નૌકાદળ : યુદ્ધ માટે ઉપયોગમાં લેવાતી સૈન્યયુક્ત નૌકાઓનો કાફલો. પ્રારંભમાં નૌકાદળમાં દેશના સમગ્ર વહાણના સમૂહને સામેલ કરવામાં આવતો. ભલે અન્યથા એ ચીજ-વસ્તુઓની હેરફેર માટે અથવા માછલી પકડવા માટે પણ હોય. આધુનિક સમયમાં નૌકાદળમાં યુદ્ધ માટે તૈયાર રાખવામાં આવતાં યુદ્ધજહાજો અને અનેક પ્રકારની લડાયક નૌકાઓ ઉપરાંત તેનાં પર કામ કરતા લશ્કરના કર્મચારીવર્ગનો પણ સમાવેશ કરવામાં આવે છે. યુદ્ધનૌકાઓ (cruisers), વિનાશિકાઓ (destroyers), વિમાનવાહક જહાજો (aircraft carriers), શત્રુપક્ષ દ્વારા સમુદ્રમાં ગોઠવેલી સુરંગો શોધી કાઢનાર જહાજો (mine sweepers), શસ્ત્રસજ્જ નૌકાઓ તથા તેની સહાયક નૌકાઓ (gunboats and other auxiliary crafts), ડૂબકકિશ્તીઓ (submarines) તથા યુદ્ધનૌકાઓના કાફલા સાથે જોડાયેલ તેની હવાઈ પાંખ (fleet air arm) – આ બધાંનો સમાવેશ નૌકાદળમાં થાય છે.

નૌકાદળના શરૂઆતના તબક્કામાં મોટી નૌકાઓ અથવા જહાજો પર આદિમ જાતિઓની સશસ્ત્ર ટોળીઓ અથવા દરિયાકિનારાનાં ગામોના સશસ્ત્ર લોકોને મૂકવામાં આવતા, જેમનું કામ દુશ્મનની નૌકાઓ કે જહાજો પર સવાર સશસ્ત્ર લોકો સાથે યુદ્ધ કરવાનું અથવા દરિયામાર્ગે દુશ્મનના વિસ્તાર પર આક્રમણ કરવાનું રહેતું. અપવાદરૂપ કિસ્સાઓમાં ખાસ યુદ્ધ માટે નૌકાઓ કે જહાજો બનાવવામાં આવતાં. ઈ. સ. પૂ. 483માં પર્શિયાના આક્રમણનો સામનો કરવા માટે ઍથેન્સે પોતાના યુદ્ધનૌકાઓના કાફલાનો વિસ્તાર કર્યો હતો. શાંતિના સમયમાં આવી નૌકાઓ છાપરા નીચે ઢાંકી રાખવામાં આવતી. હલેસાં વડે ચલાવવામાં આવતાં તૂતકવાળાં વહાણ એ સૌથી પ્રાચીન યુદ્ધનૌકાઓ ગણાય છે, જેમને ચલાવવા માટે ઘણાં હલેસાંની જરૂર પડતી હતી. આવી નૌકાઓ પર ઘણા માણસો રાખવા પડતા. આવાં વહાણો તેની આક્રમક શક્તિ માટે અણીદાર મોરા પર આધાર રાખતાં હતાં. આ પ્રકારની યુદ્ધનૌકાઓ ભૂમધ્ય સમુદ્રમાં બહુ મોટી સંખ્યામાં ઍલેક્ઝાંડરના, કાર્થેજના, રોમના, બાઇઝેન્ટિયમના, ઇટાલીના પ્રજાસત્તાકના અને અરબોના નૌકાકાફલામાં રાખવામાં આવતી. શત્રુપક્ષના આક્રમણને રોકવા-ટાળવા, ચાંચિયાગીરી અટકાવવા તથા વ્યાપાર માટેના પોતાના માર્ગોનું રક્ષણ કરવા માટે રોમન સામ્રાજ્યમાં મોટી સંખ્યામાં યુદ્ધ-નૌકાઓનો કાફલો રાખવામાં આવતો.

બાઇઝેન્ટાઇનના પ્રદેશમાં કૉન્સ્ટન્ટાઇન દ્વારા નવા રોમન સામ્રાજ્યનો વિસ્તાર થતાં પૌરસ્ત્ય સામ્રાજ્યના નૌકાદળની શરૂઆત થઈ એમ કહેવાય. મેસેડોનિયાના સાર્વભૌમ સમ્રાટોના શાસનકાળ (867થી 1056) દરમિયાન બાઇઝેન્ટાઇનના નૌકાદળે ઉચ્ચ કાર્યક્ષમતા હાંસલ કરી હતી. બારમી સદીમાં તુર્કોનાં આક્રમણોને કારણે પૂર્વ તરફનું સામ્રાજ્ય અસ્તવ્યસ્ત થતાં બાઇઝેન્ટાઇન નૌકાદળનો અસ્ત થયો. મધ્યયુગમાં ઇટાલીના પ્રજાસત્તાક ઘટકો તથા ભૂમધ્ય સમુદ્રના કાંઠા પરના રાજાશાહી હેઠળનાં રાજ્યો પાસે સારા પ્રમાણમાં નૌકાકાફલાઓ હતા અને તેના પરના સૈનિકો વિશ્વભરમાં જાણીતા હતા. ભૂમધ્ય સાગરનાં નૌકાદળોએ 1571ના લેપાન્ટ ખાતેના યુદ્ધમાં છેલ્લા દેખાવો કર્યા હતા. ત્યાર પછીના ગાળામાં યુદ્ધજહાજોમાં અને તદનુવર્તી નૌકાકાફલાઓના સ્વરૂપમાં ફેરફારો કરવામાં આવ્યા અને તેમની દરિયામાં હંકારવાની તથા આગળ ને આગળ ધપવાની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો.

ભૂતકાળના ઇતિહાસ પર દૃષ્ટિપાત કરતાં જણાશે કે વ્યાપાર અને વાણિજ્યને કારણે સત્તા અને સંપત્તિ – બંને બાબતોમાં સાગરખેડુ રાષ્ટ્રો જ આગળ આવ્યાં હતાં. ભારતની વહાણવટાની પરંપરા ઓછામાં ઓછી ત્રણ હજાર વર્ષ પુરાણી છે. આ માન્યતાને સમર્થન આપે તેવા પુરાવાઓ પણ સાંપડ્યા છે. ભારતના જહાજ બાંધનારાઓ દરિયામાં સક્ષમ રીતે વિહાર કરી શકે તેવાં વહાણો બનાવવામાં નિષ્ણાત હતા તો એ વહાણો દ્વારા દરિયા ખેડવામાં પણ ભારતના વહાણવટીઓ કુશળ હતા. પ્રાચીન યુગમાં દરિયાઈ માર્ગો દ્વારા દૂર દૂરના દેશો સાથેનો ભારતનો વ્યાપાર ઘણો વિકાસ પામ્યો હતો. એક ભારતીય સાગરખેડુની મદદથી વાસ્કો-દ-ગામા જે માર્ગ દ્વારા પોર્ટુગલથી ભારત સુધી આવી શક્યો તે માર્ગનો તે પહેલાં પણ ઘણા ભારતીય અને અરબ સાગરખેડુઓ ઉપયોગ કરતા આવેલા. 1509માં દીવથી દૂર લડાયેલા યુદ્ધનું જે પરિણામ આવ્યું તેને લીધે પોર્ટુગલને પોતાને અનુકૂળ એવી દરિયાઈ નીતિ ઘડવા માટેની મોકળાશ મળી અને તેને લીધે પૂર્વ તરફના સમુદ્રમાર્ગો પર યુરોપીય સત્તાધીશોની આણ પ્રવર્તવા લાગી, જે તે પછીનાં ચારસો વર્ષ સુધી ટકી રહી.

યુરોપમાં પોર્ટુગીઝ સત્તાના પતન પછી દરિયાઈ માર્ગો પરનું તેમનું વર્ચસ્ પણ ઘટવા લાગ્યું. બ્રિટિશ સત્તાવાળાઓએ ભારતમાંના તેમના પુરોગામી પોર્ટુગીઝ સત્તાવાળાઓના અનુભવનો પૂરેપૂરો લાભ લીધો અને દીવ, દમણ તથા ગોવા બાદ કરતાં ભારતના બાકીના પ્રદેશ પર પોતાનું સામ્રાજ્ય જમાવવામાં તેમણે સફળતા મેળવી. ભારત આઝાદ થયા પછી સ્વતંત્ર ભારતની સરકારે લશ્કરનો ઉપયોગ કરી દીવ, દમણ તથા ગોવામાંથી પોર્ટુગીઝ સત્તાવાળાઓનો પગદંડો હઠાવવો પડેલો.

બ્રિટિશરોએ 1607માં સૂરત ખાતે પોતાની પ્રથમ વ્યાપારી કોઠી ઊભી કરી. અઢારમી સદીમાં ભારતમાં ફ્રેન્ચ સત્તાનો ઉદય અને અસ્ત થયો. પૂર્વમાં બ્રિટિશ સત્તાના ઉદયની સાથોસાથ તેમને અનુકૂળ એવા વિસ્તારોમાં તેમનાં લશ્કરી મથકોની સ્થાપના અને વિકાસ થતાં ગયાં. ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં તેમની સર્વોપરીતા સ્થપાઈ. ઇજિપ્ત તેમની સત્તા હેઠળ આવ્યું. તે ઉપરાંત સાયપ્રસ પણ તેમના તાબામાં આવ્યું. પરિણામે ભૂમધ્યસમુદ્ર મારફત ભારત આવવા માટેનો માર્ગ તેમના માટે સંપૂર્ણપણે મોકળો થયો. તે અરસામાં રાતા સમુદ્રનો વિસ્તાર પણ તેમના સંપૂર્ણ કબજા હેઠળ આવી ગયેલો હતો. હિંદી મહાસાગરમાં ઇજિપ્તના અને આરબોના નૌકાનયનના સમયમાં એડનને જે મહત્વનું સ્થાન મળ્યું હતું તે બ્રિટિશ વર્ચસ હેઠળ તેને પુન: પ્રાપ્ત થયું. સમય જતાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની એક મજબૂત કડી તરીકે સુએઝ નહેરની ઉપયોગિતા અને મહત્તા સૌને સમજાઈ.

બ્રિટિશરોના આગમનના શરૂઆતના ગાળામાં, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના દરિયાઈ વિસ્તારમાં પોતાનાં માલવાહક જહાજોના રક્ષણાર્થે કેટલાંક વ્યાપારી વહાણોને શસ્ત્રસરંજામથી સજ્જ કર્યાં. સમય જતાં આ જ વહાણોનું ભારતીય નૌકાદળમાં રૂપાંતર થયું, જે પાછળથી ‘બૉમ્બે મરીન’ તરીકે જાણીતાં થયાં હતાં. વીસમી સદીના ઉદય સાથે આ નૌકાદળની ભૂમિકા બદલાઈ અને તેને સમૂહકવાયત માટે તથા જળરાશિ સર્વેક્ષણ સેવા માટે ઉપયોગમાં લેવાની શરૂઆત થઈ. તેને ‘રૉયલ ઇન્ડિયન મરીન’ નામ અપાયું. પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)માં તેણે સક્રિય ભાગ ભજવ્યો હતો અને તે ગાળા દરમિયાન તેનું વિસ્તરણ પણ કરવામાં આવ્યું હતું, જોકે યુદ્ધની સમાપ્તિ પછી કરકસરના પગલા તરીકે તેમાં છટણી કરવામાં આવી હતી. ત્યારપછી દેશના દરિયાઈ વિસ્તારના રક્ષણની જવાબદારી બ્રિટિશ નૌકાદળને સોંપવામાં આવી. તેણે ત્રિંકોમાલી ખાતે ઈસ્ટ ઇન્ડિયા ફ્લીટ નામક નૌકાકાફલો ઊભો કર્યો. રૉલીસન કમિટીની ભલામણ મુજબ સરકારે નૌકાદળનો એક નાનો લડાયક એકમ ઊભો કરવાનો પણ નિર્ણય લીધો હતો, જે સમય જતાં રૉયલ ઇન્ડિયન નેવી બન્યું હતું. આ નૌકાદળનું મુખ્ય મથક મુંબઈ ખાતે રાખવામાં આવ્યું હતું. ચૅટફીલ્ડ સમિતિએ કરેલી ભલામણ મુજબ ભારતીય નૌકાદળનાં વિસ્તરણ અને વિકાસ માટે યોજના ઘડી કાઢવામાં આવી. ભારતના સાગરકાંઠાનું રક્ષણ કરવાની જવાબદારી રૉયલ ઇન્ડિયન નૅવીએ પોતાને શિરે લીધી અને તે માટે બ્રિટિશ નૌકાદળના સહયોગથી ભારતના સાગરકાંઠાનું રક્ષણ કરી શકે તેવી છ યુદ્ધનૌકાઓ ધરાવતી સ્ક્વૉડ્રનની રચના કરી.

ભારતીય નૌકાદળમાં ભારતીય અધિકારીઓની ભરતીની શરૂઆત વીસમી સદીના ત્રીજા દાયકામાં થઈ હતી અને તદનુસાર દર વર્ષે એક વહીવટી અધિકારી અને એક ઇજનેરની ભરતી કરવાનું ધોરણ રાખવામાં આવ્યું હતું. ‘ડફરિન’ નામના વ્યાપારી નૌકાજહાજ પર તાલીમ પામેલા અધિકારીઓ માટે કેટલીક જગ્યાઓ આરક્ષિત રાખવામાં આવી હતી. બીજા યુદ્ધને કારણે નૌકાદળનું ફરજિયાત ઝડપી વિસ્તરણ થયું અને તેની સાથોસાથ ભારતીય નૌકાદળના ભારતીયીકરણ પર પણ ભાર મૂકવામાં આવ્યો. 1947માં દેશના ભાગલા થયા તેને લીધે ભારતીય નૌકાદળના પણ ભાગલા કરવા પડ્યા. ત્યારપછી સ્વતંત્ર ભારતના લશ્કરની એક પાંખ તરીકે તેના પુનર્નિર્માણની શરૂઆત થઈ.

કાશ્મીર પર 1947માં પાકિસ્તાને આક્રમણ કર્યું તે દરમિયાન તથા 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું તે યુદ્ધ દરમિયાન ભારતીય નૌકાદળને કોઈ કામગીરી કરવી પડી ન હતી; પરંતુ 1965માં પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું ત્યારે ભારતના સાગરકાંઠાનું રક્ષણ તથા દરિયાઈ માર્ગ દ્વારા ચાલતા ભારતના વ્યાપારનું રક્ષણ કરવાની જવાબદારી ભારતીય નૌકાદળને સોંપવામાં આવી હતી. 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન પાકિસ્તાની આક્રમણખોરોની ચાલને પરાસ્ત કરવા માટે જરૂરી વ્યૂહરચના ગોઠવવાની સત્તા ભારતીય નૌકાદળને આપવામાં આવી હતી. તેથી દેશના નૌકાદળે જૂનાં પણ સંખ્યાબંધ જહાજો, થોડીક સબમરીન, પ્રક્ષેપાસ્ત્ર સહિતની ચોકી કરનાર નૌકાઓ વગેરેને યુદ્ધમાં ઉતાર્યાં હતાં. ડિસેમ્બર, 1971ની ચોથી અને સાતમી તારીખે ભારતીય નૌકાદળે પાકિસ્તાનના કરાંચી બંદર પર ઉપરાઉપરી આક્રમણ કરીને તેને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. દેશના પૂર્વ તરફના સાગરકાંઠા પરના વિશાખાપટ્ટનમ્ બંદરની નજીકના વિસ્તારમાં ગાઝી નામક પાકિસ્તાની સબમરીનને ડુબાડી દીધી હતી. ભારતીય નૌકાદળના વિક્રાંત યદ્ધજહાજ પરનાં લડાયક વિમાનોએ પૂર્વ પાકિસ્તાનના ખુલના, જાલના, મૉંગલા, ચિત્તાગૉંગ તથા અન્ય બંદરો પર કપરા પ્રહાર કરવામાં સફળતા મેળવી હતી. બંગાળના ઉપસાગરમાંનાં પાકિસ્તાની બંદરો પર ભારતીય નૌકાદળે જડબેસલાક ઘેરો નાંખ્યો હતો. આ બધાંને પરિણામે પૂર્વ પાકિસ્તાનમાંના 70,000 પાક સૈનિકોને ભારતીય લશ્કર સામે શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી હતી.

વિશ્વના જુદા જુદા દેશોનાં નૌકાદળોમાં ભારતીય નૌકાદળ આઠમો ક્રમ ધરાવે છે. દેશના નૌકાદળમાં વિમાનવાહક યુદ્ધજહાજો, યુદ્ધનૌકાઓ, વિનાશિકાઓ, દૂરસંચાલિત પ્રક્ષેપાસ્ત્રો, નાના કદનાં લડાયક જહાજો, ચોકી કરતી સબમરીનો, દૂરસંચાલિત મિસાઇલોથી સજ્જ દ્રુતગતિ જહાજો, મિસાઇલ પેટ્રોલ નૌકાઓ, દરિયામાં ગોઠવેલી સુરંગો શોધી કાઢનાર નૌકાઓ, ઉભયચારી લડાયક જહાજો તથા સહાયક નૌકાઓનો સમાવેશ થાય છે.

ભારતના રાષ્ટ્રપતિ ભારતીય લશ્કરના સર્વોચ્ચ સેનાપતિ છે. ભારતીય નૌકાદળ કેન્દ્ર-સરકારના સંરક્ષણખાતા હસ્તક કામ કરે છે. દેશના નૌકાદળના વહીવટી વડા તરીકે ઍડમિરલનો હોદ્દો ધરાવતા નૌસેનાપતિ હોય છે. તેમના હસ્તક નૌકાદળનાં ત્રણ નૌસેનાક્ષેત્રો તથા એક નૌસેના-વિસ્તાર હોય છે; દા. ત., પશ્ચિમ નૌસેનાક્ષેત્રના સેનાપતિ મુંબઈ ખાતે, પૂર્વ નૌસેનાક્ષેત્રના સેનાપતિ વિશાખાપટ્ટનમ્ ખાતે અને દક્ષિણ નૌસેનાક્ષેત્રના સેનાપતિ કોચીન ખાતે મુખ્યાલયો ધરાવે છે. ગોવા વિસ્તાર માટે અલાયદા ફ્લૅગ ઑફિસર કમાન્ડિન્ગ હોય છે,

નૌકાદળનાં કાર્યો : (1) સાગરકાંઠા, બંદરો તથા દેશના અંદરના પ્રદેશોનું રક્ષણ કરવું. (2) કોઈ પણ જાતના વિક્ષેપ કે અવરોધો વિના દેશનો વિદેશ વ્યાપાર મુક્ત રીતે થઈ શકે તેની તજવીજ કરવી. (3) શત્રુપક્ષનાં નૌસેના-થાણાંનો કાં તો વિનાશ કરવો અથવા તેમને નકામાં બનાવી દેવાં. (4) દેશનાં ભૂમિદળ તથા વિમાનદળના સૈનિકો તથા તેમની શસ્ત્રસામગ્રી(supplies)નું રક્ષણ કરવું તથા તેમની હેરફેરમાં મદદરૂપ થવું. (5) શત્રુના દરિયાઈ વ્યાપારનો વિનાશ કરવો. (6) શત્રુપક્ષના પાયદળ, નૌકાદળ અને વિમાનદળની તથા શસ્ત્રસામગ્રીની હેરફેર અટકાવવી. (7) ભારતના લશ્કરના પાયદળ તથા વિમાનદળની કાર્યવહીમાં મદદરૂપ થવું. (8) પોતાના દેશના વિસ્તારમાં શત્રુના સૈનિકો સમુદ્રમાર્ગે દાખલ ન થાય તે માટે જરૂરી પ્રબંધ કરવો.

ભારતના નૌકાદળના હોદ્દાઓ : (1) ઍડમિરલ, (2) વાઇસ ઍડમિરલ, (3) રીઅર ઍડમિરલ, (4) કૉમડૉર, (5) કૅપ્ટન, (6) કમાન્ડર, (7) લેફ્ટનન્ટ કમાંડર, (8) લેફ્ટનન્ટ, (9) સબ-લેફ્ટનન્ટ, (10) માસ્ટર ચીફ પેટી ઑફિસર, (11) પેટી ઑફિસર, (12) લીડિંગ સીમૅન, (13) એબલ સીમૅન, તથા (14) સીમૅન.

ભારતના નૌકાદળમાં ઍડમિરલ ઑવ્ ધ ફ્લીટનો હોદ્દો નથી.

હસમુખ માણેકલાલ પટેલ

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે