પંચાયતન (2) : હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર પાંચ દેવોને ચોક્કસ સ્થાને મૂકીને કરાતી ધાર્મિક વિધિ. પંચાયતનમાં પંચ ઉપાસ્ય દેવોની ઉપાસના અને તે માટેની દીક્ષા અપેક્ષિત છે. ‘તંત્રસાર’ ગ્રંથ પ્રમાણે પંચાયતનમાં શક્તિ, વિષ્ણુ, શિવ, સૂર્ય અને ગણેશ – એ પાંચ દેવોનાં યંત્રો બનાવી તેમની પૂજા કરવાની હોય છે. આ યંત્રપૂજા માટેની દીક્ષાને ‘પંચાયતની દીક્ષા’ કહે છે. આ ઉપાસનામાં જે દેવને પ્રાધાન્ય અપાય તે દેવનું સ્થાન મધ્યમાં આવે છે. અને તે દેવના નામે એ પંચાયતન ઓળખાય છે.

દેવી-પંચાયતન : વચ્ચે શક્તિની સ્થાપના કરી ઈશાનમાં વિષ્ણુ, અગ્નિમાં શિવ, નૈર્ઋત્યમાં ગણેશ અને વાયવ્યમાં સૂર્યને પ્રસ્થાપિત કરવામાં આવે છે. આદ્યા શક્તિ, સતી-અંબા-કાત્યાયનીનું પ્રાધાન્ય હોય છે. દશ મહાવિદ્યાઓમાં કાલિકુલ અને શ્રીકુળને અનુસરી શક્તિને મધ્યમાં પૂજવામાં આવે છે. શાક્ત પરંપરાનુસાર શિવ શક્તિ વગર સ્પંદન કરી શકતા નથી. તંત્રો અને આગમોમાં શાક્ત તંત્રાગમોનું વિશેષ પ્રાધાન્ય છે. ત્રિદેવ સિદ્ધાંતમાં શક્તિની અગત્ય ન હતી; પણ મૂળ તત્વ તરીકે શક્તિ-સિદ્ધાંતનાં પ્રવર્તક પુરાણો દેવીભાગવત, દેવીપુરાણ, કાલિકાપુરાણ, માર્કંડેયપુરાણ વગેરેમાં શાક્ત પરંપરાને અનુસરીને દેવીને સ્થાન અપાયું છે. શિવ-પરિવારમાં દેવીનું અગત્યનું સ્થાન છે. ચિતિશક્તિનાં સ્વરૂપો, નવદુર્ગા તેમજ રૌદ્રી-વૈષ્ણવી માતૃકાઓ દેવી-તત્વ સાથે સંકળાયેલ છે.

વિષ્ણુ-પંચાયતન : મધ્યમાં વિષ્ણુ, ઈશાનમાં શિવ, અગ્નિમાં ગણેશ, નૈર્ઋત્યમાં સૂર્ય અને વાયવ્યમાં અંબિકાનાં યંત્રો પ્રસ્થાપિત કરી તેમની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. વેદમાં ગૌણ સ્થાન ધરાવતા વિષ્ણુ, પુરાણકાલીન ત્રિદેવ-સિદ્ધાંતમાં સૃષ્ટિના પાલન સાથે સંકળાતાં અવતારલીલા માટે પ્રસિદ્ધ થયા. 22 કે 24 અવતારોમાંના દશ મુખ્ય અવતારોમાં મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન અને કલ્કિ – એ નામો પુરાણ-નામ સાથે જોડાયાં છે. વૈષ્ણવ પુરાણોમાં વિષ્ણુ અને ભાગવત-પુરાણોની શ્રીકૃષ્ણ-લીલા પૂર્ણાવતારી ગણાય છે. ભક્તિ અને જ્ઞાનના સમન્વયે વૈષ્ણવ ધર્મને વિશેષ વેગ આપ્યો. ચૈતન્ય વગેરે ભક્તોએ તેનો વ્યાપ વધાર્યો. પુરાણોએ સાંપ્રદાયિક કટ્ટરતા નિવારવા ઘણો પ્રયાસ કર્યો છે.

શિવ-પંચાયતન : મધ્ય ભાગે શિવ, ઈશાનમાં વિષ્ણુ, અગ્નિમાં સૂર્ય, નૈર્ઋત્યમાં ગણેશ અને વાયવ્યમાં દેવી પાર્વતી પ્રસ્થાપિત કરી તેમને પૂજવામાં આવે છે. શિવનાં સૌમ્ય-શિવ અને રૌદ્ર-રુદ્ર સ્વરૂપો વેદકાળથી પરિચિત છે. શિવ-શિવા અને શિવ-વિષ્ણુના અભેદ સાંપ્રદાયિક સંવાદિતાની પ્રસ્થાપનાનાં સૂચક છે. અષ્ટાધ્યાયી રુદ્રી રુદ્ર-શિવનાં અસંખ્ય સ્વરૂપો અને સર્વવ્યાપિત્વની દ્યોતક છે. સદ્યોજાત, વામદેવ, અઘોર, તત્પુરુષ અને ઈશાન મુખ્ય સ્વરૂપો છે. શિવમહિમ્ન : અનુસાર ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, સહ, મહાન અને ભીમેશાન શ્રુત્યનુસારી મુખ્ય અભિધાનો છે. વેદના શિવ રુદ્રપુરાણના ત્રિદેવમાં સંહારના દેવ બની મહત્વનું સ્થાન પામે છે. શિવનાં ઔદાર્ય, તપ આદિવિષયક કથાનકો પુરાણપ્રસિદ્ધ છે. શિવમહાપુરાણ શિવમાહાત્મ્યવિષયક સંહિતાઓનું સંકલન છે. વીર શૈવ, કાશ્મીરી શૈવ, કાપાલિક, લકુલીશ, પાશુપત વગેરે શૈવ સંપ્રદાયની શાખાઓ છે. કેવડાત્રીજનો વૃત્તાંત શિવ-વિષ્ણુની સાંપ્રદાયિક સ્પર્ધાનો સૂચક છે, તો બંનેનું ઐક્ય પ્રસ્થાપિત કરતા વૃત્તાંતો સાંપ્રદાયિક સહિષ્ણુતા પ્રવર્તાવે છે.

સૂર્ય-પંચાયતન : મધ્યમાં સૂર્ય, ઈશાનમાં શિવ, અગ્નિમાં ગણેશ, નૈર્ઋત્યમાં વિષ્ણુ અને વાયવ્યમાં ભવાની-દેવી જેમાં પ્રસ્થાપિત થયાં હોય તેને સૂર્ય-પંચાયતન કહેવાય છે. સૂર્યમંડળનો મહિમા વેદકાળથી શતપથ બ્રાહ્મણાદિમાં પ્રસિદ્ધ છે. સૂર્ય સ્થાવર-જંગમનો આત્મા છે. સૂર્યમંડળ ભેદીને બ્રહ્મ-માર્ગે આગળ વધાય છે. સૂર્ય સૌર શક્તિનો પ્રબળ સ્રોત છે. ‘આદિત્યહૃદય’ આદિ સૂર્યનાં સ્તોત્રો સૂર્યોપાસનાની પ્રાચીન પરંપરા સૂચવે છે. ઋગ્વેદ-અથર્વવેદનું ‘રોગઘ્ની ઉપનિષદ’, મયૂરનું ‘સૂર્યશતક’ અને ભાસ્કરાચાર્યનો ‘તૃચ ભાસ્કર’ સૂર્યની રોગઘ્ન શક્તિનાં પરિચાયક છે. સૂર્યવંશી રાજવી પરંપરાનો મહિમા કાલિદાસે ગાયો છે. વેદપુરાણમાં સૂર્યોપાસના પ્રસિદ્ધ છે.

ગણેશ-પંચાયતન : મધ્યમાં ગણેશ, ઈશાનમાં વિષ્ણુ, અગ્નિમાં શિવ, નૈર્ઋત્યમાં સૂર્ય અને વાયવ્યમાં પાર્વતી-દેવીનું યંત્ર પ્રસ્થાપિત કરી આ પંચાયતન-પૂજા થાય છે. ‘ગણેશ-વિમર્ષિણીતંત્રમાં સ્થાનભેદ ન કરવા સ્પષ્ટ આદેશ અપાયો છે. વેદના બ્રહ્મણસ્પતિના નામે આરંભાયેલા ગાણપત્ય સંપ્રદાયાનુસાર ગણેશ બ્રહ્મનું સ્વરૂપ છે. ‘બ્રહ્મવૈવર્ત’, ‘ગણેશ-પુરાણ’, ‘મુદ્ગલપુરાણ’ આદિમાં ગણેશનું સ્વરૂપ, લીલા, વ્રત, દાન, તીર્થયાત્રા, અવતારલીલા, સ્તોત્રાદિ નિરૂપાયાં છે. વનવાસી નાગરિક દેવ તરીકે પૂજાયેલા ગણેશને ગણેશોત્સવ દ્વારા લોકમાન્ય ટિળકે રાષ્ટ્રીય દેવતા અને લોકતંત્રના અધિદેવ બનાવ્યા છે. ઈ. સ.ના પાંચમા સૈકાથી ગણેશોપાસનાનો મહિમા વ્યાપક બન્યો છે. ‘ગણેશ-પુરાણ’ની ‘ગણેશગીતા’માં શ્રીમદભગવદ્ગીતાના સિદ્ધાંતો અપાયા છે. ‘મુદ્ગલપુરાણ’ની ‘ગણેશગીતા’ આગવું વૈશિષ્ટ્ય ધરાવે છે.

ગંધાદ્યુપચારથી પૂજા, શંખ દ્વારા પૂજન, મંત્રજપ, નમસ્કાર, પીઠદેવતાપૂજન, અંગદેવપૂજન, પીઠાભ્યાસ, પ્રાણપ્રતિષ્ઠા, આવાહનાદિ, યંત્રપૂજા, પુષ્પાંજલિ જેવા ક્રમે પૂજન થાય છે. શ્યામા, ભૈરવી, તારા, છિન્નમસ્તા, મંજુઘોષા અને રુદ્રમંત્રની પંચાયતનની સ્થાપવાની પરંપરા સાથે વિદ્વદવર્ગ સંમત નથી.

દશરથલાલ ગૌરીશંકર વેદિયા