરિત’, ‘રાઘવચરિત’, ‘રામાયણ’, ‘રામાયણપુરાણ’ અને ‘રામાયણકાવ્ય’ એવાં નામ પણ અપાયાં છે. 5 કાંડમાં વહેંચાયેલ 90 સર્ગો કે સંધિમાં 1,269 કડવક(કડવાં) છે. જેમાં 12,000 ગ્રંથાગ્રનો વિસ્તાર છે. અંતિમ 83થી 90 સંધિ સ્વયંભૂના નાના પુત્ર ત્રિભુવન સ્વયંભૂએ રચ્યા છે. તે દરેકને ‘સર્ગ’ કહ્યો છે અને દરેકને અલગ નામ પણ આપ્યાં છે; જ્યારે તે પહેલાંનાં પ્રકરણોને કોઈક વાર જ અલગ નામ અપાયાં છે. ગ્રંથને પણ ‘પદ્મચરિતશેષ’ કહી પિતાનું અધૂરું કાર્ય પૂરું કર્યાનો તેણે નિર્દેશ કર્યો છે. પોતાનું નામ કવિએ પ્રત્યેક સંધિને અંતે આપ્યું છે.
63 શલાકાપુરુષોમાં આઠમા બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ તે રામ, લક્ષ્મણ અને રાવણ, જે સૌથી વધારે લોકપ્રિય છે, તેમની કથા અહીં નિરૂપી છે. મૂળ રામકથામાં પરિવર્તનો કરી વિમલસૂરિએ પ્રાકૃત ‘પઉમચરિય’માં જૈન રામાયણ આપ્યું. તેનું વિસ્તૃત સંસ્કૃતીકરણ તે રવિષેણાચાર્યકૃત ‘પદ્મપુરાણ’. આ બંનેની અસર સ્વયંભૂએ ઝીલી છે. ‘પઉમચરિઉ’માં પૂર્વે થયેલા સંસ્કૃત-પ્રાકૃત કવિઓનો ઉલ્લેખ કરી પોતાના મૂળ સ્રોત તરીકે આદરપૂર્વક આ ‘પદ્મપુરાણ’નો નિર્દેશ કર્યો છે; પરંતુ આ જૈન કથામાં પણ કેટલાક ફેરફાર કરી સ્વયંભૂએ પોતાની મૌલિક પ્રતિભા દર્શાવી છે. તેના 18,000 ગ્રંથાગ્રને 12,000 ગ્રંથાગ્રમાં સમાવ્યા છે. લાંબા ધાર્મિક અંશો કાપી નાખી, કેટલાંક વર્ણનો ટૂંકાવી, મૂળના માત્ર નિર્દેશો કે સૂચનોને સરસ રીતે વિકસાવી અને ક્વચિત્ નવા અંશ ઉમેરી રજૂઆત વધારે આકર્ષક બનાવી છે. 130 પદ્યોનું હરિષેણનું કથાનક માત્ર બે જ કડવકમાં સમાવ્યું છે, તો અર્થશાસ્ત્રવિષયક 16મો સંધિ કે સર્ગ નવો ઉમેર્યો છે. વર્ણનોમાં ઉપમા-ઉત્પ્રેક્ષા દ્વારા સચોટતા આણી છે. સામાન્યજનપરિચિત ઉપમાનો વડે કવિતાને સરળ અને પ્રસાદગુણયુક્ત બનાવી છે. અનુરણનાત્મક શબ્દપ્રયોગો આલેખનોને તાશ બનાવે છે. શૃંગારાદિ રસોની નિષ્પત્તિ કુશળ રીતે કરી છે, છતાં જૈન દૃષ્ટિએ વૈરાગ્ય ઊભો કરનાર શાન્ત રસમાં જ કાવ્ય તથા જીવનનું પર્યવસાન કવિને અભીષ્ટ છે. 14મા સંધિમાંનું જલક્રીડાવર્ણન તો શ્રેષ્ઠ સાહિત્યખંડોમાં સ્થાન પામ્યું છે.
આ કૃતિ ઉપર સંસ્કૃત સાહિત્યની અસર ખૂબ છે. મંદોદરીનો વિલાપ ‘કુમારસંભવ’માંના રતિવિલાપનું સ્મરણ કરાવે છે. અંજનાસુંદરી માટેનો પવનંજયનો વિલાપ ‘વિક્રમોર્વશીય’ના ચોથા અંકમાંના પુરૂરવાના વિલાપની યાદ આપે છે. સીતાના સ્થૂલ સૌંદર્યનું વર્ણન શકુન્તલાવર્ણનનો આભાસ ઊભો કરે છે. સંધિ 6ના પ્રારંભે સિંહાસનો તથા રાજાઓનું આલેખન સંસ્કૃતપ્રચુર ભાષામાં કરાયું છે. સંધિ 5-6ની વચ્ચે રાક્ષસવંશના રાજાઓની સૂચિ સંસ્કૃતમાં જ મૂકી છે, જેમાં નામોમાં થોડા ફેરફાર પણ કર્યા છે. 16મા સંધિમાં શક્તિઓ, વિદ્યાઓ, સંધિવિગ્રહયાનાદિ અને 18 તીર્થો વગેરેનું વર્ણન પણ સંસ્કૃતમાં છે. સંસ્કૃત શ્લોકો પણ કેટલેક સ્થળે મૂક્યા છે.
શબ્દયોજના અને વિવિધ છંદોના પ્રયોગોમાં પણ કવિનું કૌશલ્ય પ્રકટ થાય છે. લંબાણ, આલંકારિકતા અને જ્ઞાનનો ભાર હળવો કરી ભાષાશૈલીને અધિક સરળ-સચોટ બનાવી છે. અપભ્રંશ ભાષા અને તેના વ્યાકરણની સર્વ વિલક્ષણતાઓ આમાં ભરી છે. અપભ્રંશનું પ્રથમ મહાકાવ્ય હોવા છતાં આની પ્રૌઢ અને પરિપુષ્ટ રચના ઉપરથી જણાય છે કે અપભ્રંશની આ પ્રાંજલ પરંપરા ઠીક ઠીક સમય પૂર્વે ઉત્પન્ન થઈ હશે જે સ્વયંભૂની રચનામાં સુવિકસિત બની હશે. આનું વિવેચન અને છંદના વૈવિધ્યનું વિશ્લેષણ ડૉ. ભાયાણીએ ઉપરિનિર્દિષ્ટ આવૃત્તિની પ્રસ્તાવનામાં કર્યું છે.
આ અપભ્રંશ રામાયણનું સાહિત્યિક, ભાષાકીય, સાંસ્કૃતિક તથા ઐતિહાસિક મૂલ્ય ઓછું આંકી શકાય નહિ. પોતે જ પ્રશિસ્તગાથામાં કહ્યું છે તેમ, સ્વયંભૂના વ્યાકરણરૂપી અંકુશે અપભ્રંશના ઉન્મત્ત હાથીના સ્વૈરવિહારનું નિયમન કર્યું છે. સ્વયંભૂની કવિતાને અર્વાચીન ભારતીય ભાષાઓના પ્રમુખ પૂર્વજ તરીકે ગણી શકાય. પછીના સાહિત્ય પર તેનો સારો પ્રભાવ પડ્યો છે. કેટલાય કવિઓએ સ્વયંભૂનું સ્મરણ આદરપૂર્વક કર્યું છે. પુષ્પદંતનું ‘મહાપુરાણ’ અને ધનપાલની ‘ભવિસયત્તકહા’ કેટલેક સ્થળે ‘પઉમચરિઉ’ સાથે શબ્દસામ્ય પણ ધરાવે છે. હરિષેણ, કનકામર, હેમચન્દ્રાચાર્ય ઉપરાંત નયનંદિ, વીર, શ્રીચન્દ્ર, સિંહસેન, નારાયણ ભટ્ટ, ચિન્તામણિ મિશ્ર, રાઘવ ભટ્ટ, ગંગદાસ કવિ વગેરેએ તેનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે. રાજશેખર કવિના ‘છંદ:શેખર’નો અપભ્રંશવિભાગ બહુધા સ્વયંભૂના ‘સ્વયંભૂચ્છંદસ્’નાં પ્રથમ ચાર પ્રકરણનું સંસ્કૃત રૂપાન્તર છે. સમૃદ્ધ તાદૃશ કલ્પના, શૈલીની અનર્ગલતા તથા ભાષા અને કવિતાકલા પરનું પ્રભુત્વ ભારતના શ્રેષ્ઠ સાહિત્યમાં ‘પઉમચરિઉ’ને સ્થાન આપે છે. ‘કવિરાજચક્રવર્તી’ અને ‘છંદશ્ચૂડામણિ’ જેવી કવિની ઉપાધિઓ યથાર્થ લાગે છે. જિનવિજયજીએ આ ‘પુરાણ’ અને ‘મહાકાવ્ય’નાં લક્ષણો ધરાવતી કૃતિને યોગ્ય રીતે જ ‘કાવ્યચૂડામણિ’ કહી છે.
જયન્ત પ્રે. ઠાકર