નૌકામથક (Naval yard) : નૌકાસૈન્યના ઉપયોગ માટે બનાવાયેલ જરૂરી સવલતોથી સજ્જ બારું. નૌકામથક માટે આવશ્યક એવી પ્રાથમિક સવલતો અગત્યનાં વ્યાપારી બારાંઓમાં (commercial harbours) પણ સામાન્યત: ઉપલબ્ધ હોય છે. એથી ઘણી વખત નૌકામથક દેશનાં અગત્યનાં વ્યાપારી બંદરો સાથે સંલગ્ન હોય છે. ભારતમાં મુંબઈ તથા ગોવા બંદરે મુખ્ય નૌકામથકો પણ છે. ઓખા જેવાં અન્ય બંદરોએ પણ આવશ્યકતા મુજબ, મર્યાદિત પ્રમાણનાં નૌકામથક સ્થપાયાં છે.

નૌકામથક મુખ્યત્વે નૌકાસૈન્યની નૌકાઓના ઉપયોગ માટે હોય છે. એ સંદર્ભમાં, એનું સ્થાન (location) ઘણું મહત્વનું છે. યુદ્ધકાળમાં, નૌકાસૈન્યનાં જહાજો, પોતાના સંભવિત લક્ષ્ય પર ઝડપથી પહોંચી શકે એ માટે, સંભવિત લક્ષ્યસ્થાનની નજીકમાં નૌકામથક હોય એ જરૂરી છે. આથી, ભારતના લાંબા સમુદ્રકિનારા પર ઘણાં બંદરો છે; તેમ છતાં, મુંબઈ તથા ઓખા જેવાં બંદર, નૌકામથક સ્થાપવા માટે વિશેષ અનુકૂળ ગણાયાં છે.

નૌકામથક માટે અગત્યની જરૂરિયાતોને મુખ્યત્વે ત્રણ વિભાગમાં મૂકી શકાય : ભૂતલીય (landwards) જરૂરિયાતો, કિનારા પરની (shorebased) જરૂરિયાતો અને બારાકીય (harbourside) જરૂરિયાતો.

ભૂતલીય જરૂરિયાતોમાં, દેશનાં આંતરિક સ્થળો તથા મહત્વનાં કેન્દ્રો જોડે નૌકામથકને જોડતાં, અદ્યતન પ્રકારનાં રસ્તા, રેલવે તથા સંદેશાવ્યવહારની આધુનિક સવલતોનો સમાવેશ થાય. યુદ્ધકાળમાં, દેશનાં આંતરિક સ્થળોએથી ખાદ્ય વસ્તુઓ તથા અનેક પ્રકારનો માલસામાન નૌકામથક પર કશી રુકાવટ વિના, ઝડપથી અને સતત રીતે પહોંચાડી શકાય એ અત્યંત મહત્વનું છે. નૌકામથકને જોડતા રસ્તાઓ તથા રેલવે પરના પુલો વગેરે પણ, આ આવશ્યકતાને લક્ષ્યમાં રાખીને બનાવેલ હોય એ જરૂરી છે.

ભારતમાં મુંબઈ, કારવાર(ગોવા) અને રાય બીલીમંડલ (વિશાખાપટ્ટનમ્)માં અને કોચીમાં નૌકામથકો સ્થાપવામાં આવ્યાં છે.

કિનારા પરની જરૂરિયાતોમાં, નૌકાસૈન્યની નૌકાઓને તથા વિવિધ પ્રકારની એ નૌકાઓ પર ગોઠવાયેલાં અનેકવિધ શસ્ત્રાસ્ત્રો અને ઇલેક્ટ્રૉનિક તથા અન્ય પ્રકારનાં અદ્યતન ઉપકરણો અને સાધનોના સમારકામ માટે આવશ્યક વર્કશૉપ તથા આનુષંગિક સવલતોની ઉપલબ્ધતા; નૌકાઓનાં સંચાલન ઇત્યાદિ માટે અનેક પ્રકારના જરૂરી માલ-સામાનના સંગ્રહ માટેની સવલતો; સ્ફોટક પદાર્થો, દારૂગોળા, શસ્ત્રાસ્ત્રો ઇત્યાદિના સંગ્રહ માટે પર્યાપ્ત અને અલાયદી વ્યવસ્થા; નૌકાસૈન્યના અધિકારીઓ અને કર્મચારીગણ માટે જરૂરી સવલતો વગેરે ગણાવી શકાય. નૌકાઓના સમારકામની સવલતો અંગે યુદ્ધકાળમાં ક્ષતિગ્રસ્ત નૌકાઓની સંખ્યામાં અણધાર્યો વધારો થવાની શક્યતાઓ છે તેમજ શાંતિકાળમાં સમારકામની એ સવલતોનો નૌનિર્માણ (ship building) માટે ઉપયોગમાં લેવાની શક્યતાઓ પણ લક્ષમાં લેવાય છે.

ભારતમાં આવી સમારકામ માટે તથા નૌનિર્માણ માટે, મુંબઈ, ગોવા તથા કૉલકાતામાં અદ્યતન સુવિધાઓ છે, જેની વિગત નીચે મુજબ છે :

ક્રમાંક સ્થળ સ્થાપના-વર્ષ
1. મુંબઈ : મઝગાંવ ડૉક લિ. 1934
2. ગોવા : ગોવા શિપયાર્ડ લિ. 1957
3. કૉલકાતા : ગૉર્ડન રીચ બિલ્ડર્સ 1834
ઍન્ડએન્જિનિયર્સ લિ.

નૌકાસૈન્યની નૌકાઓ પર, સમકક્ષ વ્યાપારી નૌકાઓની સરખામણીમાં, ઘણી વધારે સંખ્યામાં અધિકારીઓ તથા કર્મચારીઓ હોય છે. કિનારા પરની અન્ય આવશ્યક સવલતોમાં પર્યાપ્ત માત્રામાં વીજળી, પીવાલાયક તથા અન્ય ઉપયોગો માટે જરૂરી પાણી, દબાણયુક્ત (compressed) હવા, અનેક પ્રકારના કચરાના નિકાલની ઉચિત વ્યવસ્થા વગેરે પણ જરૂરી છે.

નૌકામથક માટે બંદરીય અને બારાંકીય જરૂરિયાતો અત્યંત મહત્વની છે. નૌકાઓ ભરતી-ઓટના કે સામુદ્રિક પ્રવાહોના કે વાતાવરણનાં તોફાન વગેરેના કશા અવરોધ વિના ગમે ત્યારે સરળતાથી નૌકામથકમાં પ્રવેશી શકે અથવા નૌકામથકમાંથી સમુદ્રમાં જઈ શકે એ ઘણું અગત્યનું છે. એ માટે, નૌકામથકના બારામાં તથા બારાના પ્રવેશમાર્ગમાં પાણીની પર્યાપ્ત ઊંડાઈ તથા બારાના પ્રવેશમાર્ગ પર સામુદ્રિક તુફાનોની અસર ન્યૂનતમ હોય એ આવશ્યક છે. પ્રવેશમાર્ગ ઉચિત પ્રમાણમાં પહોળો હોય કે જેથી યુદ્ધકાળમાં, ક્વચિત્ ક્ષતિગ્રસ્ત નૌકા દ્વારા પ્રવેશમાર્ગ અવરોધયુક્ત બને તોપણ, અન્ય નૌકાઓની અવરજવર મુક્ત રીતે થઈ શકે. યુદ્ધકાળમાં દુશ્મનો બારાંના પ્રવેશમાર્ગને ક્ષતિગ્રસ્ત કે બિનઉપયોગી ન કરી શકે, એ પ્રકારે પ્રવેશમાર્ગ સુરક્ષિત રાખી શકાય એવી વ્યવસ્થા તથા સવલતોથી પ્રવેશમાર્ગને સજ્જ કરી શકાય એ પણ જરૂરી છે.

નૌકામથકનાં બારાંમાં, સુરક્ષિત અને પર્યાપ્ત ઊંડાઈવાળો વિશાળ જળવિસ્તાર હોય એ આવશ્યક છે કે જેથી નૌકાઓને નિર્ધારિત સંખ્યામાં, સરળતાથી સમાવી શકાય. નૌકાઓ માટે જરૂરી ધક્કાઓ, જેટીઓ ઇત્યાદિની ઉપલબ્ધતા ઉપરાંત, બારામાં નૌકાઓ લંગર પર કે મુરિંગ બોયાં પર સલામત રીતે લાંગરી શકાય એ માટે સાનુકૂળ જળવિસ્તાર હોવો જોઈએ.

સુસજ્જ અને યોગ્ય સ્થાન પર સ્થપાયેલ નૌકામથક, દેશના સાર્વભૌમત્વના રક્ષણનું એક અત્યંત મહત્વનું અંગ છે.

ભ. પ. કૂકડિયા