નોહ : બાઇબલમાં જણાવ્યા પ્રમાણે આદમનો 10મો વંશજ. નોહ (Noah) એના યુગનો એકમાત્ર સદગુણી અને ઈશ્વરથી ડરનારો માણસ હતો. ભવિષ્યમાં આવનાર મહાવિનાશક પૂર દરમિયાન ઈશ્વરે એને, એના કુટુંબને અને પશુપક્ષીઓની સૃષ્ટિને બચાવી લેવાનું નક્કી કર્યું હતું. તેથી તેને અગાઉથી ભવ્ય જહાજ બાંધવાની સૂચના આપી હતી. એ લોકોને ચેતવણી આપતો હતો કે ભવિષ્યમાં ભયંકર જળપ્રલય થવાનો છે. એ પ્રલયમાંથી બચવા એણે એક મોટું અને મજબૂત જહાજ બાંધ્યું હતું. 40 દિવસ અને 40 રાત સુધી સતત વરસાદ પડ્યો ત્યારે એણે પોતાના કુટુંબ અને દરેક પશુ તથા પક્ષીની એક જોડી (એક નર અને એક માદા) સાથે એમાં આશ્રય લીધો. સતત વરસાદને લીધે વધેલી પાણીની સપાટીમાં પર્વતો ડૂબી ગયા અને અન્ય જીવસૃષ્ટિનો વિનાશ થયો. છતાં નોહનું જહાજ સલામત રીતે તરતું રહ્યું. વરસાદ બંધ થયા પછી પૂરનાં પાણી ઊતર્યાં અને નોહના જહાજે અરારત પર્વતમાળા પર ઉતરાણ કર્યું. નોહે ઈશ્વરને પ્રાર્થના કરી એમને આહુતિઓ આપી. ઈશ્વરે પણ મેઘધનુષ્ય દ્વારા ફરીથી આવો જળપ્રલય નહિ કરવાની ખાતરી આપી. આમ, જળપ્રલયના સંપૂર્ણ વિનાશ પછી નોહનું કુટુંબ તથા એના જહાજમાંની જીવસૃષ્ટિ બચી ગઈ. એમાંથી માનવજાત તથા અન્ય જીવજગતનો વિસ્તાર થયો એવી કથા છે. એક સુમેરિયન મહાકાવ્યમાં પણ આવા જળપ્રલયની વાત કહેવામાં આવી છે.

નોહને શેમ, હામ અને જફેઠ (Japheth) નામના ત્રણ પુત્રો હતા. શેમમાંથી સેમિટિક જાતિનો વિકાસ થયો, જેમાં હિબ્રૂ અને આરબ લોકોનો સમાવેશ થાય છે. હેમમાંથી હેમિટિક જાતિનો વિકાસ થયો જ્યારે જફેઠમાંથી એશિયા માઇનર અને યુરોપની કેટલીક જાતિઓનો વિકાસ થયો.

મુગટલાલ પોપટલાલ બાવીસી