ન્યેરેરે, જુલિયસ કે. (જ. 13 એપ્રિલ 1922, બુટિયામા, ટાન્ઝાનિયા અ. 14 ઑક્ટોબર 1999, લંડન, યુ. કે.) : ટાન્ઝાનિયાની સ્વાધીનતા- ચળવળના પિતા, તે દેશના નિવૃત્ત પ્રમુખ, આફ્રિકાના નિર્ભીક સ્વતંત્ર વિચારક તથા આફ્રિકન સમાજવાદના પ્રણેતા. તેમનો જન્મ વિક્ટોરિયા સરોવરના પૂર્વ કિનારા તરફના બુટિયોના નગરની બાજુના ગામડામાં થયો હતો. પિતા ઝાંકી આદિમ લોકજાતિના એક નાના જૂથના સરદાર હતા. તેમની 22 પત્નીઓમાંથી ચોથી પત્નીના સંતાન તરીકે જુલિયસનો જન્મ થયો હતો. બાર વર્ષની ઉંમરે તેમણે શરૂઆતમાં કૅથલિક મિશન સ્કૂલમાં અને ત્યારપછી ટાંગાનિકાની એકમાત્ર માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યા પછી 1943-45 દરમિયાન યુગાન્ડાની મૅકરેરે કૉલેજમાં શિક્ષક તરીકેની તાલીમ લીધી હતી.

જુલિયસ કે. ન્યેરેરે

1945-47 દરમિયાન ટૅબોરા કૅથલિક સ્કૂલમાં શિક્ષક તરીકે સેવાઓ આપી. 1949માં સ્કૉટલૅન્ડની એડિનબરો કૉલેજમાં અનુસ્નાતક શિક્ષણ માટે દાખલ થયા. 1953માં સ્વદેશ પાછા આવ્યા તથા 1954માં ટાંગાનિકા આફ્રિકન નૅશનલ યુનિયન (TANU) નામક પક્ષની રચના કરી. 1958ની ચૂંટણીમાં આ પક્ષે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી. ડિસેમ્બર, 1961માં દેશના વડાપ્રધાન ચૂંટાયા, પરંતુ એક માસ પછી સ્વેચ્છાથી આ પદનો ત્યાગ કર્યો. 1962માં સ્વતંત્ર ટાંગાનિકાના પ્રમુખ બન્યા તથા 1964માં ટાંગાનિકા અને ઝાંઝિબારના વિલય પછી સ્થપાયેલ ટાન્ઝાનિયા પ્રજાસત્તાકના પ્રમુખ ચૂંટાયા. ત્યારપછીની 1970, 1975 અને 1980ની ચૂંટણીઓમાં તેમને ભવ્ય વિજયો સાંપડ્યા. 1985માં તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન આફ્રિકન સમાજવાદના ખ્યાલનું પ્રવર્તન કર્યું અને તે ધોરણે જ ટાન્ઝાનિયાનું શાસન ચલાવ્યું.

1978માં તેમણે યુગાન્ડાના તત્કાલીન સરમુખત્યાર ઇદી અમીનને પદભ્રષ્ટ કરવા માટે ટાન્ઝાનિયાનું લશ્કર મોકલ્યું હતું, જેમાં તેમને સફળતા મળી હતી. 1975 પછીના ગાળામાં રર્હોડેશિયાની સ્વતંત્રતાની ચળવળમાં તેમણે આગળ પડતી ભૂમિકા ભજવી હતી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે