પંચન લામા : તિબેટમાં આવેલા તાશિલહન્પો બૌદ્ધ મઠના આધ્યાત્મિક વડા. આધ્યાત્મિક વડા તરીકે તેમનું સ્થાન દલાઈ લામા પછીનું ગણાય છે. વિદ્વાન અને ધર્મનું વિશેષ જ્ઞાન ધરાવનારને તાશિલહન્પો મઠના વડા તરીકે પસંદ કરવામાં આવતા હતા. તેથી તેઓ `પંચન’ અર્થાત્ પંડિત કે વિદ્વાન લામા કહેવાતા હતા. સત્તરમી સદીમાં પાંચમા દલાઈ લામાએ જાહેર કર્યું કે તત્કાલીન પંચન લામા બ્લો-ઝાંગ-ચોસ-કિગ્યાલ મત્શાન (1570-1662) બાળક તરીકે નવો અવતાર લેશે. આમ નવો અવતાર ધારણ કરેલા લામાઓની પંક્તિમાં તેઓ પ્રથમ હતા. તેઓમાં બ્લો-ઝાંગ યે-શે (1663-1737), બ્લો-ઝાંગ પાલ ઇડાન યે-શે (1737-1780) વગેરે પંચન લામાઓનો સમાવેશ થાય છે. તે દરેકને સ્વયં જન્મેલા બુદ્ધ અમિતાભના ભૌતિક પ્રગટીકરણ તરીકે માનવામાં આવતા હતા.
દલાઈ લામાની સરકાર અને તાશિલહન્પો વહીવટી તંત્ર વચ્ચે કરવેરાના બાકી લેણાની બાબતમાં મતભેદો થવાથી પંચન લામાએ 1923માં ચીન નાસી જવું પડ્યું હતું. આશરે 1938માં ચીનના સિંઘાઈ પ્રાંતમાં તિબેટી કુટુંબમાં જન્મેલ બસકલ-ઝાંગ-શે-બ્રતન નામના બાળકને ચીનની સરકારે પંચન લામાના વારસદાર તરીકે માન્ય રાખ્યા હતા; પરંતુ પુનર્જન્મ નક્કી કરવા માટેની ખાતરી કરવા માટે પ્રચલિત કસોટી કરવામાં આવી નહોતી. દસમા પંચન લામા તેમના બાળપણથી ચીનના સામ્યવાદી શાસકોના આશ્રિત હોવાથી, તેમને પંચન લામા તરીકે સાર્વત્રિક માન્યતા મળી નહોતી. સામ્યવાદી લશ્કરી બંદોબસ્ત હેઠળ 1952માં તેમને તિબેટ લઈ જવામાં આવ્યા અને તાશિલહન્પો મઠના ધર્માચાર્ય તરીકે તેમનો અભિષેક કરવામાં આવ્યો. 1959ની લોકક્રાંતિ અને તિબેટથી દલાઈ લામા નાસી ગયા બાદ, પંચન લામા ત્યાં રહ્યા હતા; પરન્તુ દલાઈ લામાને રાજદ્રોહી તરીકે વખોડી કાઢવાનો ઇનકાર કરવાથી ચીનની સરકાર તેમની વિરોધી બની. 1964માં તેમની ધાર્મિક સત્તાઓ છીનવી લેવામાં આવી. ત્યારબાદ 1978 સુધી તેઓ જાહેરમાં દેખાયા નહોતા.
દસમા પંચન લામાના અવસાન બાદ, દલાઈ લામાએ જેની પસંદગી કરી હતી, તેમને ચીનના શાસકોએ અમાન્ય રાખ્યા અને તેમની અવેજીમાં તેમણે ડિસેમ્બર, 1995માં હાલના 11મા પંચન લામાને આચાર્યપદે સ્થાપ્યા. 11મા પંચન લામાને આચાર્યપદે સ્થાપવા માટે ચીની શાસકોએ 200 વર્ષથી ચાલતી આવેલી પરંપરાગત વિધિનું સંપૂર્ણ પાલન કર્યું હતું; એવો તેઓ દાવો કરે છે કે તે માટે તિબેટના બૌદ્ધ ધર્મના મુખ્ય મઠના અગ્રણી ધર્મગુરુઓની એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિના સભ્યોએ 11મા પંચન લામાના પદ માટે ઉમેદવારી કરનારમાંથી યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા માટે તિબેટના એક પવિત્ર જળાશયના કિનારે ચિંતન કર્યું હતું. ત્યારબાદ તેમણે ત્યાં બૌદ્ધ ધર્મના ગ્રંથોના પાઠ પણ કર્યા હતા. તે પછી નિર્ધારિત કસોટીઓમાં સફળ થયેલા ઉમેદવારોમાંથી ચીનની સરકારના પ્રતિનિધિઓએ ચિઠ્ઠી ઉપાડવાની પદ્ધતિ દ્વારા છેલ્લી પસંદગી કરી હતી. તેઓ હાલમાં 11મા પંચન લામાનું પદ ધરાવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
જયકુમાર ર. શુક્લ