પંડ્યા, કમળાશંકર (. 20 ઑક્ટોબર 1904, રાજપીપળા; . 1 ઑગસ્ટ 1992, વડોદરા) : ગુજરાતના એક સન્નિષ્ઠ લોકસેવક અને સ્વાતંત્ર્યસેનાની. તેમના પિતાનું નામ લલ્લુભાઈ અને માતાનું રાધિકાબહેન. તેમણે પ્રાથમિક શિક્ષણ વાલિયા અને નાંદોદમાં તથા હાઈસ્કૂલનું શિક્ષણ વલસાડમાં લીધું હતું. તેઓ ‘ગુજરાતી’, ‘વીસમી સદી’ અને ‘નવજીવન’ કિશોરવયે વાંચતા અને તેની ફાઈલો રાખતા.

ગાંધીજીએ અસહકારની લડતમાં બ્રિટિશ શિક્ષણના બહિષ્કારનો કાર્યક્રમ આપેલો અને વિકલ્પે રાષ્ટ્રીય શિક્ષણસંસ્થાઓ ઊભી કરવાની હાકલ કરી હતી. આ હાકલથી પ્રેરાઈને તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં ભણવા ગયા. તેમની સાથે ભણનારાઓમાં નગીનદાસ પારેખ, ખંડુભાઈ દેસાઈ, જીવણજી દેસાઈ વગેરે હતા. તેઓ દર રવિવારે આચાર્ય ગીદવાણીની સરદારી નીચે ખાદી વેચવા જતા. વિદ્યાપીઠમાં તેમને દેશવિદેશનાં પુસ્તકો વાંચવાની ટેવ પડી.

1924માં વિદ્યાપીઠના ‘વાણિજ્યવિશારદ’ થયા પછી 1926થી 1930 સુધીનાં વર્ષો વેપારમાં ગયાં.

1930માં, દાંડીકૂચ પછીના દિવસોમાં, કમળાશંકર ગાંધીજીને કરાડીમાં મળ્યા. એમાંથી લડતમાં રસ જાગ્યો. તેમના મોટા ભાઈ ઓચ્છવલાલ લડતમાં તેમને મદદરૂપ થાય તે માટે ગાંધીજીએ એક પત્ર પણ લખી આપ્યો. 1930થી તેમનું જાહેર જીવન શરૂ થયું તે જીવનના અંતકાળ સુધી ચાલુ રહ્યું.

દાહોદ એમની કર્મભૂમિ. કૉંગ્રેસના સૈનિક તરીકે પ્રવેશ કરીને રાષ્ટ્રીય આંદોલનોમાં ભાગ લેતા તેમજ લોકજાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ કરતા નોંધપાત્ર આગેવાનોમાં એમની ગણતરી થવા માંડી. એમણે 1932, 1941, 1942ની લડતોમાં ભાગ લઈને કારાવાસ વેઠ્યો. વચગાળામાં નિરીશ્વરવાદની દીક્ષા, સમાજવાદી સંગઠન, ગાંધીજીના નેતૃત્વને પડકાર, પત્રકારત્વ, ખેડૂત-પરિષદ, ભંગી કામદાર-સંગઠન, યુવક-પ્રવૃત્તિ, સરદારના નેતૃત્વને પડકાર, દુષ્કાળ-રાહત, મજૂર-સંગઠન, મહિલા-સંગઠન એમ વિવિધ બાબતો ને ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી બજાવી હતી. આ ઉપરાંત પંચમહાલમાં યુવક-પરિષદ, દાહોદમાં મધ્ય ભારત રાજસ્થાન પ્રજા-પરિષદનાં સંમેલનો યોજ્યાં હતાં. કૉંગ્રેસના ડેલિગેટ તરીકે તેમણે હરિપુરા કૉંગ્રેસ, લખનૌ કૉંગ્રેસ અને ત્રિપુરા કૉંગ્રેસમાં ભાગ લીધો હતો.

1934માં, કૉંગ્રેસ પક્ષમાં જ, કૉંગ્રેસ સમાજવાદીઓએ નવું જૂથ રચ્યું તેમાં કમળાશંકર પણ હતા અને 1938માં લાહોરમાં મળેલા અખિલ હિંદ સમાજવાદી અધિવેશનમાં રચાયેલી બાર માણસોની ટોચની સમિતિમાં જયપ્રકાશ, લોહિયા, મસાણી, નરેન્દ્ર દેવ, કમળાદેવી ચટ્ટોપાધ્યાય વગેરે સાથે કમળાશંકરનું સ્થાન હતું. એ જ રીતે ગુજરાતમાં સમાજવાદી સંગઠન તૈયાર કરવા માટે પહેલ કરનારાઓમાં રોહિત મહેતા, કકલભાઈ કોઠારી, રંગીલદાસ કાપડિયા, જીવણલાલ ચાંપાનેરિયા, ઠાકોરપ્રસાદ પંડ્યા અને ઈશ્વરલાલ દેસાઈ સાથે કમળાશંકર પંડ્યા પણ હતા. ઈશ્વરલાલ દેસાઈ અને કમળાશંકર આ સંગઠનના મંત્રીઓ હતા.

1939માં સુભાષચંદ્ર બોઝે  કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે પછી, એમની સામે લેવાયેલાં શિસ્તભંગનાં પગલાંના જવાબમાં કમળાશંકરે સુભાષ બોઝને નિમંત્રણ આપી કાલોલ, ગોધરા અને દાહોદમાં તેમનું ભવ્ય સ્વાગત યોજ્યું હતું.

1947માં સ્વરાજ મળ્યું તે પછી તેમણે મુખ્યત્વે કોમી એકતા અને શિક્ષણ ઉપર જ તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું.  કૉંગ્રેસ અને સમાજવાદી પક્ષ બંનેથી એમને સંતોષ ન હતો અને ચૂંટણીની પ્રક્રિયામાં પડવાની એમની ઇચ્છા ન હતી. દાહોદ અને ગોધરામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવામાં તેમણે ભારે જહેમત ઉઠાવી હતી.

આ બધી પ્રવૃત્તિઓને અંતે પણ ઇષ્ટ પરિણામો ન મળ્યાનો અસંતોષ એમને કોરી ખાતો હતો. મનના આ મિજાજને કારણે તેમણે પોતાની આત્મકથાનું નામ ‘વેરાન જીવન’ રાખ્યું હતું. એમાં તેમના જીવનના તડકાછાંયડા ઉપરાંત તત્કાલીન ગુજરાતના સાર્વજનિક જીવનનો આલેખ જોવા મળે છે. તેમની ઉપર્યુક્ત આત્મકથાને ‘નર્મદ ચંદ્રક’ મળ્યો હતો. તેમણે દાહોદથી મુંબઈ, મુંબઈથી ફરી પંચમહાલ અને છેવટે વડોદરાને તેમની પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવ્યું હતું. એમનાં પત્ની રસિકકાન્તાબહેને પણ શક્ય હોય ત્યાં એમની પ્રવૃત્તિઓમાં સાથ આપ્યો હતો.

જયન્ત પંડ્યા