ન્યાયપંચાનન વિશ્વનાથ

January, 1998

ન્યાયપંચાનન વિશ્વનાથ (આશરે 16મી સદી) : સંસ્કૃત નવ્યન્યાયના જાણીતા લેખક ને બંગાળના વતની. તેમની અટક ભટ્ટાચાર્ય હતી. તેમના પિતાનું નામ વિદ્યાનિવાસ ભટ્ટાચાર્ય. પ્રખર વિદ્વાન ઉદયનાચાર્યની ‘કિરણાવલી’ પર રઘુનાથ શિરોમણિએ લખેલી ‘ગુણપ્રકાશવિવૃતિ’ પર ‘ભાવપ્રકાશિકા’ નામની અને રઘુનાથ શિરોમણિની ‘દીધિતિ’ પર ટીકા લખનાર રુદ્ર ભટ્ટાચાર્ય તેમના ભાઈ હતા. વિશ્વનાથે ન્યાયદર્શનનાં ગૌતમ અક્ષપાદે રચેલાં સૂત્રો પર એક વૃત્તિ લખી છે, પરંતુ તેમને કીર્તિ અપાવનારો ગ્રંથ તો, ‘ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી’ છે. સર્વપ્રથમ તેમણે નવ્યન્યાયના સિદ્ધાંતોને કારિકાઓમાં રજૂ કરતો ‘ભાષાપરિચ્છેદ’ નામનો ગ્રંથ રચ્યો. એ પછી રાજીવ નામના પોતાના શિષ્યની વિનંતીથી કરુણાભાવે પ્રેરાઈને વિશ્વનાથે પોતાના દુર્ગમ ગ્રંથને સમજાવતી ‘મુક્તાવલી’ કે ‘ન્યાયસિદ્ધાંતમુક્તાવલી’ નામનો ગ્રંથ રચ્યો. આ ગ્રંથ એટલો સુંદર છે કે તર્કશાસ્ત્રમાં જેમ ‘તર્કસંગ્રહ’નું તેમ નવ્યન્યાયમાં ‘ન્યાયસિદ્ધાંતમુક્તાવલી’નું મહત્વ છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ –  એ નામના ચાર ખંડોમાં નવ્યન્યાયના તમામ પદાર્થોની સરળ રીતે સમજ આપતો ગ્રંથ વિશ્વનાથનું શ્રેષ્ઠ પ્રદાન લેખાય છે.

પ્ર. ઉ. શાસ્ત્રી