પંચાયતન (1) : મંદિરોનો એક પ્રકાર. તેની રચનામાં મુખ્ય મંદિરના ચારેય ખૂણે એક એક નાના મંદિરની રચના કરાયેલ હોય છે. આ નાનાં મંદિરોમાં મુખ્ય મંદિરના આધારે દેવદેવીઓની પ્રતિમા સ્થપાયેલી હોય છે. ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ભારતીય સ્થાપત્યમાં આવા પ્રકારનાં મંદિરો જોવા મળે છે. પશ્ચિમ ભારતમાં ઓસિયાનાં પ્રતિહાર-શૈલીનાં મંદિરો, ખજુરાહોનાં તથા ઓરિસાનાં મંદિરોમાં આ પ્રકાર ઘણી જગ્યાએ જોવા મળે છે. મુખ્ય મંદિરની રચના વિશાળ ઓટલા પર થયેલ હોય ત્યારે તેને ચારે ખૂણે નાનાં મંદિરો કરાયેલાં હોય છે. આથી પંચાયતન શૈલીનાં મંદિરોમાં વિશાળ ઓટલાનું ઘણું મહત્વ હોય છે.

રવીન્દ્ર વસાવડા