ન્યૂફાઉન્ડલૅન્ડ : કૅનેડાના પૂર્વ કિનારે આવેલા દરિયાકાંઠાના ચાર પ્રાંતો પૈકીનો એક. ન્યૂફાઉન્ડલૅન્ડ નામ હેઠળ લૅબ્રાડોરનો પણ સમાવેશ થાય છે. લૅબ્રાડોર કૅનેડાની તળભૂમિના યુગાવા દ્વીપકલ્પના પૂર્વ છેડાનો ભાગ છે, જ્યારે ન્યૂફાઉન્ડલૅન્ડ તેનાથી દક્ષિણે જોડાજોડ આવેલો અલગ ટાપુ છે. બંને બેલી ટાપુની સામુદ્રધુનીથી અલગ પડે છે. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ ન્યૂફાઉન્ડલૅન્ડ આશરે 46° 36´ થી 51° 39´ ઉ. અ. અને 52° 36´થી 59° 24´ પ. રે. વચ્ચે તથા લૅબ્રાડોર 51° 22´ થી 60° 30´ ઉ. અ. અને 55° 30´થી 67° 25´ પ. રે. વચ્ચે આવેલા છે. તેમનું કુલ ક્ષેત્રફળ 4,05,212 ચોકિમી. છે; વિસ્તારના સંદર્ભમાં તે કૅનેડામાં સાતમા ક્રમે આવે છે. ન્યૂફાઉન્ડલૅન્ડ ટાપુની મહત્તમ લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 521 કિમી. અને 501 કિમી.; જ્યારે લૅબ્રાડોરની મહત્તમ લંબાઈ અને પહોળાઈ 901 કિમી. અને 724 કિમી. છે. સમગ્ર પ્રાંતનું કદ યુ.એસ.નાં ન્યૂયૉર્ક, પેન્સિલવેનિયા તથા ન્યૂ ઇંગ્લૅન્ડના સંયુક્ત કદ જેટલું છે; તેમજ કૅનેડાના બાકીના દરિયાકાંઠાના પ્રાંતો ત્રણ નોવાસ્કોશિયા, ન્યૂ બ્રુન્સવિક તથા પ્રિન્સ એડવર્ડના સંયુક્ત વિસ્તાર કરતાં ત્રણગણું વધારે છે. ન્યૂફાઉન્ડલૅન્ડની ઉત્તર, પૂર્વ અને દક્ષિણે આટલાન્ટિક મહાસાગર, નૈર્ઋત્યમાં કેબટની સામુદ્રધુની, પશ્ચિમે સેંટ લૉરેન્સનો અખાત, તથા નૈર્ઋત્યથી ઈશાન તરફ બેલી ટાપુની સામુદ્રધુની આવેલાં છે. લૅબ્રાડોરની ઉત્તરમાં હડસનની સામુદ્રધુનીનો ભાગ, પૂર્વમાં આટલાન્ટિક મહાસાગર, અગ્નિ તરફ બેલી ટાપુની સામુદ્રધુની તથા દક્ષિણ અને પશ્ચિમે ક્વિબેક પ્રાંત આવેલાં છે. સમગ્ર પ્રાંતની વસ્તી 2006 મુજબ 5,09,700 છે. ન્યૂ.ફા. ટાપુના અગ્નિકોણમાં બધી બાજુએ ભૂમિથી ઘેરાયેલા બારાની ઉત્તર કિનારી પર આવેલું સેંટ જૉન્સ તેનું પાટનગર અને સૌથી મોટું શહેર છે. જૂના દસ્તાવેજો અને નકશાઓમાં આ ભૂમિભાગ ‘નવા શોધાયેલા પ્રદેશ’ અથવા લૅટિન ભાષામાં ‘ટેરા નોવા’ તરીકે ઓળખાતો હતો.

ભૂપૃષ્ઠ : ન્યૂફાઉન્ડલૅન્ડ પ્રાંતનો ભાગ અલગ ટાપુ સ્વરૂપે છે. તે યુ.એસ.ની ઍપેલેશિયન પર્વતમાળાનું વિસ્તરણ છે અને સામાન્ય ઊંચાઈ ધરાવતો ઉચ્ચપ્રદેશ છે. તેનો ઢોળાવ પૂર્વ તેમજ ઈશાનતરફી છે. પશ્ચિમ કિનારા તરફ મુખ્ય પર્વતોથી બનેલી લાંબી હારમાળા (લૉન્ગ રેઇન્જ માઉન્ટન) વિસ્તરેલી છે, તે ઢળતા પર્વતોની પશ્ચિમ કિનારી રચે છે. ત્યાં આજુબાજુની ભૂમિથી થોડી ઊંચાઈવાળી છૂટીછવાઈ ટેકરીઓ આવેલી છે. અહીંનું ઊંચામાં ઊંચું સ્થળ કૉર્નર બ્રૂકથી નૈર્ઋત્યમાં આશરે 40 કિમી. અંતરે આવેલું ‘લેવિસ હિલ્સ’ 814 મી. ઊંચાઈ ધરાવે છે. અગાશી સ્વરૂપ રચતો પૂર્વતરફી ભૂમિઢોળાવ હમ્બર ખીણથી વ્હાઇટ બે સુધી વિશાળ ગર્ત બનાવે છે. અહીં આવાલોન દ્વીપકલ્પના તથા પૂર્વ કિનારાના ભાગમાં ઊંચાઈ 460 મીટર જેટલી બની રહી છે. કિનારાના કેટલાક ભાગો ડૂબી જવાને કારણે આ ટાપુને નૈર્ઋત્ય-ઈશાન રેખીય ઉપસ્થિતિ પ્રાપ્ત થયેલી છે, ઈશાન તરફ ખાંચાખૂંચી પણ ઉદ્ભવી છે. અહીંના મુખ્ય પર્વતો લેવિસ હિલ્સ (814 મી.), ગ્રૉસ મૉર્ન (806 મી.), હિન્ડ્ઝ હિલ (658 મી.), મેઇન ટૉપસેઇલ (555 મી.) અને માઉન્ટ સિલવેસ્ટર (376 મી.) છે.

ન્યૂફાઉન્ડલૅન્ડ

આ ટાપુની લાંબામાં લાંબી (241 કિમી.) એક્સ્પ્લૉઇટ નદી નૈર્ઋત્યથી ઈશાન તરફ વહે છે, તેના અર્ધા અંતરના પ્રવાહપથમાં હિમયુગની હિમનદીઓએ છોડેલો શિલાચૂર્ણનો જથ્થો બાધક બન્યો હોવાથી, સમુદ્રસપાટીથી 152 મી. ઊંચાઈ પર 48 કિમી. લાંબું રેડ ઇન્ડિયન સરોવર તૈયાર થયેલું છે. 160 કિમી. લાંબી, ઈશાન તરફ વહેતી ગાન્ડેર નદીએ તેના મુખથી 48 કિમી. ઉપરવાસમાં પૂર્વ-પશ્ચિમ 40 કિમી. લાંબું ગર્તરૂપી ગાન્ડેર સરોવર રચ્યું છે. માત્ર હમ્બર નદી જ પશ્ચિમ તરફ વહેતી મોટી નદી છે. હિમનદીજન્ય જથ્થાથી અવરોધાયેલું ડિયર સરોવર અને તેને સમાંતર ગ્રાન્ડ સરોવર 129 કિમી. લાંબું છે. તે કોતરમાં થઈને ક્ષારીય જળવાળા ફિયૉર્ડ હમ્બર ફાંટામાં ભળી જાય છે. આ ઉપરાંત સેન્ડી અને મીલપિએગ અન્ય સરોવરો તથા લૉઇડ્ઝ, ટેરા નોવા અને વિક્ટોરિયા અન્ય નદીઓ છે. ગ્રે નદીને બાદ કરતાં દક્ષિણ કિનારો ટૂંકી, વમળયુક્ત નદીઓવાળો છે. અગાઉ પ્રવર્તેલી હિમક્રિયાને કારણે અંતરિયાળ ભૂમિભાગ અવ્યવસ્થિત જળપરિવાહવાળો બનેલો છે. પરિણામે ત્યાં સેંકડો સરોવરો ઉદ્ભવેલાં છે. ખાડીઓને મળતાં નદીમુખ પર સારાં કુદરતી બંદરો બન્યાં છે. પ્લાસેંશિયા સૌથી મોટી ખાડી છે.

આબોહવા : ન્યૂફાઉન્ડલૅન્ડના કિનારા પાસે થઈને લૅબ્રાડોરનો ઠંડો પ્રવાહ પસાર થાય છે, તેથી આ ટાપુ વર્ષભર ઠંડા પવનોની અસર હેઠળ રહે છે. અહીં સ્થાનભેદે તાપમાનનો ગાળો મોટો રહે છે. અગ્નિભાગમાં આવેલા સેંટ જૉન્સનું જુલાઈનું સરેરાશ તાપમાન 16° સે. અને જાન્યુઆરીનું સરેરાશ તાપમાન -4° સે. રહે છે; નૈર્ઋત્યમાં આવેલા પૉર્ટ ઑક્સ બાસક્વીસનું જુલાઈનું સરેરાશ તાપમાન 14° સે. અને જાન્યુઆરીનું સરેરાશ તાપમાન -7° સે. રહે છે. ક્યારેક જાન્યુઆરીમાં આખાય ટાપુમાં શૂન્યથી ઘણું નીચે તાપમાન જતું રહે છે. ઉનાળામાં  પણ ઉચ્ચપ્રદેશમાં ઉચ્ચતર વિસ્તારોમાં હિમાચ્છાદન જોવા મળે છે. આ ઉપરાંત ટાપુના આટલાન્ટિક કિનારા પર ધુમ્મસ પ્રવર્તેલું રહે છે. ટાપુના દક્ષિણ ભાગમાં વનસ્પતિ ઊગવાની ઋતુ 160 દિવસની તો ઉત્તર ભાગમાં તે 85 દિવસની રહે છે.

થોડા થોડા દિવસના અંતરે સેન્ટ લૉરેન્સ તરફ વર્ષા સહિતના વંટોળ ઊપડે છે. વરસાદ પૂરતા પ્રમાણમાં પડે છે : ઉત્તર તરફ 760 મિમી. અને દક્ષિણ તરફ 1,000 મિમી. જેટલો. મધ્ય અને પૂર્વના ભાગોમાં હિમવર્ષાનું પ્રમાણ વિશેષ રહે છે, વર્ષમાં 2,800 મિમી. જેટલી હિમવર્ષા થાય છે.

ભૂપૃષ્ઠ (લૅબ્રાડોર) : લૅબ્રાડોર ભૂસ્તરીય દૃષ્ટિએ પ્રી-કૅમ્બ્રિયન કાળનું કૅનેડિયન ભૂકવચ (shield) છે. તે ગ્રૅનાઇટ, ગ્રૅનાઇટ-નાઇસ તેમજ અન્ય ખડકોથી બનેલું છે, જોકે ક્યાંક તે પછીના સમયના જળકૃત ખડકોનાં આવરણો પણ છે. આ ભૂકવચ ઉચ્ચપ્રદેશીય છે, અહીંનું ભૂપૃષ્ઠ ઉત્થાન પામેલું છે. અંદરના ભાગો સ્થાનભેદે 460થી 610 મીટરની ઊંચાઈવાળી ટેકરીઓથી બનેલા છે. કિનારા તરફનો વિસ્તાર ડૂબી ગયેલો હોવાથી ખરબચડું દૃશ્ય રજૂ કરે છે. ત્યાં હજારો ટાપુઓ બની રહેલા છે, તેમની વચ્ચે સાગરનાં પાણીથી જળફાંટાઓની જાળ જેવો દેખાવ ખડો થાય છે. 1,676 મીટરની ઊંચાઈ ધરાવતો ટૉર્નગેટ પર્વત અહીંનું ઊંચામાં ઊંચું સ્થળ છે. સરકે, ઇન્યુઇટ, ઇલિયટ, ફોર પીક્સ તથા બેનેડિક્ટ અન્ય પર્વતો છે.

વિશ્વભરમાં નિકાસ માટે તૈયાર થઈ રહેલો ન્યૂઝપ્રિન્ટ રૉલનો વિપુલ જથ્થો

અહીંની મોટામાં મોટી નદી ચર્ચિલ (જૂનું નામ હૅમિલ્ટન) પશ્ચિમ ભાગના ઉચ્ચપ્રદેશમાંથી નીકળી તેના મુખથી ઉપરવાસ તરફ 210 કિમી અંતરે ચર્ચિલ ધોધ (જૂનું નામ ગ્રાન્ડ) આગળ નીચે પડે છે, ત્યાંથી મેલવિલ સરોવરમાં ભળે છે અને ત્યાંથી 130 કિમી. અંતરે લૅબ્રાડોરને કિનારે સમુદ્રને મળે છે. આ ધોધનો જળપાત 91 મીટર જેટલો છે, આગળ જતાં ફરીથી બોડોઇન કોતર ખાતે 122 મીટરનો જળપાત થાય છે. વિપુલ જળરાશિવાળા અને બે જળપાતને કારણે આ ધોધ ઉત્તર અમેરિકાને વિદ્યુતઊર્જાપ્રાપ્તિ માટે ખૂબ અનુકૂળતા કરી આપે છે. ઈગલ, ગ્રાન્ડ, મેકેટિના, નાસકૌપી અને રોમેઇન અન્ય નદીઓ છે. આ ઉપરાંત ઘણાં નાનાંમોટાં સરોવરો પણ છે. આ પ્રદેશની જળપરિવાહરચના અનિયમિત છે.

આબોહવા (લૅબ્રાડોર) : દક્ષિણ તરફની કેટલીક ખીણોના ભાગોને બાદ કરતાં લૅબ્રાડોરની આબોહવા ખેતી માટે અનુકૂળ નથી. શિયાળા લાંબા અને ઠંડા રહે છે. ખાંચાખૂંચીવાળા કિનારાના ભાગ (ફિયૉર્ડ) અને ઉપસાગરો ઠરેલા રહે છે, જેથી વહાણોની અવરજવર શક્ય બનતી નથી. અંદરના ભાગોમાં જાન્યુઆરીનું સરેરાશ તાપમાન -21° સે. અને અગ્નિકોણમાં કિનારા તરફ -12° સે. રહે છે; ક્યારેક -48° સે. સુધી પણ પહોંચી જાય છે. મધ્ય જૂનમાં થોડાક સમય માટે ઉનાળાનું હૂંફાળું હવામાન પ્રવર્તે છે, પરંતુ કિનારા નજીક ઠંડા પ્રવાહોની અસર રહે છે. જુલાઈનું સરેરાશ તાપમાન અંદરના ભાગમાં 13° સે.થી 15° સે. અને કિનારા પર 8° સે.થી 10° સે. જેટલું રહે છે. અગ્નિકોણમાં કિનારા નજીક આશરે 1,000 મિમી. થી 1,120 મિમી. અને ઉત્તર તરફ જતાં 500 મિમી. વરસાદ પડે છે, જોકે મોટે ભાગે તો વરસાદ હિમસ્વરૂપે પડે છે; ક્યાંક ક્યાંક 5,100 મિમી. જેટલી હિમવર્ષા થાય છે. સરેરાશ હિમવર્ષાનું પ્રમાણ 3,810 મિમી.નું રહે છે.

લૅબ્રાડોરનો ઠંડો પ્રવાહ ન્યૂફાઉન્ડલૅન્ડને હમેશાં ઠંડો રાખે છે. અહીં અખાતી ગરમ પ્રવાહ અને લૅબ્રાડોરનો ઠંડો પ્રવાહ ભેગા થતા હોવાથી ધુમ્મસ છવાયેલું રહે છે. ઉત્તર તરફથી તરતી હિમશિલાઓ ખેંચાઈ આવે છે, જે ધુમ્મસને કારણે વહાણોને ક્યારેક અથડાય છે. આ કારણે અહીંના બારા પાસે સર્ચલાઇટની વ્યવસ્થા રાખવી પડે છે.

કુદરતી સંપત્તિ : આ પ્રાંતમાં 90,650 ચોકિમી. વિસ્તારમાં મિશ્ર પ્રકારનાં જંગલો છવાયેલાં છે. તે કાળા સ્પ્રૂસ અને બાલ્સમ ફરનાં વૃક્ષોથી ભરપૂર છે. અહીંનો કાગળ-ઉદ્યોગ આના પર આધારિત છે. 50 % જેટલો ભૂમિભાગ ટુન્ડ્ર પ્રકારની, જંગલી વનસ્પતિ તેમજ શેવાળ તથા પંકથી છવાયેલો રહે છે. બીવર, શિયાળ, લિંક્સ, ઑટર, કેરીબાઉ, કાળાં રીંછ જેવાં ફરવાળાં પ્રાણીઓ માટે અહીંનાં જંગલો આશ્રયસ્થાન છે. પક્ષીઓમાં બતક, કલહંસ, અને ગારાખોદ (snipe), ધ્રુવીય સસલાં જોવા મળે છે. સાપ કે અન્ય સરીસૃપ વર્ગનાં પ્રાણીઓનો તદ્દન અભાવ છે. દક્ષિણ કિનારાના પ્રદેશમાં પ્રયોગાત્મક ધોરણે ભેંસો લાવીને ઉછેર કરવામાં આવી રહ્યો છે. કૉડ અને હૅલિબટ માછલીઓ પણ મળે છે.

ભૂપૃષ્ઠ, ધોધ અને નદીઓને લીધે અહીં જળવિદ્યુત યોજનાઓ અમલમાં આવી છે. લૅબ્રાડોર પ્રદેશમાં વિપુલ જળસ્રોત છે; ઊંચી આર્દ્રતા, ઓછું બાષ્પીભવન અને પૂરતા વરસાદથી નદીઓની જળવહનક્ષમતા વધી જાય છે, સરોવરો અને તળાવો ભરાયેલાં રહે છે, જે જળપુરવઠો પૂરો પાડે છે.

ખનિજસંપત્તિમાં લોહધાતુખનિજો, ઍસ્બેસ્ટૉસ, તાંબું, જસત, ફ્લોરાઇટ અને ચિરોડી મુખ્ય છે. યુરેનિયમ, સોનું, ચાંદી અને સીસું પણ મળે છે. પશ્ચિમ કિનારે કોલસાનાં ક્ષેત્રો (નોવા સ્કોશિયાનું વિસ્તરણ) આવેલાં છે, પરંતુ કેટલીક ભૂસ્તરીય મુશ્કેલીઓને કારણે તેનો પૂરતો ઉપયોગ કરી શકાતો નથી. ખંડીય છાજલી પરથી ખનિજ તેલ પણ મળ્યું છે.

આર્થિક પ્રવૃત્તિ : ખેતી-પશુપાલન : આ પ્રાંતમાં સરેરાશ 30 એકર ધરાવતાં 2,400 ખેતરો આવેલાં છે. નદીઓની જમીનોમાં શાકભાજી, બટાટા, કોબી, ગાજરનું સ્થાનિક જરૂરિયાત પૂરતું વાવેતર થાય છે. કેટલાક ભાગોમાં પશુપાલન કરીને દૂધની પેદાશ લેવાય છે. તેમ છતાં ખેતી અહીંની ગૌણ આર્થિક પ્રવૃત્તિ છે.

ન્યૂફાઉન્ડલૅન્ડના મુખ્ય ઉદ્યોગોમાં મત્સ્યઉદ્યોગ, વનસ્પતિજન્ય ઉદ્યોગ અને ખાણઉદ્યોગનો સમાવેશ થાય છે. દર વર્ષે આશરે પાંચ લાખ મેટ્રિક ટન જેટલી માછલીઓ પકડવામાં આવે છે. આનાથી 15,000 માછીમારોને તથા 8,500 કારખાનાંના કારીગરોને રોજીરોટી મળી રહે છે. આ ઉદ્યોગનું વાર્ષિક મૂલ્ય 200 મિલિયન ડૉલરનું ગણાય છે. મધદરિયાની કૉડ, રેડફિશ તથા ફ્લાઉન્ડ અને કિનારા નજીકની કૉડ, સાલમન, લૉબ્સ્ટર, હેરિંગ તથા સ્ક્વિડ માછલીઓનો તેમાં સમાવેશ થાય છે. સૂકી ખારાશવાળી માછલીઓની નિકાસ કરવામાં આવે છે.

કૅનેડાના ખાણઉત્પાદનમાં 5 % જેટલો હિસ્સો ન્યૂફાઉન્ડલૅન્ડનો છે. અહીં પુષ્કળ પ્રમાણમાં લોહ, ધાતુખનિજોનું ખનન થાય છે. તાંબા, સીસા, જસત અને ઍસ્બેસ્ટૉસનું ખાણકાર્ય પણ થાય છે. અન્ય ઉદ્યોગોમાં કાગળ, કાગળનો માવો, ખાદ્ય પદાર્થો, મત્સ્યપ્રક્રમણ, પ્લાસ્ટર બોર્ડ, સિમેન્ટ, ઈંટો, રંગો, હળવાં પીણાં, બિયર, માર્ગેરીન, લોખંડની ચીજવસ્તુઓ, કપડાં, પગરખાં, પતરાંના ડબ્બા વગેરેનો સમાવેશ થાય છે. સેંટ જૉન્સ નજીક વાર્ષિક 54,500 મેટ્રિક ટનની ઉત્પાદનક્ષમતા ધરાવતું પોલાદનું કારખાનું આવેલું છે.

પરિવહન : ન્યૂફાઉન્ડલૅન્ડ ટાપુ સારા એવા પ્રમાણમાં રસ્તાઓનું માળખું ધરાવે છે, પરંતુ લૅબ્રાડોરમાં રસ્તાઓ ઓછા છે. અહીં મોટા-ભાગનો વાહન-વ્યવહાર મુખ્યત્વે રેલ, દરિયાઈ કે હવાઈ માર્ગે થાય છે. ગાન્ડેર ખાતેનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક હવાઈ સેવા પૂરી પાડે છે. ન્યૂફાઉન્ડલૅન્ડમાં  રેડિયો-મથકો,  દૂરદર્શન-મથકો અને વર્તમાનપત્રો કાર્યશીલ છે.

વસ્તી : 2014 મુજબ આ પ્રાંતની વસ્તી 5,26,977 છે, વસ્તીના સંદર્ભમાં કૅનેડામાં તે નવમા ક્રમે આવે છે. ઇંગ્લિશ અને આયરિશ વંશના લોકોએ અહીં સંસ્થાનો સ્થાપેલાં. શરૂઆતમાં વસ્તીનું પ્રમાણ ઓછું હતું, પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિકાસની તકો વધતાં વસ્તી અને શહેરીકરણમાં વધારો થયો છે. ઍવલૉન દ્વીપકલ્પ સૌથી વધુ ગીચ વસ્તી ધરાવે છે.

7થી 16 વર્ષ સુધીનાં બાળકો માટે શિક્ષણ નિ:શુલ્ક અને ફરજિયાત છે. સેંટ જૉન્સ ખાતે આવેલ મેમોરિયલ યુનિવર્સિટી ઑવ્ ન્યૂફાઉન્ડલૅન્ડ ઉચ્ચશિક્ષણની સવલતો પૂરી પાડે છે. ત્યાં જ વાણિજ્ય તથા મત્સ્યઉદ્યોગને લગતી કૉલેજો ચાલે છે.

નૈસર્ગિક સૌંદર્ય ધરાવતા વિશાળ વિસ્તારો આનંદપ્રમોદ તથા પર્યટન માટેનાં મથકો પૂરાં પાડે છે. અહીં પ્રવાસઉદ્યોગ મહત્ત્વનો છે.  રાષ્ટ્રીય અને પ્રાંતીય ઉદ્યાનો અહીં આવેલા છે. મચ્છીમારી, તરણ તથા શિયાળુ રમતગમતો અહીં લોકપ્રિય છે.

વહીવટ : સેંટ જૉન્સ ખાતેની પ્રાંતીય ધારાસભા 52 ચૂંટાયેલ સભ્યો ધરાવે છે. ન્યૂફાઉન્ડલૅન્ડની રાષ્ટ્રીય ધારાસભા (હાઉસ ઑવ્ કૉમન્સ) 7 સભ્યો ચૂંટી મોકલે છે. હજાર કરતાં વધારે વસ્તી ધરાવનાર દરેક નગરમાં સ્થાનિક સરકારની રચના કરવામાં આવે છે.

ઇતિહાસ : યુરોપિયન વસાહતીઓના આગમન પૂર્વે મૂળ આદિવાસી લોકો અહીં વસતા હતા. તાજેતરનાં પુરાતત્ત્વ- સંશોધનો એમ દર્શાવે છે કે ન્યૂફાઉન્ડલૅન્ડનો પશ્ચિમી કિનારો ‘પ્રાચીન ઇન્ડિયન સંસ્કૃતિ’(6500 ઈ. સ. પૂ.)ના અવશેષો ધરાવે છે. ત્યારબાદ ઘણી ઇન્ડિયન આદિવાસી ટોળીઓએ તથા એસ્કિમોએ આ પ્રદેશ પર કબજો કરેલો. ‘બિયોથુક’ જાતિનો છેલ્લો સભ્ય 1820માં નામશેષ થયો.

986ની આસપાસ નોર્સ સંશોધકો ન્યૂફાઉન્ડલૅન્ડના જળવિસ્તારને ખૂંદી વળ્યા હતા. ત્યારબાદ 15મી અને 16મી સદી દરમિયાન અંગ્રેજ, ફ્રેન્ચ, સ્પૅનિશ તથા પોર્ટુગીઝ વસાહતો સ્થપાઈ. 1497માં ઇંગ્લૅન્ડના રાજવી હેન્રી સાતમા વતી ભૌગોલિક સંશોધક જૉન કેબટે ન્યૂફાઉન્ડલૅન્ડ શોધી કાઢ્યો. 1583માં સર હમ્ફ્રી ગિલ્બર્ટે રાણી એલિઝાબેથ 1 વતી આ પ્રદેશ પર દાવો રજૂ કર્યો, પરંતુ ફ્રાન્સે આ દાવાનો વિરોધ કર્યો. 1763ની પૅરિસની સંધિ દ્વારા આ પ્રદેશ ઇંગ્લૅન્ડને પ્રાપ્ત થયો. ‘તાજ’ દ્વારા નિયુક્ત ગર્વનરને બદલે ધારાસભાને જવાબદાર હોય એવી કૅબિનેટ-પ્રથા 1855માં અમલમાં આવી. 1949માં ન્યૂફાઉન્ડલૅન્ડના લોકોએ કૅનેડાના દસમા પ્રાંત તરીકે જોડાવા માટે મત આપ્યો. સમૂહતંત્રમાં જોડાયા પછી ન્યૂફાઉન્ડલૅન્ડના અર્થતંત્રમાં ઝડપી વિકાસ થયો છે.

નવનીત દવે