ન્યૂ બ્રુન્સવિક : ઉત્તર અમેરિકાના કૅનેડા રાજ્યનો આટલાન્ટિક મહાસાગરના પૂર્વ કિનારાના ચાર પ્રાંતો પૈકીનો એક પ્રાંત. ભૌગોલિક સ્થાન : 44° 35´ થી 48° 05´ ઉ. અ. અને 63° 45´થી 69° 05´ પ. રે. આ પ્રાંતનું નામ 1784માં બ્રુન્સવિકના નિવાસસ્થાન ઉપરથી પડ્યું છે. તેની પૂર્વ બાજુએ સેન્ટ લૉરેન્સનો અખાત અને નૉર્ધમ્બરલૅન્ડની સામુદ્રધુની, પશ્ચિમે યુ.એસ.નું મેઇન રાજ્ય, ઉત્તરે ક્વિબેક પ્રાંત અને દક્ષિણે ફુંડીનો ઉપસાગર આવેલાં છે. આ પ્રાંતનું ક્ષેત્રફળ 92,908 (જળવિસ્તાર સહિત) ચોકિમી. છે અને વસ્તી 2011 મુજબ આશરે 7,51,171 હતી.

ન્યૂ બ્રુન્સવિક

ભૂપૃષ્ઠ : ન્યૂ બ્રુન્સવિકના ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં આવેલો ઉચ્ચપ્રદેશ તેના કુલ વિસ્તારના બે-તૃતીયાંશ જેટલો હિસ્સો ધરાવે છે. ઉચ્ચપ્રદેશનો ઘણોખરો ભાગ 400 મી. ઊંચાઈવાળો છે. સૌથી ઊંચો ભાગ માઉન્ટ કાર્લેટન 820 મી. ઊંચો છે. ઉત્તર તરફની જમીન રેતાળ છે. ઉચ્ચપ્રદેશની ગોરાડુ જમીન ખડકોના ધોવાણથી બનેલી હોવાથી ઓછી ફળદ્રૂપ છે, માત્ર વાયવ્ય વિસ્તારની ગોરાડુ જમીન ફળદ્રૂપ છે.

સેન્ટ જૉન નદી અહીંની સૌથી લાંબી (673 કિમી.) નદી છે અને  જળવિદ્યુત માટે ઉપયોગી છે. અન્ય રેસ્ટીગૌચે, મીરામીચી, પેટીટકોડિયા વગેરે નદીઓ ઉચ્ચપ્રદેશમાંથી વહેતી હોવાથી જળધોધ અને પ્રપાતયુક્ત છે. પ્લાયસ્ટોસીન કાળમાં પ્રવર્તી ગયેલા હિમયુગની પશ્ચાદ્વર્તી અસરને કારણે અહીં ઘણાં સરોવરો અને કળણો જોવા મળે છે. ગ્રાન્ડ લેઇક સરોવર સેન્ટ જૉન નદીના નીચાણવાળા ભાગમાં આવેલું છે.

ન્યૂ બ્રુન્સવિક વિસ્તારમાં આવતી વિશ્વમાં સૌથી ઊંચી સમુદ્ર-ભરતી સામેના રક્ષણ માટે ઊંચા ટેકા પર બંધાયેલાં રહેઠાણો

આબોહવા : અહીં ઉનાળામાં જુલાઈનું સરાસરી તાપમાન 18° સે. અને શિયાળામાં જાન્યુઆરીનું સરાસરી તાપમાન -8° સે. હોય છે. દરિયાઈ અસરને કારણે ઉનાળા શીત, ખુશનુમા અને શિયાળા હૂંફવાળા રહે છે. વરસાદ 800થી 1,400 મિમી. પડે છે, જે પૈકી 15 %થી 30 % પ્રમાણ હિમવર્ષાનું રહે છે. ફુંડીના ઉપસાગર વિસ્તારમાં અન્ય ભાગ કરતાં વધુ વરસાદ પડે છે, પરંતુ ઉત્તરના ઉચ્ચપ્રદેશમાં ખીણવિભાગોમાં તથા પૂર્વકિનારે ઉનાળામાં ઓછો વરસાદ પડે છે. થોડો થોડો વરસાદ બારેમાસ પડે છે.

વનસ્પતિ : ન્યૂ બ્રુન્સવિકના આશરે 90 % ભાગમાં જંગલો છે. શંકુદ્રુમ જંગલોમાં બાલ્સમ, ફર, લાલ અને સફેદ પાઇન, જૅક પાઇન અને સ્પ્રૂસનાં વૃક્ષો છે; જ્યારે ખરાઉ જંગલોમાં પહોળા પાનવાળાં મેપલ, બર્ચ, ઍશ, પૉપલર, ઓક, એલ્મ, બાસવૂડ વગેરે વૃક્ષો આવેલાં છે. કુલ વૃક્ષો પૈકી ફર અને સ્પ્રૂસનું પ્રમાણ 3/5 જેટલું છે. સખત અને પોચું લાકડું આપતાં આ વૃક્ષો છે.

પ્રાણીઓ અને પક્ષીઓ : અહીંનાં જંગલોમાં રુવાંટીવાળાં પ્રાણીઓ, સફેદ પૂંછડીવાળાં હરણ, કાળાં હરણ, કાળાં રીંછ, બીવર, મસ્કરેટ, ઑટર અને ભુંડ જેવાં પ્રાણીઓ છે. પક્ષીઓમાં હંસ, કાળી બતક, રૉબિન, બ્લૅકગાર્ડન, જંગલી કૂકડા વગેરે છે. નદીઓ અને સમુદ્રમાં કાળી ટ્રાઉટ, કૉડ, હેરિંગ, સાલમન, શેલફિશ, ઑઇસ્ટર વગેરે માછલીઓ તેમજ લૉબસ્ટર પુષ્કળ પ્રમાણમાં છે. કાગળનો માવો બનાવતી મિલોમાંથી છોડાતો ઍસિડ નદીઓનાં જળને પ્રદૂષિત કરતો હોવાથી આ માછલીઓનું પ્રમાણ ઘટતું જાય છે.

ખનિજો : તાંબું, જસત, સીસું, ચાંદી, ખનિજતેલ, હલકા પ્રકારનો કોલસો અને ચૂનાખડકો અહીં મળી આવે છે. ખનિજતેલ દરિયાકિનારા નજીકના સમુદ્રતળમાંથી મળે છે.

ખેતી : જમીન હલકા પ્રકારની હોવાથી અહીં બટાકા, શાકભાજી, સફરજન અને નાનાં ફળો તથા ઘાસચારો ઉગાડાય છે. ખેતીની જમીન ઘટતી જાય છે.

ઉદ્યોગો : ઘાસચારાને લીધે ડેરી-ઉદ્યોગ વિકસ્યો છે. જંગલોમાંથી મળતું પોચું લાકડું કાગળ – કાગળનો માવો અને ન્યૂઝપ્રિન્ટ માટેનો કાગળ બનાવવામાં વપરાય છે. લાકડાં વહેરવાની અને કાગળની ઘણી મિલો છે. હળવાં પીણાં, પ્રક્રિયા કરેલ ખાદ્ય-પદાર્થો, રબર, પ્લાસ્ટિક, યંત્રો, વીજળીનાં તથા વાહનવ્યવહારનાં સાધનો અને ખાતરનાં કારખાનાં તથા પેટ્રોલિયમ રિફાઇનરી અહીં ચાલે છે. વળી રાચરચીલું બનાવવાનો તથા જહાજ બાંધવાનો ઉદ્યોગ પણ મહત્ત્વનો છે. દરિયાકાંઠે મત્સ્યઉદ્યોગ વિકસ્યો છે. ન્યૂઝપ્રિન્ટ, કાગળ, લૉબ્સ્ટર વગેરેની નિકાસ થાય છે જ્યારે અનાજ, દવાઓ, રસાયણો વગેરેની આયાત કરવામાં આવે છે.

આ પ્રાંતમાં 21,423 કિમી.ના ધોરીમાર્ગો તથા 964 કિમી. લાંબો ટ્રાન્સ કૅનેડા હાઈવે છે. 2,630 કિમી. લાંબી રેલવે-લાઇન છે. મોંકટન રેલ અને માર્ગોનું જંક્શન છે. સેંટ જૉન ડેલહાઉસી, ન્યૂ-કૅસલ, બાથર્સ્ટ અને કૅમ્પબેલટન બંદરો છે. અહીં ફ્રેડરિક્ટન માક્ટોન અને સેન્ટ જૉન મુખ્ય હવાઈ મથકો છે. સેન્ટ જૉન બરફમુક્ત બારમાસી બંદર છે.  વિમાની મથકો પણ છે. ફ્રેડરિક્ટન રાજધાની છે, જ્યારે સેન્ટ જૉન પ્રાંતનું સૌથી મોટું શહેર છે.  રાજધાનીની વસ્તી 81,346 હતી. કુલ છ શહેરો છે. સમગ્ર પ્રાંતની વસ્તી 7,49,200 (2006) હતી. વસ્તીનું કેન્દ્રીકરણ મુખ્યત્વે દરિયાકાંઠાના વિસ્તારમાં થયેલું છે. 48 % લોકો ગ્રામીણ વિસ્તારમાં અને 52 % લોકો શહેરોમાં વસે છે. કુલ વસ્તીના 56 % લોકો અંગ્રેજ, આયરિશ અને સ્કૉટિશ છે, 37 % ફ્રેન્ચ છે. શરૂઆતમાં આવેલા ફ્રેન્ચો એકેડિયન તરીકે ઓળખાતા હતા. તેમનું લોકસાહિત્ય સમૃદ્ધ છે. ઉત્તરમાં પૂર્વ કિનારે 5,000 મૂળ વતનીઓ રહે છે. બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની, નેધરલૅન્ડ્ઝ અને સ્કૅન્ડિનેવિયામાંથી થોડા લોકો આવેલા છે. 55 % રોમન કૅથલિક પંથના, 18 % યુનાઇટેડ ચર્ચ ઑવ્ કૅનેડાના અનુયાયીઓ, 13 % બૅપ્ટિસ્ટો અને 10 % ઍંગ્લિકનો છે.

અહીં અંગ્રેજી અને ફ્રેન્ચ બંને ભાષાઓ બોલાય છે; શાળાઓ દ્વિભાષી છે. બાર ધોરણ સુધીનું શિક્ષણ ફરજિયાત છે. ન્યૂ બ્રુન્સવિક, સેન્ટ ટૉમસ અને માઉન્ટ એલિસન યુનિવર્સિટીઓ અંગ્રેજીભાષીઓની છે, જ્યારે માકટન ખાતેની યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજો ફ્રેન્ચમાં શિક્ષણ આપે છે.

સેન્ટ જૉનમાં સંગ્રહસ્થાન અને પ્રાદેશિક લાઇબ્રેરી; ન્યૂ બ્રુન્સવિકમાં પ્લેહાઉસ થિયેટર, ફિડલહેડ પોએટ્રી સોસાયટી, બીવર બ્રૂક આર્ટ ગૅલરી, ફુંડી નૅશનલ પાર્ક તથા અન્ય બગીચાઓ, રૂઝવેલ્ટનું ગ્રીષ્મગૃહ તથા કેટલાંક ઐતિહાસિક મકાનો જોવાલાયક છે. સેકવીલે ચિત્રકલાનું કેન્દ્ર છે. સેન્ટ જૉનમાં ન્યૂ બ્રુન્સવિક હિસ્ટૉરિક્લ સોસાયટી છે, તે ફ્રેડરિક્ટન અને હૅમ્પટન ખાતેનાં સંગ્રહસ્થાનો નિભાવે છે. સેન્ટ જૉન ખાતેનું સંગ્રહસ્થાન કૅનેડાનાં ઇતિહાસ, કલા અને વિજ્ઞાનને લગતું છે. માકટન યુનિવર્સિટી ખાતે એકેડિયન અને ડેલહાઉસી ખાતે ઇતિહાસનું સંગ્રહસ્થાન છે, જ્યારે મીરામીચી ખાતે નૅચરલ હિસ્ટ્રીનું સંગ્રહસ્થાન છે. ન્યૂ બ્રુન્સવિકનાં જંગલો, ટેકરીઓ, ખીણો તથા દરિયાકાંઠો કુદરતી શ્યો માટે જાણીતાં છે. કૅમ્પબેલો ટાપુ ખાતેના કૅમ્પબેલો ઇન્ટરનેશનલ પાર્ક સાથે પ્રમુખ રૂઝવેલ્ટની સ્મૃતિ સચવાઈ છે. સેન્ટ જૉન અને માકટન વચ્ચે ફુંડી નૅશનલ પાર્ક છે. ફીડલહેડ મૅગેઝિન સમગ્ર દુનિયાના અંગ્રેજીભાષી કવિઓના કાવ્યગ્રંથો પ્રકાશિત કરે છે. આમ ન્યૂ બ્રુન્સવિક પ્રાંત મહત્ત્વનાં સાંસ્કૃતિક કેન્દ્રો ધરાવે છે.

શિવપ્રસાદ રાજગોર