નૌકાચરિતમ્ (અઢારમી સદી)

January, 1998

નૌકાચરિતમ્ (અઢારમી સદી) : તેલુગુ પદ્યરૂપક. સંત સંગીતકાર કવિ ત્યાગરાજમાં વિવિધ પ્રતિભાઓનો સંગમ થયો હતો. એમના પિતા પરમ રામભક્ત હતા તથા માતા ભક્ત રામદાસનાં ગીતો તન્મયતાથી ગાતાં હતાં. પરિણામે ત્યાગરાજમાં ભક્તિ અને સંગીતનો સુંદર યોગ થયો હતો. એમણે રામભક્તિનાં હજારો પદો રચ્યાં હતાં. તે ઉપરાંત એમણે રામકથાને આધારે જે કેટલાંક સંગીતરૂપકો પણ રચ્યાં છે તેમાં ‘નૌકાચરિતમ્’ મુખ્ય છે. એમાં રામ વનવાસ માટે જતી વખતે નદી પાર કરવા એક નૌકામાં બેસવા જતા હતા ત્યારે તેના નાવિકે એમને એટલા માટે વાર્યા કે રખે ને રામના ચરણસ્પર્શથી અહલ્યાની જેમ હોડી પણ નારી બની જાય ! આ પ્રસંગ ત્યાગરાજે નાવિક, રામ, લક્ષ્મણ તથા સીતાનાં સંવાદ-ગીતો દ્વારા આલેખ્યો છે. સીતા આખરે રામના પગ ધોવાનું કહીને સમસ્યા ઉકેલે છે.

આ રૂપક આંધ્રપ્રદેશમાં આજે પણ ભજવાય છે. એમાં કાવ્યત્વ અને સંગીત બંનેનો સુભગ સમન્વય થયો છે. ત્યાગરાજની આ વિશિષ્ટ અને અત્યંત લોકપ્રિય કૃતિ છે.

ચન્દ્રકાન્ત મહેતા