નૉસોસ : ક્રીટમાં આવેલો ભવ્ય રાજમહેલ. પ્રાગૈતિહાસિક ઇજિપ્તને સમાંતર મધ્યપૂર્વની સંસ્કૃતિઓની પણ આગવી સ્થાપત્ય-શૈલીઓ વિકસેલી હતી. ઈ. સ. પૂ. આશરે 3000 વર્ષના અરસામાં મેસોપોટેમિયાની પ્રજા ઈંટોની ભવ્ય ઇમારતો બાંધતી. આ સંસ્કૃતિની કળા નાઇલની સંસ્કૃતિઓ સાથે મળતી આવતી હતી. વળી તેની ધાર્મિક સ્થાપત્યો અને વસવાટોના બાંધકામની પ્રણાલીએ એક ભવ્યતાની સીમા સિદ્ધ કરી હતી. ઇજિપ્તના પિરામિડની જેમ જ એક શહેરના ભાગ રૂપે આવેલું ઝીગુરાત ધાર્મિક સ્થાપત્યની અપ્રતિમ સિદ્ધિ ગણાય છે.

ક્રીટ ખાતેના નૉસોસના વિરાટ મહેલનો આલેખ : ઈ. સ. પૂ. 1400ના અરસામાં તેનો વિનાશ થયો તે પૂર્વે તે ઈ. સ. પૂ. સોળમી કે પંદરમી સદીમાં કેવો હતો તે ઉપરના માનચિત્રમાં દર્શાવ્યું છે. અંતરમાપ 1:1000 છે. વિશાળ આંગણાનું માપ 55 મી. × 30 મી. છે. તેને ફરતાં વિવિધ ભવનો બાંધેલાં હતાં : નિવાસો, સિંહાસનકક્ષ, લંબકક્ષી નિવાસો, અલંકૃત પ્રવેશદ્વારો અને ભંડારો – આ રીતે એવી જટિલ રચનાનો ઉદભવ થયો જેના પરિણામે ભુલભુલામણીને લગતી કેટલીક દંતકથાઓ પણ પ્રચલિત બની.

આ પ્રણાલીની વચ્ચે ક્રીટમાં નૉસોસનો મહેલ પણ એક ભવ્ય આયોજનનું દૃષ્ટાંત પૂરું પાડે છે. ઈ. સ. પૂ. 1400માં તેનો નાશ થયો. તેના ભગ્ન અવશેષો પરથી તે વખતનાં તેનાં બાંધકામોની માહિતી મળે છે. આ વિશાળ રાજમહેલ એક ભવ્ય પટાંગણ(લગભગ 55 મી. × 30 મી.)ને ફરતો રચવામાં આવેલો, જેમાં રહેણાક, રાજનિવાસ અને બીજી અન્ય સુવિધાઓની જોગવાઈ હતી. તેના નકશા પરથી તેની વિશાળતાનો ખ્યાલ આવશે અને તેની રચનામાં અતિવિકસેલ જરૂરિયાતોનું આયોજન ભુલભુલામણી જેવું છતાં પણ વિસ્તૃત રહેણીકરણીનો ખ્યાલ આપી રહે છે.

રવીન્દ્ર વસાવડા