ન્યાયિક તપાસ, મૃત્યુના કારણની (inquest)

January, 1998

ન્યાયિક તપાસ, મૃત્યુના કારણની (inquest) : શંકાસ્પદ સંજોગોમાં થયેલા મૃત્યુના કારણ અંગેની તપાસ કે પૂછપરછ. જુદા જુદા સ્થળે જુદા જુદા અધિકારીઓને તે અંગે સત્તા અપાયેલી હોય છે; જેમ કે, એક્ઝિક્યુટીવ મૅજિસ્ટ્રેટ (executive magistrate), પોલીસ-અધિકારી, કૉરોનર અથવા તબીબ. ભારતમાં મુખ્યત્વે પોલીસ-અધિકારી આ કાર્ય કરે છે. સામાન્ય રીતે તેણે ક્રિમિનલ પ્રોસીજર કોડની 174મી કલમને આધારે આપઘાત, હત્યા કે આકસ્મિક મૃત્યુની જાણકારી મળે એટલે નજીકના એક્ઝિક્યુટીવ મૅજિસ્ટ્રેટને માહિતી આપવાની હોય છે. મૅજિસ્ટ્રેટને જાણ કર્યા બાદ તે જાતે મૃત્યુના સ્થળે અથવા જ્યાં મૃતદેહ મળે ત્યાં પહોંચી જાય છે. ત્યાં સ્થાનિક બે કે ત્રણ સન્માનનીય વ્યક્તિઓની હાજરીમાં મૃત્યુના દેખીતા કારણ માટે કોઈ ચોક્કસ તારણ પર આવે છે. તે મૃતદેહ પરની ઈજાઓ અને આસપાસની જગ્યાનું અવલોકન કરીને મૃત્યુ નિપજાવનાર સાધન કે ઓજાર અંગે અંદાજો લગાવે છે. આ અંગેના અહેવાલ પર પોલીસ-અધિકારી પોતે સહી કરે છે અને અન્ય જરૂરી સંખ્યામાં સાક્ષીઓની પણ સહી મેળવાય છે. તેને મૃત્યુના  કારણની તપાસનું પંચનામું (Inquest Panchnama) કહેવામાં આવે છે. ત્યારબાદ તે અહેવાલ જિલ્લા મૅજિસ્ટ્રેટ કે પેટાવિભાગીય (subdivisional) મૅજિસ્ટ્રેટને પહોંચાડવામાં આવે છે. જો મૃત્યુનું કારણ શંકાસ્પદ ન હોય તો પોલીસ-અધિકારી તેની અંતિમ વિધિ કરવા માટે મૃતદેહ સુપરત કરે છે; પરંતુ શંકાસ્પદ કિસ્સામાં નજીકના સ્થળે શબપરીક્ષણ (postmortem examination) માટેની વ્યવસ્થા કરે છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની 174ની કલમના ચોથા ઉપવિભાગને આધારે આવી ન્યાયિક તપાસ કરવાની સત્તા જિલ્લાકક્ષાના, ઉપવિભાગકક્ષાના કે રાજ્ય સરકારે અધિકૃત કરેલા અન્ય મૅજિસ્ટ્રેટ ધરાવે છે. ઉપર જણાવેલી ન્યાયિક તપાસને પોલીસ ન્યાયિક તપાસ કહે છે. આ જ રીતે મૅજિસ્ટ્રેટ અને કૉરોનરની પણ ન્યાયિક તપાસ હોય છે.

કેટલાક વિશિષ્ટ સંજોગોમાં થતા મૃત્યુમાં મૅજિસ્ટ્રેટની ન્યાયિક તપાસ યોજાય છે; જેવી કે, પોલીસ કસ્ટડીમાં થયેલું મૃત્યુ, સ્ત્રીના લગ્નનાં પ્રથમ સાત વર્ષમાં થયેલું શંકાસ્પદ મૃત્યુ કે આપઘાત. મૅજિસ્ટ્રેટની ન્યાયિક તપાસ પોલીસની તપાસ ઉપરાંતની પણ હોય અથવા તેને બદલે પણ હોય. કૉલકાતામાં મૅજિસ્ટ્રેટની ન્યાયિક તપાસનો પૂર્ણ ઉપયોગ કરાય છે.

મુંબઈ શહેરમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતા કાયદાકીય વ્યાવસાયિક (legal professional) કે મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટને પસંદ કરીને કૉરોનર્સ ઍક્ટ હેઠળ કૉરોનર તરીકે નિમણૂક કરવામાં આવે છે. આવો અધિકારી શંકાસ્પદ મૃત્યુના કિસ્સામાં તેનાં કારણો અને સમય શોધવા માટે જરૂરી ન્યાયિક તપાસ કરે છે. તે ગુનેગારને શોધવાનું કાર્ય કરે છે. તેની તપાસ-કોર્ટમાં તેને જૂરીના સભ્યોની મદદ પણ મળે છે. સામાન્ય રીતે તબીબ કે વકીલ ન હોય એવા સમાજના સમ્માનિત સભ્યોને કૉરોનરની કોર્ટની જૂરી રૂપે કૉરોનર પોતે નીમે છે. તે કાં તો અપમૃત્યુ થયું છે અને તે કરાવનારને શોધી કાઢીને તેને નામે ધરપકડ-હુકમ (warrant) જારી કરે છે અથવા તો કિસ્સો અણઊકલેલો છે એવું જાહેર કરીને તપાસને થંભાવે પણ છે. કૉરોનરની કોર્ટ એક તપાસ-કોર્ટ છે અને તે ન્યાય આપવાનું કાર્ય કરતી નથી. તેથી કૉરોનર સજા કરી શકતો નથી; પરંતુ તે વ્યક્તિને સાક્ષી તરીકે હાજર રહેવાનું ફરમાન કરી શકે છે તેમજ ફરમાનની અવગણના (contempt) થઈ હોય તો કોર્ટ ઊઠે ત્યાં સુધી પકડી રાખવાની સજા કરી શકે છે. તે તપાસ કરતી વખતે કોઈ પણ વ્યક્તિને પ્રતિજ્ઞાપૂર્વક સાક્ષી રૂપે પુરાવા આપવાનું જણાવી શકે છે. આવી તપાસ-સમયે કૉરોનરને પ્રથમ વર્ગના મૅજિસ્ટ્રેટ જેટલી સત્તા આપવામાં આવેલી હોય છે.

મૅજિસ્ટ્રેટ કે કૉરોનર તેમની ન્યાયિક તપાસ બધા જ કિસ્સાઓમાં કરી શકે છે. તેમણે તે અંગે કોઈને જણાવવાનું હોતું નથી. તેઓ ધરપકડનો હુકમ જારી કરી શકે છે. દાટી દીધેલા મૃતદેહને ફરી ખોદાવી કઢાવી શકે છે (શવોત્ખનન, exhumation). શબના અવયવોને પૃથક્કરણ માટે લઈ શકે છે અને તેની તપાસને પોલીસ-તપાસ કરતાં ઉપલી કક્ષાની તપાસ માનવામાં આવે છે.

તબીબી અધિકારી દ્વારા મૃત્યુના કિસ્સાની ન્યાયિક તપાસ ભારતમાં થતી નથી. ભારતમાં તે શબપરીક્ષણ દ્વારા ગુના-શોધમાં ફાળો આપે છે. વિદેશમાં નિષ્ણાત તબીબોને આ કામગીરી સોંપવામાં આવે છે. આ માટે તેમને મેડિકલ જ્યુરિસ્ટ કહેવામાં આવે છે.

શિલીન નં. શુક્લ

રવીન્દ્ર ભીંસે