પંચસખા–સંપ્રદાય : ઓરિસામાં સ્થપાયેલો ભક્તિમાર્ગી પંથ. સોળમી સદીની શરૂઆતમાં ચૈતન્ય મહાપ્રભુએ જગન્નાથપુરીમાં થોડાં વર્ષો નિવાસ કર્યો હોવાથી ત્યાં ચૈતન્ય મત ફેલાવા લાગ્યો. ચૈતન્યના પ્રભાવથી ત્યાંના રાજા રુદ્રપ્રતાપદેવે વૈષ્ણવ ધર્મનો અંગીકાર કર્યો. એના દરબારના પાંચ કવિઓ બલરામ, અનંત, યશોવંત, જગન્નાથ અને અચ્યુતાનંદ ચૈતન્યના પ્રભાવથી વૈષ્ણવ થયા હતા. તેઓ પંચસખાને નામે પ્રસિદ્ધ છે. ભાવના, ચિંતન, યોગાભ્યાસ અને ભક્તિની વિભાવના પરત્વે એ પાંચેય કવિઓમાં સામ્ય જોવા મળે છે. તેમણે પોતાની વાણી દ્વારા લોકોને ભક્તિમાર્ગનો ઉપદેશ આપ્યો. એમનો ઉપદેશ ‘પંચસખાધર્મ’ તરીકે પ્રસિદ્ધ છે. સમકાલીન સંતોની જેમ પંચસખાએ લોકભાષા ઊડિયા દ્વારા પોતાનાં ધર્મ અને દર્શનને જનતાના હૃદયમાં ઉતાર્યાં. તે કબીરની જેમ નાતજાતના ભેદભાવ, બાહ્યાડંબરો, મૂર્તિપૂજા, તીર્થાટન વગેરેના વિરોધી હતા. કબીરની જેમ તેઓ પણ માનસિક શુદ્ધિ પર ભાર મૂકતા હતા. તેઓ યોગ અને ભક્તિબંનેને આત્મદર્શનના સાચા ઉપાય ગણાવી એ માટે ગુરુના માર્ગદર્શનની આવશ્યકતા બતાવતા હતા. આ ભક્તોને મતે પરમતત્વ અનાકાર ‘શૂન્ય પુરુષ’ છે. તે નિરાકાર ‘મહાવિષ્ણુ’એ જ સમસ્ત જગતની રચના કરી છે. તે આદિ બ્રહ્મ છે. તે બિંદુબ્રહ્મ રૂપે ભૌતિક સ્વરૂપ ગ્રહણ કરે છે અને આદિ શક્તિ દ્વારા જગતનું સર્જન કરે છે. બિંદુબ્રહ્મમાંથી નીકળતું બિંદુ બે સ્વરૂપે જોવા મળે છે : રા અને મ. અને એ લીલા-નિમિત્તે રાધા તથા કૃષ્ણનું રૂપ ધારણ કરે છે. આમ નિરાકાર શૂન્ય પુરુષ સાકાર બનતાં રાધા અને કૃષ્ણનું રૂપ ધારણ કરે છે. પંચસખાની દૃષ્ટિએ જીવ તે રાધા અને પરમાત્મા તે શ્રીકૃષ્ણ. પરમાત્માને પામવા માટે જીવે શ્રીકૃષ્ણનું શરણ સ્વીકારવાનું છે. આમ પંચસખા સંપ્રદાયમાં વૈષ્ણવ, તાંત્રિક અને બૌદ્ધ સિદ્ધાંતોનો સરસ સમન્વય થયેલો જોવા મળે છે. ઓરિસાના ધાર્મિક જીવન પર આ પંચસખા સંપ્રદાયની વ્યાપક અસર પડી છે.
પંચસખાઓમાં બલરામદાસ અગ્રણી છે. તેમણે લખેલું રામાયણ લોકપ્રિય અને પ્રસિદ્ધ છે. તે ચૌદ અક્ષરના દંડી-છંદમાં લખેલું હોવાથી તે ‘દંડી-રામાયણ’ તરીકે જાણીતું થયું છે. બીજા સખા જગન્નાથદાસે રચેલું ‘કોમલ કાન્ત ભાગવત’ ઊડિયા ભાષાનો સૌથી પ્રસિદ્ધ ગ્રંથ છે. આ ગ્રંથની ઓરિસ્સાના દરેક ઘરમાં પ્રતિષ્ઠા છે. અચ્યુતાનંદનો ‘હરિવંશ’ અને ‘શૂન્ય સંહિતા’ પણ આ સંપ્રદાયના આધારભૂત ગ્રંથો છે.
પ્રવીણચંદ્ર પરીખ
ચન્દ્રકાન્ત મહેતા