પંચસંગહ (પંચસંગ્રહ) (ઈ. સ. નવમી સદી)

January, 1999

પંચસંગહ (પંચસંગ્રહ) (. . નવમી સદી) : જૈન ધર્મનો જાણીતો કર્મગ્રંથ. પાર્શ્વર્ષિના શિષ્ય ચંદ્રર્ષિ મહત્તર તેના લેખક છે. આ ગ્રંથનો રચનાકાળ નવમી સદીની આસપાસ માનવામાં આવે છે. આ ગ્રંથ એક હજાર અને પાંચ ગાથાઓનો બનેલો છે. કેટલાક વિદ્વાનો તેને 963 ગાથાઓનો બનેલો માને છે. આ ગ્રંથ પાંચ વિભાગોમાં વહેંચાયેલો છે. પ્રત્યેક વિભાગને ‘દ્વાર’ એવા નામથી ઓળખવામાં આવે છે. આ પાંચ વિભાગો કે દ્વારોમાં (1) સયગ (2) સત્તરિ (3) કસાયપાહુડ (4) છકમ્મ અને (5) કમ્મપયડિનો સમાવેશ થાય છે. આ પાંચ વિભાગો તેમાં હોવાથી તેનું શીર્ષક ‘પંચસંગહ’ (પંચસંગ્રહ) લેખકે આપ્યું છે. આ ગ્રંથમાં યોગ, ઉપયોગ, ગુણસ્થાન, સમુદ્ધાત, કર્મપ્રકૃતિ, કર્મબંધ, બંધહેતુ, ઉદય, સત્તા, સંક્રમણ વગેરેનું વિસ્તૃત વર્ણન છે. ગ્રંથને અંતે પુષ્પિકામાં લેખકે પોતાનું નામ પણ નોંધ્યું છે.

લેખકે પોતે જ આ ગ્રંથ પર ટીકા લખી છે એટલે તે સ્વોપજ્ઞ ટીકા છે. બીજી ટીકા મલયગિરિએ લખેલી છે. આ બંને ટીકાઓ અનુક્રમે નવ હજાર અને અઢાર હજાર શ્લોકોની સંખ્યા ધરાવતી મહત્વપૂર્ણ ટીકાઓ છે. સ્વોપજ્ઞ ટીકાને અંતે પોતાના ગુરુ પાર્શ્વર્ષિનો ઉલ્લેખ લેખકે કર્યો છે. ‘પંચસંગ્રહ’નું પ્રકાશન 1910માં હીરાલાલ હંસરાજ દ્વારા, 1927માં મલયગિરિની ટીકા સાથે તથા 1935 અને 1941માં સંસ્કૃત છાયા, મલયગિરિની ટીકાના અનુવાદ સાથે જુદે જુદે સ્થળેથી થયું છે. ગુજરાતમાં 1927માં તેનું પ્રકાશન ભાવનગરની જૈન આત્માનંદ સભા દ્વારા થયું છે એ નોંધવું ઘટે. આ ગ્રંથ શ્વેતાંબર સંપ્રદાયનો છે.

અજ્ઞાતકર્તૃક ‘પંચસંગહ’ : શ્વેતાંબરની જેમ દિગંબર સંપ્રદાયના કોઈક લેખકે ‘પંચસંગહ’ નામનો ગ્રંથ લખ્યો છે. તે પણ કર્મગ્રંથ જ છે. લેખક અને તેના ભાષ્યકાર-બંનેનાં નામની કોઈ જાણકારી નથી. તેનો નિશ્ચિત રચનાકાળ પણ નક્કી થઈ શકતો નથી. આમ છતાં આ ગ્રંથ ઘણો પ્રાચીન હોવાનું તેની રચના પરથી જણાય છે. આ ગ્રંથ 1324 ગાથાઓનો અને 500 શ્લોકના કદ જેટલા ગદ્યભાગનો બનેલો છે. તેમાં જીવસમાસ, પ્રકૃતિસમુત્કીર્તન, બંધસ્તવ, શતક અને સપ્તતિકા-એ પાંચ પ્રકરણો રહેલાં છે. તેમાં જીવ અને કર્મની વિવિધ દશાઓનું તલસ્પર્શી વિવેચન છે. આ ગ્રંથ 1938માં મુક્તાબાઈ જ્ઞાનમંદિર, ડભોઈથી અને 1960માં હીરાલાલ જૈન દ્વારા સંપાદિત થઈ ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી પ્રકાશિત થયો છે.

રૂપેન્દ્રકુમાર પગારિયા