પંચામૃતલૌહગૂગળ : માથા તેમજ મગજના રોગો પર વપરાતી આયુર્વેદિક ઔષધિ. તે ગોળીના સ્વરૂપમાં તૈયાર થાય છે.

શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, અભ્રકભસ્મ, સુવર્ણમાક્ષિકભસ્મ અને રૌપ્યભસ્મ  એ દરેક એક એક ભાગ, લૌહ ભસ્મ બે ભાગ તથા શુદ્ધ કરેલો ગૂગળ સાત ભાગ લઈ પ્રથમ પારદગંધકને લોખંડની ખરલમાં ઘૂંટી તેમાં બાકીની ભસ્મો મેળવીને ખૂબ લસોટી તેમાં થોડો થોડો ગૂગળ ઉમેરી સરસિયા તેલનાં થોડાં ટીપાં ઉમેરી છ કલાક સુધી ખૂબ કૂટી એકરસ કરી દેવામાં આવે છે. ત્યારપછી તેની એક એક ગ્રામ વજનની ગોળીઓ બનાવી સૂકવીને શીશીમાં ભરી લેવામાં આવે છે.

આ ગોળી 1થી 2 સવાર-સાંજ પાણી અથવા ગરમ દૂધના અનુપાન સાથે લેવાથી માથાના, મસ્તિષ્કના, સ્નાયુના તેમજ વાયુના રોગો-વિકારોમાં લાભ કરે છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા