ન્યાયાધીશ : સમાજના વિવિધ ઘટકો વચ્ચે ઉદભવતા વિવાદોમાં પૂરતી તપાસ કરી સત્યપક્ષને ન્યાય મળે એવો ચુકાદો આપનાર અધિકારી. તે જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે ઊભા થતા મિલકત, વારસા કે લેણદેણના ઝઘડાઓમાં સાચા પક્ષે દીવાની હક્કો નક્કી કરી હુકમનામું કરી શકે છે. કૌટુંબિક લગ્નાદિવિષયક તકરારોમાં સાચા પક્ષને રક્ષણ-લાભ મળે એવું કરી શકે છે. ગુના કરીને સમગ્ર સામાજિક વ્યવસ્થાને આઘાત પહોંચાડનારાઓને દંડ કે સજા ફરમાવી શકે છે. સમાજમાં કે રાજતંત્રમાં કોઈ પ્રજાસમૂહને ક્ષતિપૂર્ણ કાર્યવહી કે બેજવાબદારી યા ગફલત કે નિષ્ક્રિયતા વગેરેને કારણે અન્યાય થતો હોય ત્યારે તેને તાત્કાલિક દૂર કરવાનો આદેશ તે કરી શકે છે. ભારતના બંધારણના ખંડ 5 અને 6માં દર્શાવ્યા મુજબ સર્વોચ્ચ ન્યાયાલયના, વડી અદાલતોના જિલ્લાના તેમજ નિમ્ન સ્તરના ન્યાયાધીશો ‘જજ’ કહેવાય છે. વળી સેશન્સ જજો અને મૅજિસ્ટ્રેટોનો પણ ન્યાયતંત્રમાં સમાવેશ થાય છે. આ ન્યાયાધીશોએ બંધારણની પાર્શ્વભૂમિમાં પ્રવર્તમાન કાયદાઓના ચોકઠામાં રહી, બંધારણનાં ઉદ્દેશ અને ભાવના ધ્યાનમાં રાખી ન્યાય તોળવાનો હોય છે.

દરેક નાગરિકની અપેક્ષા મુજબ ન્યાયાધીશ તટસ્થ, સમતા રાખનારો, પૂર્વગ્રહ વિનાનો, નૈતિક બળવાળો, કોઈ પણ પક્ષકાર કે પ્રજાજન જોડે ન્યાયબુદ્ધિને હાનિકર એવા સંબંધો ન ધરાવનાર, મિતભાષી, શંકાથી પર અને ન્યાય માટે આવતા તમામ પક્ષકારોને ધીરજપૂર્વક સાંભળવાની તક આપ્યા પછી જ પોતાની ન્યાયબુદ્ધિ અનુસાર ચુકાદો આપનાર હોવો જોઈએ. કાયદાનું વિશદ અને તલસ્પર્શી જ્ઞાન, ન્યાયપદ્ધતિનો બહોળો અનુભવ ધરાવતો, પોતાની સમક્ષ આવતા પ્રશ્નોનું ઝડપથી, તીક્ષ્ણ નજરે આકલન કરનારો અને તદનુસાર સમતોલપણે, શાણપણથી યોગ્ય નિર્ણયો કરનારો ન્યાયાધીશ પ્રજાનો આદર પામે છે.

વળી ન્યાયાધીશનો એક મહત્વનો ગુણ છે નિર્ભયતાનો. કોઈ ભય કે લાલચ વિના સદવૃત્તિથી ન્યાય તોળે એ જ સાચો ન્યાયાધીશ. મરાઠાઓના ઇતિહાસમાં રઘુનાથરાવ પેશવાની સહીવાળા આદેશથી તેના ભત્રીજા નારાયણરાવ પેશવાની કતલ થઈ ત્યારે રઘુનાથરાવ પેશવાને પણ ખૂની તરીકે તકસીરવાર ઠરાવનાર ન્યાયાધીશ રામશાસ્ત્રી પ્રભુણેને આજેય સૌ યાદ કરે છે. આમ ન્યાયાધીશ પોતે રાજ્યવ્યવસ્થાનું એક અંગ હોવા છતાં રાજસત્તાથી સ્વતંત્ર રહી, પ્રસંગોપાત્ત, તે રાજસત્તા પણ દોષિત હોય તો તેને પણ શિક્ષા કે દંડ ફરમાવી શકે એટલું સાત્વિક નૈતિક બળ ધરાવતો હોવો જોઈએ. ભારતના ઇતિહાસમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની આવી કસોટી 1970 પછીના દાયકામાં થઈ હતી અને અમુક ન્યાયાધીશોએ પોતાના નિર્ભીક ચુકાદા આપ્યા હતા. માત્ર રાજસત્તાના ભયના ઓથાર હેઠળ કે રાજસત્તાના અહેસાનની લાલસા હેઠળ ન્યાયાધીશો કાર્ય કરવા પ્રેરાય એ ઘટના સમગ્ર ન્યાયતંત્રની અને એ સાથે સમાજતંત્રની તંદુરસ્તી જોખમાવે છે અને દેશને એકહથ્થુ સત્તા(fascism)ની એડી હેઠળ ધકેલી દે છે. તેથી જ ન્યાયતંત્રને રાજતંત્રથી સ્વતંત્ર – અળગું રાખવાની વ્યવસ્થા સ્વતંત્ર ભારતના બંધારણમાં કરવામાં આવી છે અને ન્યાયતંત્રના કાર્યક્ષેત્રમાં રાજતંત્ર કે પ્રભાવશાળી અર્થતંત્ર વગેરે દખલ ન કરી શકે એ માટે તેને જરૂરી સ્વાયત્તતા  પૂરતું રક્ષણ આપવામાં આવ્યું છે, અને મહાઅભિયોગ (impeachment) વિના ઉચ્ચ કક્ષાના ન્યાયાધીશને તેના સ્થાન પરથી દૂર ન કરી શકાય એવી જોગવાઈ પણ બંધારણમાં કરવામાં આવેલી છે.

ભારતના ન્યાયાધીશોમાં એમ. આર. જયકર, જે. એમ. શેલત, પ્રફુલ્લચંદ કણિયા, હરિલાલ જેકિસનદાસ ભગવતી, જે. સી. શાહ, વી. આર. કૃષ્ણ ઐયર, એચ. આર. ખન્ના, એમ. સી. ચાગલા, પી. બી. ગજેન્દ્રગડકર જેવાં કેટલાંક ઝળહળતાં નામો છે. ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિઓ નગેન્દ્રસિંઘ અને આર. એસ. પાઠક આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયમૂર્તિઓ તરીકે પણ નિમાયેલા. ભૂતકાળમાં ગુજરાતમાંથી એસ. બી. મજમુદાર અને જી. ટી. નાણાવટી ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ છે. વર્તમાન સમયમાં સર્વોચ્ચ ન્યાયાલય અને વડી અદાલતો જાહેર હિતની બાબતોમાં વધારે ને વધારે ગતિશીલ અભિગમ અપનાવી રહી છે. એ રીતે રાષ્ટ્રની સમુન્નતિમાં ન્યાયાધીશોનું યોગદાન બહુમૂલ્ય છે.

ચિનુપ્રસાદ વૈ. જાની