પંચામૃતપર્પટી : આયુર્વેદિક રસ-ઔષધિ. તેમાં શુદ્ધ કરેલો પારો 4 ભાગ, શુદ્ધ કરેલો ગંધક 8 ભાગ, લોહભસ્મ 2 ભાગ, અભ્રકભસ્મ 1 ભાગ તથા તામ્રભસ્મ 1 ભાગ લઈ પ્રથમ લોખંડના ખરલમાં પારો અને ગંધકનો ખૂબ લસોટી કાજળ જેવું બનાવી તેમાં બાકીની ત્રણેય ભસ્મો થોડા થોડા પ્રમાણમાં નાખતા જઈ લોખંડના બત્તા વડે ખૂબ ઘૂંટવામાં આવે છે. ત્યારપછી લોખંડની કઢાઈમાં થોડું ઘી નાખી તેમાં તે મિશ્રણ નાખી ખૂબ ગરમ કરાય છે. જ્યારે બધુંય મિશ્રણ ઘીમાં પીગળી  રસ જેવું થાય ત્યારે જમીન પર થોડું ગાયનું છાણ પાથરી તેના ઉપર કેળનું મોટું પાન મૂકી તેના ઉપર પીગળેલો રસ રેડવામાં આવે છે અને તુરત તેના પર બીજું કેળનું પાન ઢાંકી તેના ઉપર છાણ પાથરી દબાવી દેવાય છે. જ્યારે બધું ઠંડું થઈ જાય પછી છાણ દૂર કરીને બંને પાંદડાં વચ્ચે રહેલી પાપડી જેવી પર્પટી કાઢી લઈ ખરલમાં ઘૂંટી સૂક્ષ્મ ચૂર્ણ બનાવી બાટલીમાં ભરી લેવામાં આવે છે. આ પંચામૃત-પર્પટી આશરે 200થી 500 મિગ્રા. માત્રામાં મધ તથા ઘીમાં મેળવીને ચાટવાથી સંગ્રહણી, અરુચિ, અર્શ, ઊલટી, અતિસાર, રક્તપિત્ત, ક્ષય, તાવ વગેરેમાં ફાયદો થાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા