પંચસિદ્ધાંતિકા (ઈ. સ. 508થી 548)

January, 1999

પંચસિદ્ધાંતિકા (. . 508થી 548) : વરાહમિહિરરચિત જ્યોતિષશાસ્ત્રનો ‘કરણ’ ગ્રંથ. તેમણે આ ગ્રંથનો ઉલ્લેખ ક્યાંય ‘પંચસિદ્ધાંતિકા’ના નામથી કર્યો નથી. જોકે એમાં ‘પ્રાચીનસિદ્ધાંત – પંચક’ના નિયમો તેમજ સૌરાદિ પાંચ સિદ્ધાંતોની ચર્ચા કરી છે. પૂર્વાચાર્યોએ જે જે બાબતો કહી નથી, તે તે બાબતો તેમણે ઉમેરી છે. ગણિતસ્કંધ એવા નામે પણ ઓળખવામાં આવતો ‘પંચસિદ્ધાંતિકા’ ગ્રંથ ગ્રહગતિ-દિનમાનના પ્રાચીન સિદ્ધાંતોનું નિરૂપણ કરે છે. પિતામહ, વસિષ્ઠ વગેરેએ આપેલ સિદ્ધાંતોમાં તેમણે દેશાંતર, છાયાસાધન, ગ્રહણછેદ્યક જેવા વિષયો ઉમેર્યા છે.

તેમણે નિરૂપેલા આ ગ્રંથમાં પિતામહ, વસિષ્ઠ, પુલિશ, રોમક અને સૂર્યસિદ્ધાંત – એમ પાંચ પ્રાચીન સિદ્ધાંતો કાલાનુક્રમ પ્રમાણે તેમાં રજૂ થયા છે.

શંકર બાલકૃષ્ણ દીક્ષિતના મત પ્રમાણે તે (1) પિતામહ-સિદ્ધાંત ઈ. પૂ. 410માં (2) વસિષ્ઠ-સિદ્ધાંત ઈ. પૂ. 100માં (3) પુલિશ-સિદ્ધાંત ઈ. સ. શરૂ થવાના તબક્કે (4) રોમક-સિદ્ધાંત ઈ. સ. 100માં તથા (5) સૂર્ય-સિદ્ધાંત ઈ. સ. 499માં રજૂ થયેલા છે.

(1) પંચસિદ્ધાંતિકાના 12મા અધ્યાયમાં ‘પિતામહ’-સિદ્ધાંતનાં મૂળ તત્વોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ સિદ્ધાંત સૌથી પ્રાચીન છે. તેમાં સૂર્યનાં પાંચ વર્ષો બરાબર 1 યુગ. 30 માસે અધિક માસ. 63મા દિવસે ક્ષયતિથિ. દિનમાન – ઉત્તરાયણ પછી જે દિવસો પસાર થયા હોય તેમજ દક્ષિણાયનના જે બાકી હોય, તેને બે વડે ગુણીને 61થી ભાગી, 12 મુહૂર્ત ઉમેરવાથી દિનમાન થાય. આ ઉપરથી નક્ષત્ર કાઢવાની રીત પણ આપી છે. વેદાંગ – જ્યોતિષમાં માત્ર સૂર્યચંદ્રનું ગણિત જ આપવામાં આવ્યું છે. ‘પંચસિદ્ધાંતિકા’માં તેમણે પિતામહસિદ્ધાંતના ગણિતનો આધાર લીધો નથી.

(2) વસિષ્ઠસિદ્ધાંત : આ સિદ્ધાંતનિરૂપણ માટે તેમણે 13 આર્યાઓ આપી છે. તેનું ગણિત વર્તમાન પદ્ધતિ કરતાં ભિન્ન છે. અહીં માત્ર સૂર્ય-ચંદ્રનું જ ગણિત આપવામાં આવ્યું છે. જોકે રાશિ, અંશ, કળા વિશે ચર્ચા કરી છે. છાયા, દિનમાન તેમજ લગ્ન વિશે પણ નિયમો તારવીને ચર્ચા કરી છે.

(3) રોમક-સિદ્ધાંત : આ ગ્રંથમાં રોમક-સિદ્ધાંત વિશે પ્રમાણમાં વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. અહર્ગણસાધન, અધિકમાસ, ક્ષયતિથિ, સૂર્યચંદ્રસાધન અને ગ્રહણસાધનનું સ્પષ્ટીકરણ તેમજ ચર્ચા કરી છે, રોમક અને પુલિશ સિદ્ધાંતો ઈ. સ. 400 કરતાં અર્વાચીન નથી. પ્રાચીન અને હાલમાં પ્રવર્તમાન ભગણાદિમાન વગેરે જોતાં બંનેમાં સામ્ય નથી. અત્યારે પ્રચલિત રોમક-સિદ્ધાંત ઈ. સ. 505 પહેલાં નહોતો.

(4) પુલિશ-સિદ્ધાંત : આ ગ્રંથમાં વક્રમાર્ગ, ઉદય, અસ્ત વિશે પુલિશ-સિદ્ધાંતનો ઉપયોગ તેમણે કર્યો છે; પરંતુ ભૌમાદિ ગ્રહોની ગતિ -સ્થિતિમાં પુલિશ-સિદ્ધાંતનું અનુસરણ કર્યું નથી. આ સિદ્ધાંત પ્રમાણે વર્ષમાન 365 દિવસ, 15 ઘડી, 30 પળ થાય છે. આ ઉપરાંત સ્પષ્ટ સૂર્ય-ચંદ્ર, પલભા, દિનમાન, દેશાન્તર, તિથિ-નક્ષત્ર, ક્રાંતિ-સામ્ય, ગ્રહણો, વક્રી-માર્ગી ગ્રહોનું ગણિત આપવામાં આવ્યું છે. આ સિદ્ધાંત પૌલસ નામના ગ્રીકે કર્યો છે. હાલમાં ગ્રંથ ઉપલબ્ધ નથી. બીજો આ નામનો ગ્રંથ પૌલસ ઍલેક્ઝાંડ્રિક્સનો ઉપલબ્ધ છે; પણ તે આ સિદ્ધાંતને નિરૂપતો નથી; તેનો વિષય ફલ-જ્યોતિષ છે.

(5) સૂર્યસિદ્ધાંત : ઉપર જણાવેલ ચારેય સિદ્ધાંતોમાં સૂર્ય-ચંદ્રના અયનસિદ્ધાંતો અલગ અલગ છે. જ્યારે અન્ય ગ્રહોનું ગણિત સૂર્ય-સિદ્ધાંતો પ્રમાણે આપેલ છે. આ રીતે ‘પંચસિદ્ધાંતિકા’ ગ્રંથનો સૂર્ય-સિદ્ધાંત તેમજ વર્તમાનમાં પ્રવર્તમાન સૂર્ય-સિદ્ધાંત પણ અલગ અલગ છે. પ્રાચીન વરાહમિહિરીય સૂર્યસિદ્ધાંત ભગણાદિ મૂળ તત્વોની દૃષ્ટિએ વર્તમાનથી ભિન્નતા ધરાવે છે. વર્તમાન સૂર્ય-સિદ્ધાંત 14 પ્રકરણ તેમજ અનુષ્ટુપ છંદમાં લખાયેલ 500 શ્લોકોમાં રચાયેલો મળે છે. ‘પંચસિદ્ધાંતિકા’ – વરાહમિહિરનો સૂર્યસિદ્ધાંત અને વર્તમાન સૂર્ય-સિદ્ધાંત જુદા છે. વર્તમાન સૂર્યસિદ્ધાંતનો કર્તા લાટ છે. તફાવત માત્ર એટલો જ છે કે ભગણાદિ માન માત્ર જુદાં લઈને બાકીની બાબતો આદ્ય સૂર્યસિદ્ધાંતની યથાવત્ જાળવી રાખી છે.

બટુક દલીચા