નોસ્ત્રડેમસ (માઇકલ દ નોત્રેડેમનું લૅટિન નામ) (જ. 14 ડિસેમ્બર 1503, સેંટ રેમી, ફ્રાન્સ; અ. 2 જુલાઈ 1566, સલોં, ફ્રાન્સ) : ફ્રાન્સનો ભવિષ્યવેત્તા અને તબીબ. 1529માં એજનમાં તબીબ વ્યવસાયનો પ્રારંભ કર્યો; 1544માં સલોંમાં વસવાટ કર્યો. 1546–47માં પ્લેગ ફાટી નીકળતાં તેમણે જે નવતર અને મૌલિક પ્રકારની દવા અને સારવાર આપી તેથી ત્યાં તેમને બહોળી ખ્યાતિ મળી.
1547થી તેમણે આગાહી કરવાનું શરૂ કર્યું. 1555માં એ ભવિષ્યવાણી ‘સન્ચ્યુરીઝ’ નામે પુસ્તક રૂપે પ્રગટ કરી; તેમાં ચાર ચાર લયબદ્ધ કંડિકાનાં મુક્તકોનાં સો સોનાં ગુચ્છ રચવામાં આવ્યાં છે, તે શતક (century) તરીકે ઓળખાય છે. આ સમયે જ્યોતિષવિદ્યાની ભારે બોલબોલા હતી અને 1558માં પ્રગટ થયેલી આ પુસ્તકની બીજી સંવર્ધિત આવૃત્તિ ફ્રાન્સના રાજાને અર્પણ કરાઈ હતી. તેમની કેટલીક આગાહી સાચી નીવડતાં તેમને બહોળી પ્રસિદ્ધિ અને કીર્તિ સાંપડ્યાં. હેનરી બીજાની રાણી કૅથરિને તેમને રાજદરબારમાં બોલાવી પુત્રના જન્માક્ષર બનાવડાવ્યા હતા. રાજ્યારોહણ પછી ચાર્લ્સ નવમાએ તેમને ‘ફિઝિશન ઇન-ઑર્ડિનરી’ તરીકે નિયુક્ત કર્યા હતા.
તેમની આગાહીઓ વિશે અનેક વિવરણો અને ટીકાઓ લખાઈ છે. પુસ્તકો તથા હસ્તપ્રતોના નિરીક્ષણ માટે રૉમન કૅથલિક ચર્ચે નિયુક્ત કરેલ તંત્રે 1781માં તેની આગાહીઓને વખોડી કાઢી હતી. તેમાંનાં ગૂઢ તથા સાંકેતિક લખાણોને કારણે તેમજ ફ્રેન્ચ, સ્પૅનિશ, લૅટિન અને હિબ્રૂ ભાષાના શબ્દોના સંમિશ્રણથી તેમની આ આગાહીઓ અંગે અનેક વાદવિવાદો થતા રહ્યા છે. કેટલાક નિષ્ણાતો આ આગાહીઓને અમુક બનેલી ઘટનાઓ સાથે સાંકળીને તેનું અર્થઘટન કરે છે. લંડનની ભીષણ આગ (1666), રાણી ઇલિઝાબેથના અવસાનનું વર્ષ (1603), ફ્રેન્ચ ક્રાંતિની વિગતો, નેપોલિયન તથા હિટલરનો ઉદય, બીજું વિશ્વયુદ્ધ જેવી ઘટનાઓ આ રીતે મૂલવાઈ છે.
તેમની આગાહીઓ સાત સદીને આવરી લે છે, પણ તેમાં ક્યાંય મહિના કે વર્ષનો ઉલ્લેખ કરાયો નથી. અપવાદ રૂપે જુલાઈ, 1999નો ઉલ્લેખ છે, એ સમયે ‘સર્વત્ર મોટી ખાનાખરાબી થશે’ (‘all Hell Will break loose’) એવી આગાહી કરાઈ છે તે કદાચ અણુયુદ્ધજન્ય સર્વનાશને લગતી હોઈ શકે. પોતાના મૃત્યુની તારીખ અંગે પણ તેમણે આગાહી કરી હતી.
શિવપ્રસાદ રાજગોર