પંડ્યા, ઉપેન્દ્રભાઈ છગનલાલ (. 25 ડિસેમ્બર 1919, નડિયાદ; . 13 નવેમ્બર 1998, રાજકોટ) : ગુજરાતી કવિ, વિવેચક, સંપાદક. વતન નડિયાદ. પિતા છગનલાલ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન અને મામા ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાતી સાહિત્યના યુગપુરુષ. બંનેની ઉપેન્દ્રભાઈ પર છાયા. 1937માં મૅટ્રિક થઈ ઉચ્ચશિક્ષણ માટે ગુજરાત કૉલેજ(અમદાવાદ)માં જોડાયા અને 1941માં બી. એ. અને 1943માં એમ. એ. થયા. 1943થી 1944 દરમિયાન ભારતીય વિદ્યાભવન-(મુંબઈ)માં અધ્યાપક તરીકે હતા. 1945થી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે 22 વર્ષ સુધી સેવાઓ આપી. છેલ્લાં પાંચ વર્ષ એ કૉલેજમાં પ્રાચાર્યના હોદ્દા પર પણ રહ્યા. દરમિયાનમાં 1974માં ‘પૂર્વ-પશ્ચિમની સૈદ્ધાંતિક વિવેચનાનો તુલનાત્મક અભ્યાસ’ વિષય પર મહાનિબંધ લખી પીએચ. ડી. થયા. 1977માં નિવૃત્ત થયા એ જ વર્ષે ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ થયા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાં રીડર તરીકે પણ બે વર્ષ સેવાઓ આપી.

ઉપેન્દ્રભાઈએ નાનાં-મોટાં વીસ જેટલાં પુસ્તકોનું લેખન-સંપાદન કર્યું છે. ગીત, સૉનેટ, અછાંદસ અને મુક્ત-લયની રચના ધરાવતો કાવ્યસંગ્રહ ‘ઝરમર’ જાણીતો છે. મહાનિબંધ ઉપરાંત ‘સરળ અલંકાર વિવેચન’, ‘અવબોધ’ અને ‘પ્રતિબોધ’ એ તેમના મૌલિક ગ્રંથો છે. સરસ્વતીચંદ્રના લઘુ તેમજ બૃહત સંક્ષેપો, ઉપરાંત સંપાદનક્ષેત્રે ‘ગોવર્ધન શતાબ્દી ગ્રંથ’ અને ‘ગોવર્ધનશતાબ્દી સ્મારક ગ્રંથ’ તથા મુનશી સંપાદિત ‘ધ ગ્લોરી ધૅટ વૉઝ ગુર્જર દેશ’ અંગ્રેજી ગ્રંથનું ‘ગુજરાતની કીર્તિગાથા’ શીર્ષકથી કરેલું ભાષાંતર, ‘રાજસ્થાની સાહિત્યનો ઇતિહાસ’ નામે અનુવાદ પણ તેમની નોંધપાત્ર રચનાઓ છે. ‘થોડોક કાવ્યવિચાર’, ‘ભટ્ટનાયકનો ભાવ વ્યાપાર’ અને ‘ઊર્મિકાવ્યો’ જેવા તેમના લેખો સાહિત્યતત્વની વિશદ ચર્ચા ધરાવે છે.

તેમના વિવેચન સંગ્રહ ‘પ્રતિબોધ’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું.

પ્રવીણચંદ્ર પરીખ