ન્યૂ મેક્સિકો : યુનાઇટેડ સ્ટેટ્સના નૈર્ઋત્ય ભાગમાં આવેલું પર્વતીય રાજ્ય. આ રાજ્ય તેના વિશિષ્ટ પ્રાકૃતિક સૌન્દર્ય અને સમૃદ્ધ ઇતિહાસને કારણે ‘મોહપાશની ભૂમિ’ – ‘Land of Enchantment’ તરીકે પણ ઓળખાય છે.

દેશની પશ્ચિમ તરફ ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી રૉકીઝ પર્વતમાળાના દક્ષિણ છેડે 31° 22´ થી 37° 0´ ઉ. અ. અને 103° થી 109° પ. રે. વચ્ચે તે આવેલું છે. તેની વધુમાં વધુ લંબાઈ 636 કિમી. અને વધુમાં વધુ પહોળાઈ 571 કિમી. છે. લગભગ સમચોરસ આકાર ધરાવતા આ રાજ્યનો કુલ વિસ્તાર 3,15,194 ચોકિમી. જેટલો થાય છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ યુ.એસ.નાં સંલગ્ન રાજ્યોમાં તેનો પાંચમો ક્રમ આવે છે, પરંતુ વસ્તીની દૃષ્ટિએ તે નાનામાં નાનું, 37મો ક્રમ ધરાવતું રાજ્ય ગણાય છે. તેની કુલ વસ્તી 20,85,109 (2015) છે, જેમાંથી 42 % લોકો શહેરી વિસ્તારમાં રહે છે. યુ.એસ.ની કુલ વસ્તીના પ્રમાણમાં આ રાજ્ય 1 % કરતાં પણ ઓછી વસ્તી ધરાવે છે, તેની ઉત્તરે કૉલોરેડો, ઈશાનમાં ઑક્લાહોમા, પૂર્વ તેમજ દક્ષિણમાં ટૅક્સાસ, દક્ષિણમાં મેક્સિકો દેશ, પશ્ચિમે ઍરિઝોના આવેલાં છે. વાયવ્ય ખૂણે ઉટાહની સરહદ તેને સ્પર્શે છે. મધ્ય અમેરિકાના તેના પડોશી દેશ મેક્સિકોથી જુદું પાડવા માટે તેને ન્યૂ મેક્સિકો નામ આપવામાં આવેલું છે. આ રાજ્ય વહીવટી દૃષ્ટિએ 33 પરગણાંમાં વહેંચાયેલું છે. તે અશ્વેત આદિવાસીઓ (રેડ ઇન્ડિયન્સ), સ્પૅનિશ મેક્સિકન, તથા ઍન્ગ્લો-અમેરિકનોની ત્રણ સંસ્કૃતિઓનું સંમિશ્રણ ધરાવે છે. 1609માં સ્થપાયેલ સાન્ટા ફે તેનું પાટનગર છે. પણ તેનાથી મોટું શહેર આલ્બુકર્ક છે, જે રાજ્યનું મુખ્ય ઔદ્યોગિક તથા વેપારનું કેન્દ્ર છે.

ભૂપૃષ્ઠ : રાજ્યના મધ્ય ઉત્તર ભાગમાંથી બે ફાંટાઓમાં વહેંચાતી રૉકીઝ પર્વતમાળાનો દક્ષિણ છેડાનો ભાગ અહીં આવેલો છે, જે રાજ્યના મધ્ય ભાગ તરફ વિસ્તરે છે. વાયવ્ય ભાગમાં ઊભા ખડક ઢોળાવો ધરાવતી તથા બંને બાજુ કરાડો(cliffs)વાળી ઊંડી ખીણો અને સપાટ શિરોભાગ પર મેદાનો ધરાવતી ટેકરીઓ (mesa) આવેલી છે. નૈર્ઋત્ય ભાગમાં ખરબચડી પર્વતશૃંખલાઓ છે. મધ્ય અને અગ્નિ ભાગ છૂટીછવાઈ હારમાળાઓથી છવાયેલો છે. પૂર્વમાં રાજ્યના લગભગ 2 ભાગમાં મેદાનો આવેલાં છે. રાજ્યની દક્ષિણ સરહદે આવેલ રેડ બ્લફ રિઝવૉર્યરની ઊંચાઈ 859 મીટર છે, જે ઓછામાં ઓછી છે, જ્યારે ઊંચામાં ઊંચું વ્હીલર પીક 4,011 મી. ઊંચાઈ ધરાવે છે.

આબોહવા : રાજ્યની આબોહવા ગરમ અને સૂકી રહે છે. જુલાઈ અને જાન્યુઆરીમાં સરેરાશ તાપમાન અનુક્રમે 23° સે. અને 1° સે. રહે છે. વરસાદનું પ્રમાણ તદ્દન સામાન્ય છે.

ન્યૂ મેક્સિકોનો સ્મૃતિવિશેષ સમો ચમકતી શ્વેત રેતીનો વિશાળ પ્રદેશ

વનસ્પતિપ્રાણીજીવન : રાજ્યના કુલ વિસ્તારના 24 % પ્રદેશમાં જંગલો આવેલાં છે, પરંતુ જંગલ-પેદાશોની બાબતમાં આ રાજ્ય સમૃદ્ધ નથી. રાજ્યના વન્ય પ્રાણીજીવનમાં સાબર, રીંછ તથા હરણ મુખ્ય છે. રાજ્યભરમાં લગભગ 300 જાતનાં પક્ષીઓ જોવા મળે છે, જેમાં ક્વેઇલ (તેતર જાતનું) બતક તથા ટર્કી પક્ષીઓનું પ્રમાણ વિશેષ છે.

ખેતીપશુપાલન : કૃષિ-પેદાશોમાં મર્યાદિત પ્રમાણમાં મકાઈ, કપાસ, બરછટ અનાજ તથા ઘઉં થાય છે. કાળાં મરી મુખ્ય કૃષિ-પેદાશ છે, જેની નિકાસ કરવામાં આવે છે. પશુપાલન રાજ્યની મુખ્ય પ્રવૃત્તિ છે, જે રાજ્યના પૂર્વ ભાગમાં કેન્દ્રિત થયેલી છે. રાજ્યમાં કુલ પશુધનની સંખ્યા વસ્તીની કુલ સંખ્યા કરતાં દોઢી છે. દૂધ, માખણ, પનીર, મઠો તથા ડેરીની અન્ય પેદાશો સારા પ્રમાણમાં મળે છે.

આર્થિક પ્રવૃત્તિઓ : રાજ્યના વાયવ્ય અને અગ્નિ ભાગોમાંથી ખનિજ તેલ અને કુદરતી વાયુનો વિપુલ જથ્થો મળતો હોવાથી ખનિજ તેલ, તેની પેદાશો તથા તેલ-શુદ્ધીકરણનો ઉદ્યોગ પ્રથમ ક્રમે આવે છે. બીજા ક્રમે આવતો વીજાણુ-સાધનસામગ્રી અને વીજળીનાં ઉપકરણોનો ઉદ્યોગ અલ્બુકર્કમાં કેન્દ્રિત થયેલો છે. ખાદ્યપ્રક્રમણ ઉદ્યોગ ત્રીજા ક્રમે આવે છે. રાજ્ય પ્રાકૃતિક સૌંદર્યનું ધામ હોવાથી પ્રવાસઉદ્યોગ પણ અમુક પ્રમાણમાં વિકસ્યો છે. મોટાભાગના લોકો નોકરીઓના વ્યવસાયમાં રોકાયેલા છે. રાજ્યની લગભગ 40 % આવક ખનિજતેલ અને કુદરતી વાયુમાંથી થાય છે.

આ રાજ્ય અંતરિક્ષ તથા અણુસંશોધનક્ષેત્રે આગળ પડતું સ્થાન ધરાવે છે અને અહીં તે માટેનું જાણીતું મથક આવેલું છે. 16 જુલાઈ, 1945માં અહીંના આલામાગોર્ડો નજીક ટ્રિનિટી ખાતે દુનિયામાં અણુબૉંબનું પ્રથમ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ અણુબૉંબ સાન્ટા ફે નજીક વાયવ્યમાં આવેલા પર્વતીય નગર લૉસ આલામૉસની પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રૉકેટ તથા મિસાઇલ જેવાં વિવિધ લશ્કરી આયુધોના પરીક્ષણના કેન્દ્ર તરીકે આ રાજ્યનો વિકાસ થયો છે.

ઇતિહાસ : આજે જ્યાં ન્યૂ મેક્સિકોનો પ્રદેશ છે ત્યાં આજથી 12,000થી 20,000 વર્ષ અગાઉના ગાળા દરમિયાન આદિવાસીઓ(સંભવત: રેડ ઇન્ડિયનો)ની વસ્તી હતી એવા પુરાવા સાંપડ્યા છે. 1536માં સર્વપ્રથમ સ્પૅનિશ લોકો આવેલા અને વસાહત ઊભી કરેલી. ત્યારથી 1821 સુધી આ પ્રદેશ પર સ્પેનનું શાસન હતું. 1821માં તે મેક્સિકોનો પ્રાંત બન્યું. એ જ વર્ષે આજે જ્યાં સાન્ટા ફે છે તે તરફનો માર્ગ ખૂલ્યો અને આ પ્રદેશ મિસૂરી સાથે સંકળાયો. 1848માં અમેરિકાની સરકારે આ પ્રદેશનો કબજો મેળવ્યો. 1912માં તેને અમેરિકાના સંલગ્ન રાજ્ય તરીકેનો દરજ્જો એનાયત કરવામાં આવ્યો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે