ન્યાય્ય યુદ્ધ : યુદ્ધને લગતા નિયમો મુજબ લડવામાં આવતું યુદ્ધ. તેમાં યુદ્ધનું કારણ અને તેનું સંચાલન બંને ન્યાયપુર:સરનાં હોવાં જોઈએ એવો ભાવ રહ્યો છે. કયા સંજોગોમાં યુદ્ધનો આશ્રય ન્યાયી ગણાય અને ન્યાયી યુદ્ધ કેવી રીતે લડી શકાય, તેને લગતો સિદ્ધાંત મુખ્યત્વે મધ્યકાલીન ઈસાઈ વિચારમાંથી આવ્યો છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કાયદાના વિકાસ(હ્યુગો ગ્રોસિયસ તથા સૅમ્યુઅલ પુફેનડ્રોફનાં લખાણો)ને કારણે ન્યાયી યુદ્ધના વિચારને વેગ મળ્યો. અઢારમી સદી પછી યુદ્ધના સંચાલનને નક્કી કરતી આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ શરૂ થઈ; દા. ત., પૅરિસનું જાહેરનામું (Declaration of Paris), હેગ સમજૂતી તથા જિનીવા સમજૂતી. પ્રથમ વિશ્વયુદ્ધ સુધી યુદ્ધના વાજબીપણાનાં કારણો માટે રાજ્ય જ ન્યાયાધીશ ગણાતું, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ‘લીગ ઑવ્ નૅશન્સ’, તથા સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવી સંસ્થાઓના નિર્માણ તથા કેલૉગ બ્રાયન કરાર જેવા આંતરરાષ્ટ્રીય પ્રયાસોને લીધે રાષ્ટ્રીય નીતિના સાધન તરીકે યુદ્ધને પ્રયોજવાના રાજ્યોના વલણમાં ફેરફાર આવ્યો. પ્રાચીન ભારતીય રાજ્યનીતિમાં પણ યુદ્ધના નિયમોનો સમાવેશ થયો છે. રામાયણ તથા મહાભારત જેવાં મહાકાવ્યોમાં યુદ્ધના સંચાલનના નિયમોની પૂર્વસ્વીકૃતિ યુદ્ધે ચઢેલા પક્ષો દ્વારા થયેલ હતી. તદનુસાર જ યુદ્ધનું સંચાલન થતું હતું.

વીસમી સદીમાં યુદ્ધની બર્બરતા સમજાતાં ન્યાયી યુદ્ધના સિદ્ધાંતમાંથી સામાન્ય લોકોનો રસ ઓછો થતો ગયો અને તેને લીધે શાંતિવાદનો પ્રસાર શરૂ થયો; વળી યુદ્ધ ક્યારેય ન્યાયી ન હોઈ શકે તેવી મન:સ્થિતિ પણ ઊભી થઈ. તેના પરિણામે સભ્ય રાજ્યોએ નીતિના એક સાધન તરીકે યુદ્ધનો સદંતર ત્યાગ કરવો જોઈએ તેવી ભાવના આકાર લેવા માંડી.

પછીનાં વર્ષોમાં ન્યાયી યુદ્ધના સિદ્ધાંતમાં કેટલાંક વ્યાવસાયિક લશ્કરી સંગઠનોએ રસ લેવાનું શરૂ કર્યું. આ સંગઠનોના લશ્કરી અધિકારીઓ પોતાના અંત:કરણના અવાજ અનુસાર વર્તવાની નાગરિક કર્તવ્યભાવના છોડવા માટે અનિચ્છુક હતા. મુખ્યત્વે વિયેટનામ યુદ્ધમાં અમેરિકાની સામેલગીરીને લીધે આ વિષયમાં ફરીથી રસ ઉત્પન્ન થયો.

ન્યાયી યુદ્ધ અંગેની પરંપરાગત દલીલ (આધુનિક વિચારણાએ આ પુરાતન સૈદ્ધાંતિક દલીલોમાં કોઈ વિશેષ ઉમેરો કર્યો નથી)માં યુદ્ધને લગતા બે પ્રશ્નો લૅટિન ઉક્તિઓ અનુસાર આ રીતે વ્યક્ત થાય છે : પ્રથમ તો યુદ્ધે ક્યારે ચઢવું ? યુદ્ધ આદરવું એ ન્યાય કે સત્યના પક્ષમાં છે ? એટલે કે ‘Jus ad bellum.’ બીજું, યુદ્ધ દરમિયાન કયાં પગલાં માન્ય ગણાય ? યુદ્ધ કેવી રીતે લડવું ? એટલે કે ‘Jus in bello.’

યુદ્ધે ક્યારે ચઢવું અથવા યુદ્ધ એ સત્ય કે ન્યાયના પક્ષમાં છે તેને લગતી બધી સૈદ્ધાંતિક દલીલોના સાર રૂપે રક્ષણાત્મક યુદ્ધ ન્યાય્ય હોય છે એવો ખ્યાલ પ્રચારમાં આવ્યો. પોતાની પ્રાદેશિક અખંડિતતા માટે જ નહિ, પરંતુ અન્ય નબળા દેશના રક્ષણ માટે પણ જો કોઈ દેશ યુદ્ધે ચઢે તો તેવું યુદ્ધ પણ ન્યાય્ય ઠરે છે. આવા સિદ્ધાંતધોરણને આધારે સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઇરાક વિરુદ્ધના ખાડી (gulf) યુદ્ધને વાજબી અને ન્યાય્ય ઠરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મૂળ સિદ્ધાંતમાં, કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન યુદ્ધે ચઢવાનો આમ હક્ક ધરાવે છે તેવી બાબતનો સમાવેશ થતો ન હતો. હકીકતમાં ન્યાય્ય યુદ્ધમાં ખાસ કરીને સક્ષમ સત્તા(competent authority)નો ઉલ્લેખ થાય છે અને આ સક્ષમ સત્તા એટલે રાષ્ટ્રીય રાજ્ય.

યુદ્ધમાં કઈ પ્રવૃત્તિઓ માન્ય ગણાય (Jus in bello) એને લગતી સૈદ્ધાંતિક ચર્ચા વધારે વિવાદાસ્પદ બની રહી છે. યુદ્ધનાં સાધનો અને ટૅકનૉલોજીમાં થયેલા ફેરફારોને લીધે યુદ્ધની બર્બરતામાં વધારો થયો છે. માનવજાતિના નિકંદનની શક્યતા ક્ષિતિજે ડોકાતી હોઈને આ મુદ્દો વધારે પેચીદો બની રહ્યો. ઓછામાં ઓછું વીસમી સદી દરમિયાન ઘણાખરા રાજકારણીઓ અને લશ્કરી અધિકારીઓએ યુદ્ધની બર્બરતાને અંકુશિત કરવાનો – ઘટાડવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. આ દિશામાં ‘જિનીવા સંધિ’ એક પ્રશંસનીય કદમ ગણાય. સંયુક્ત રાષ્ટ્રસંઘ –ઇરાક વચ્ચેના ખાડી-યુદ્ધના શરૂઆતના ગાળામાં ન્યાય્ય યુદ્ધનો ખ્યાલ જાહેર ચર્ચામાં ઊપસી આવતો હતો. ત્યારે યુદ્ધમાં ભાગ લેતી સરકારોએ પણ ન્યાય્ય યુદ્ધના સિદ્ધાંતોનું પાલન થાય તે અંગે કાળજીપૂર્વક તકેદારી રાખી હતી. ખાસ કરીને ઇરાક વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજા નીચે ચઢેલાં રાષ્ટ્રોએ ઇરાકની ગૅસ તથા રાસાયણિક યુદ્ધની ક્ષમતાને ધ્યાનમાં રાખીને પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.

યુદ્ધ દરમિયાન ઘણાં ઘોર કૃત્યો આચરવામાં આવે છે. યુદ્ધમાં કઈ પ્રવૃત્તિઓ માન્ય ગણાય તેને લગતા સિદ્ધાંતને અનુસરવામાં આવે તો માનવતાવિરોધી ઘોર કૃત્યોને ઘટાડી શકાય. ન્યાય્ય યુદ્ધને લગતા આ બંને સિદ્ધાંતોમાં વ્યક્ત થતો પાયાનો સિદ્ધાંત પ્રમાણસરતાનો છે. આનો અર્થ એવો કે યુદ્ધમાં આક્રમક રાજ્ય તરફથી જે જાનહાનિ કે નુકસાન થયાં હોય તેના કરતાં વધારે પ્રમાણમાં જાનહાનિ કે નુકસાન થાય તેવાં યુદ્ધપગલાંઓ રક્ષણકર્તા રાજ્યોએ લેવાં જોઈએ નહિ. આ અર્થમાં દેશની સરહદે આવેલ વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્વહીન, નિર્જન, સૂકા અને બિનઉપયોગી વિસ્તારના રક્ષણ માટે આક્રમક દેશના કોઈ મહાનગર પર અણુહુમલો કરવો એ પ્રમાણ બહારનો પ્રત્યાઘાત ગણાય. ઉદાહરણ તરીકે, વિયેટનામ યુદ્ધમાં નબળા એવા દક્ષિણ વિયેટનામના રક્ષણ માટે (ચીન-સમર્થિત ઉત્તર વિયેટનામના આક્રમણ વિરુદ્ધ) અમેરિકાનું યુદ્ધમાં સામેલ થવાનું પગલું ન્યાય્ય હતું; આમ છતાં, યુદ્ધસંચાલન દરમિયાન ‘સર્ચ ઍન્ડ ડિસ્ટ્રૉય મિશન’ અથવા દેશના ઘણા વિશાળ વિસ્તારને ‘ફ્રી ફાયર ઝોન’ તરીકે જાહેર કરવાનું અમેરિકાનું પગલું લશ્કરી ઉપયોગિતાની દૃષ્ટિએ પ્રમાણબહારનું કૃત્ય હતું અને આથી યુદ્ધમાં કઈ પ્રવૃત્તિઓ માન્ય છે એને લગતા  ‘Jus in bello’  સિદ્ધાંતનો ભંગ થયો એમ કહી શકાય.

જુઓ : ‘ખુવારી’.

નવનીત દવે