નૉર્વે

ઉત્તર યુરોપના સ્કૅન્ડિનેવિયન દ્વીપકલ્પમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ તે 57° 53´થી 71° 0´ ઉ. અ. અને 5° 0´થી 31° 15´  પૂ. રે. વચ્ચે આવેલો છે. સ્વાલબાર્ડ અને યાન માઇએન ટાપુ સહિત તેનું કુલ ક્ષેત્રફળ 3,23,895 ચોકિમી. જેટલું છે. ઉત્તરે આર્ક્ટિક મહાસાગરનો બેરન્ટ્સ સમુદ્ર, વાયવ્ય તેમજ પશ્ચિમે નૉર્વેજિયન સમુદ્ર અને નૈર્ઋત્ય તેમજ દક્ષિણે ઉત્તર સમુદ્ર આવેલો છે; પૂર્વનો ભૂમિભાગ સ્વીડન સાથે તથા ઉત્તર તરફનો થોડોક ભાગ ફિનલૅન્ડ સાથે અને થોડોક ભાગ રશિયા સાથે સરહદથી જોડાયેલો છે. નૈર્ઋત્ય તરફ આવેલો ઉત્તર સમુદ્ર તેને બ્રિટિશ ટાપુઓથી અને દક્ષિણ તરફ આવેલો સ્કાગેરકનો સમુદ્રી ભાગ તેને ડેન્માર્કથી અલગ કરે છે. નૉર્વેને અધીન અન્ય પ્રદેશોમાં યાન માઈએન ટાપુ, બેયર ટાપુ, બોવેટ ટાપુ, પેટર તથા ક્વીન મૉડલૅન્ડનો સમાવેશ થાય છે. નૉર્વેનું ઈશાન–નૈર્ઋત્ય દિશામાં વધુમાં વધુ અંતર આશરે 1752 કિમી. અને વાયવ્ય–અગ્નિ દિશામાં વધુમાં વધુ અંતર 430 કિમી. છે. ઉત્તર તથા મધ્ય ભાગ મહદ્અંશે સાંકડા ભૂમિ પટ્ટા રૂપે છે, માત્ર દક્ષિણ ભાગ જ પૂર્વ–પશ્ચિમ 160 કિમી. જેટલી પહોળાઈ ધરાવે છે. દેશનો ઉત્તર તરફનો ભાગ ઉત્તર ધ્રુવવૃત્ત(arctic circle)ની અંદર આવી જાય છે. સમગ્ર યુરોપનું વધુમાં વધુ ઉત્તર તરફનું શહેર હૅમરફેસ્ટ (70° 30´ ઉ. અ. અને 23° 45´ પૂ. રે.) નૉર્વેમાં આવેલું છે. નૉર્વેનો આ ઉત્તરી ભાગ ઉનાળામાં બે માસના ગાળા માટે ચોવીસે કલાક સૂર્યપ્રકાશિત રહે છે અને સૂર્ય ક્ષિતિજ પર જ રહે છે. આ કારણે નૉર્વે ‘મધ્ય રાત્રિના સૂર્યનો પ્રદેશ’ પણ કહેવાય છે; એ જ રીતે શિયાળામાં બે માસ માટે સૂર્ય બિલકુલ ઊગતો જ નથી, માત્ર રાત્રિઓ જ હોય છે.

ભૂપૃષ્ઠ : દેશનું મોટાભાગનું ભૂપૃષ્ઠ અસંખ્ય સાંકડી ખીણો સહિતના પહાડી પ્રદેશથી છવાયેલું છે, પરંતુ પૂર્વ તરફના ભાગો પ્રમાણમાં સપાટ છે, જેની સરેરાશ ઊંચાઈ 480–500 મીટર જેટલી છે. સમગ્ર દેશનો પાંચમો ભાગ 150 મી.થી નીચો છે. યોટુનહેમન અહીંની સર્વોચ્ચ ગિરિમાળા છે, તેનું સર્વોચ્ચ શિખર ગાલ્હપિગેન 2472 મી. ઊંચું છે. ડોવ્રેફેલ અને લેંગફેલ પર્વતો દક્ષિણ નૉર્વેમાં આવેલા છે. ઑસ્લો નજીકનો દેશનો અગ્નિતરફી કિનારાનો ભાગ નીચાણવાળો ગણાય છે. ઉત્તર તરફના પર્વતો પર હિમરેખાની ઊંચાઈ 900 મીટર પર અને દક્ષિણ તરફના પર્વતો પર તે 1500 મીટર પર આવેલી છે.

નૉર્વે

નૉર્વેને 3420 કિમી. લાંબો દરિયાકિનારો મળેલો છે. દેશના પશ્ચિમ તરફના દરિયાકિનારે ઊતરી આવતો પહાડી ઢોળાવ કરવતના આંકા જેવો બની રહેલો છે, ત્યાં અસંખ્ય ફિયૉર્ડ (બે ભેખડોની વચ્ચે પ્રવેશેલ દરિયાના પાણીનો ફાંટો) જોવા મળે છે. પ્લાયસ્ટોસીન હિમયુગ દરમિયાન વહેતી હિમનદીઓએ પહાડી ઢોળાવોનું ધોવાણ કરવાથી આ ફિયૉર્ડ રચાયા છે. ફિયૉર્ડ નૉર્વેના કિનારાનું વિશિષ્ટ લક્ષણ બની રહેલું છે. આ પૈકીનું લાંબામાં લાંબું અને ઊંડામાં ઊડું ફિયૉર્ડ ‘સોગ્ને ફિયૉર્ડ’ છે. ફિયૉર્ડને લીધે આખાયે સાગરકાંઠે ટાપુઓ અને કુદરતી બંદરોની શૃંખલા રચાઈ છે. આશરે દોઢેક લાખ જેટલા નાના ટાપુઓ અહીં આવેલા છે, તે પૈકીનો લોફોટેન ટાપુસમૂહ મોટામાં મોટો છે, આ બધા ટાપુઓ પશ્ચિમ દિશામાંથી આવતાં આટલાંટિકનાં આંધી–તોફાનોને અવરોધે છે અને કાંઠાના વિસ્તારને સલામત બનાવે છે.

બર્ગેનથી પૂર્વમાં 6400 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલ હારડાંગરવિદાનું વેરાન મેદાન આવેલું છે. ઉત્તરનું ફિનમાર્ક્સવિદનું મેદાન લેપોનું નિવાસસ્થાન છે. અહીંની નદીઓ સાંકડી અને વેગીલા પ્રવાહવાળી છે. ગ્લૉમા અહીંની સૌથી લાંબી (640 કિમી.) નદી છે. અહીંની જળપરિવાહરચના હિમયુગનો કાળ વીતી ગયા પછી (આશરે ઈ. સ. પૂ. 7000 વર્ષ) વિકસી છે. ઊંચાણવાળા ભાગોમાંથી નાની નાની નદીઓ નીકળી સમુદ્રને મળે છે, માત્ર દેશના અગ્નિભાગમાં જ જળપરિવાહરચનાની ગૂંથણી તૈયાર થઈ છે. ગ્લૉમા ઉપરાંત લૅગન અને રૌમા નદીઓ નીચાણવાળા ભાગોમાં થઈને વહે છે. દરિયાને મળતાં અગાઉ ઑસ્લો નજીક તે એકબીજીમાં જોડાઈ જાય છે.

જમીનો : પ્લાયસ્ટોસીન કાલખંડ દરમિયાન અહીંની મોટાભાગની જમીનોનું ધોવાણ થઈ ગયેલું છે. નવી જમીનો બનવા માટે હજી પૂરતો સમય મળી શકેલ નથી. પર્વતપ્રદેશોનાં સપાટી-પોલાણોમાં પિટ (કનિષ્ઠ કોલસો) તૈયાર થયેલો છે. ખીણપ્રદેશોના તળ પર હિમનદીજન્ય નિક્ષેપો પથરાયેલા છે, તે પથરાળ અને ઘણા ઓછા ફળદ્રૂપ છે, વળી વરસાદને કારણે આવી જમીનોમાંથી જરૂરી પોષકદ્રવ્યો સ્રાવ પામી ગયાં છે. તેથી મોટાભાગની જમીનો પોડસોલ પ્રકારની બની રહી છે. મોટાભાગની જમીનો ખેતી માટે ઉપયોગી નથી.

અહીં જોવા મળતાં પ્રાણીઓમાં રીંછ, રેઇન્ડિયર, વરુ, બારસિંગા, લાલ હરણ તથા સસલાંનો સમાવેશ થાય છે. પક્ષીઓમાં ગીધ, ચીલ, કબૂતર, બતક અને કાગડા મુખ્ય છે, તે ઉપરાંત પ્રજનન માટે બહારથી સ્થળાંતર કરીને કેટલાંક પક્ષીઓ અહીં આવે છે. સમુદ્રમાંથી કૉડ, હેડોક, હેરિંગ, મૈકરેલ, સ્પ્રૈટ ફ્લૅટફિશ, હવેલ અને સીલ જેવી અને નદીઓમાંથી સાલમન અને ટ્રાઉટ જેવી માછલીઓ મળી રહે છે.

ખેતી, પશુપાલન અને મત્સ્યઉદ્યોગ : નૉર્વેની ભૂમિનો 60 % વિસ્તાર પહાડી છે, 20 % વિસ્તાર ઉત્પાદકીય વનોથી આચ્છાદિત છે, માત્ર 3 % જેટલો ભાગ જ ખેતીલાયક છે. અહીંનું ઠંડું, શુષ્ક વાતાવરણ ખેતી માટે પ્રોત્સાહક નથી. ખીણોની ફળદ્રૂપ જમીનો જ ખેતીના ઉપયોગમાં લેવાય છે. માત્ર જવ, ઘાસ, ઓટ અને બટાટાની ખેતી થાય છે. ખેતીની જમીનોની અછતને કારણે પહાડી મેદાનોમાં પશુપાલનની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે અને તેને સહાયક દૂધ-ઉદ્યોગ પણ મહત્વનો બન્યો છે. ખેડૂતો પૂરક આવક માટે વન-ઉદ્યોગો તરફ વળ્યા છે અને લાકડાં તે પૈકીની મુખ્ય પેદાશ છે. નૉર્વેની નિકાસમાં 12 % જેટલો હિસ્સો લાટી-ઉદ્યોગનો છે. મત્સ્ય-ઉદ્યોગ પણ ખેતીના વિકલ્પ તરીકે વિકસ્યો છે. દર વર્ષે 13થી 20 લાખ ટન માછલીઓ પકડીને, પ્રક્રિયા કરીને, તેનો મોટો ભાગ નિકાસ કરવામાં આવે છે. દુનિયાભરમાં પકડવામાં આવતી માછલીઓ પૈકી પાંચમો ભાગ નૉર્વે પૂરો પાડે છે.

ખનિજો : અહીં ઉત્પન્ન થતી ખનિજ-પેદાશોમાં ઇલ્મેનાઇટ, લોહધાતુખનિજો, તાંબું, સીસું, જસત, મોલિબ્ડિનાઇટ, પાયરાઇટ, ચૂનાખડક, ખનિજતેલ, કુદરતી વાયુ અને કોલસાનો સમાવેશ થાય છે.

ઊર્જા : નૉર્વેમાં પાણી એ મૂલ્યવાન શક્તિસ્રોત છે. પહાડોમાંથી નીકળતી વેગીલી નદીઓ જળવિદ્યુત ઉત્પન્ન કરવાની સુગમતા કરી આપે છે. ઉત્તર સમુદ્રના કાંઠાની સમીપ 1970થી ખનિજતેલ અને કુદરતી વાયુના ભંડારો મળી આવ્યા છે. સ્વાલબાર્ડના ઉત્તર ધ્રુવીય ટાપુઓમાંથી કોલસો મળે છે. ઉદ્યોગ અને વાહનવ્યવહારના ક્ષેત્રે તેનો ઉપયોગ થતો રહ્યો છે. 1980ના દાયકાના ઉત્તરાર્ધમાં નૉર્વેના ઊર્જાસ્રોતોમાં જળવિદ્યુતનું પ્રમાણ 48 % જેટલું, ખનિજતેલ-વાયુ આધારિત વિદ્યુતનું પ્રમાણ 42 % જેટલું, જ્યારે કોલસા અને લાકડાંનું પ્રમાણ 10 % જોટલું હતું.

આર્થિક પ્રવૃત્તિઓ : નૉર્વેના સેવા-ઉદ્યોગ(સેવાઓ ઊભી કરતી પ્રવૃત્તિ)માં દેશના 44 % કામદારોનો સમાવેશ થાય છે. સામાજિક, સામુદાયિક અને ખાનગી સેવાઓમાં તે રોકાયેલા હોય છે. શિક્ષણ, શાસન, આરોગ્ય, બૅન્કિંગ, પ્રસારણ અને માહિતી, વીમા, વેપાર તેમજ પરિવહનનો આ સેવાઓમાં સમાવેશ થાય છે.

હિમાચ્છાદિત પર્વતીય ઢોળાવોનો રમણીય પ્રદેશ નૉર્વે

અન્ય યુરોપીય ઔદ્યોગિક દેશોની તુલનામાં નૉર્વેમાં ઉત્પાદન-ઉદ્યોગ(manufacturing industry)ની શરૂઆત મોડી થઈ છે. કોલસો અને ખનિજતેલ અગાઉ વધુ આયાત કરવું પડતું હોવાથી ઉત્પાદનખર્ચ વધુ હતું. 1900 પછીના ગાળામાં જળવિદ્યુત-ઊર્જાના ઉપયોગથી ઉત્પાદનક્ષમતા વધી. નૉર્વેનાં અડધા ભાગનાં કારખાનાં તો ઑસ્લોના વિસ્તારમાં છે. ખનિજતેલ, રસાયણો, ધાતુઓ અને ધાતુપેદાશો, તૈયાર ખોરાક, લાકડાં, લાકડાંનો માવો અને કાગળ મહત્વનાં ઉત્પાદનો છે. નૉર્વે ઍલ્યુમિનિયમની નિકાસમાં અગ્રણી છે; આ ઉપરાંત કપડાં, ઇલેક્ટ્રિક મશીનો, રાચરચીલું અને વહાણોનું ઉત્પાદન લેવાય છે.

પરિવહન : નૉર્વેના પહાડી ભૂપૃષ્ઠ પશ્ચિમના સાંકડા ભૂમિપટને લીધે પરિવહનનું વિસ્તૃત માળખું વિકસી શક્યું નથી, માત્ર અગ્નિ-વિભાગમાં તેનો વિકાસ થયો છે. 20 % જેટલા માર્ગો જ પાકા છે. સાગરકાંઠે વહાણવટાનો સારો વિકાસ થયો છે. ઉત્તર નૉર્વેમાં રેલવેવ્યવહાર નથી, આથી લોકોને માર્ગવ્યવહારનો ઉપયોગ કરવો પડે છે, રેલવે સંપૂર્ણપણે અને વિમાની સેવા અંશત: સરકારી માલિકીની છે. જુદાં જુદાં શહેરોને નિયમિત વિમાની સેવાની સુવિધા મળે છે. ઑસ્લો, બર્ગેન અને સ્ટાવંગર મુખ્ય વિમાની મથકો છે.

આયાતનિકાસ : નૉર્વેની મહત્વની આયાતોમાં વહાણો, ઇંધન, રસાયણો, ખાદ્યસામગ્રી અને પશુઓ તેમજ જરૂરી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે, જ્યારે મહત્વની નિકાસોમાં વહાણો, નૌકાઓ, ખનિજતેલ અને તેની પેદાશો, ધાતુઓ (ઍલ્યુમિનિયમ, લોખંડ-પોલાદ) અને ધાતુપેદાશો, રસાયણો, ખાદ્યપદાર્થો, પશુઓ, માછલીઓ, લાકડાનો માવો અને કાગળનો સમાવેશ થાય છે. આયાત-નિકાસની વેપારતુલા અસંતુલિત છે. નિકાસ કરતાં આયાતનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે. આજે નૉર્વેમાં ઉત્પાદનખર્ચનો દર દુનિયાભરમાં ઊંચામાં ઊંચો છે. દેશના વેપારી અર્થતંત્રમાં આ ખર્ચ ખોટ માટે જવાબદાર ગણાય છે.

વસ્તી : 2016માં નૉર્વેની વસ્તી આશરે 52,52,166 જેટલી હતી. વસ્તીની ગીચતાનું પ્રમાણ સ્થાનભેદે દર ચોકિમી. 11થી 13 વ્યક્તિનું છે. શહેરી વસ્તીનું પ્રમાણ 74 % અને ગ્રામીણ વસ્તીનું પ્રમાણ 26 % છે. ઉત્તર નૉર્વેની વસ્તી ખૂબ પાંખી અને ઓછી છે. શહેરીકરણ ઓછું છે. કુલ વસ્તીના 65 % અગ્નિ ભાગની ખીણોમાં અને દક્ષિણ ભાગના કિનારા પર વસે છે. જન્મદર, હજારે 13.3 જેટલો છે. આયુમર્યાદા દુનિયામાં અહીં સૌથી વધુ છે (પુરુષો 72 વર્ષ અને સ્ત્રીઓ 78 વર્ષ). બાળમૃત્યુ દર હજારે 10.5 જેટલો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી જન્મદર અને મૃત્યુદરમાં ક્રમશ: ઘટાડો થતો રહ્યો છે. ઑસ્લો તેનું પાટનગર અને સૌથી મોટું (વસ્તી: 6,58,390 (2016)) શહેર છે. 1624થી 1925 સુધી તે ક્રિશ્ચિયાનિયા તરીકે ઓળખાતું હતું. બર્ગેન, થ્રોન્ડેઇમ, સ્ટાવંગર અન્ય મુખ્ય શહેરો છે.

લોકો : નૉર્વેનાં જાતિજૂથોમાં જર્મનિક(નૉર્ડિક, આલ્પાઇન, બાલ્ટિક વંશના લોકો) 97 % જેટલું પ્રમાણ ધરાવે છે. નૉર્વેના લોકો મૂળ નૉર્ડિક જાતિના છે. મૂળ મૉંગોલિયન વતની ગણાતા લેપ લોકો (lapps) લઘુમતી(20,000)માં છે. તેમનું અહીંનું વતન લેપલૅન્ડ કહેવાય છે. તેઓ અર્ધ વિચરતી જાતિ છે અને રેઇન્ડિયર ચરાવે છે. નૉર્વેવાસીઓ સ્કૅન્ડિનેવિયન કુળના છે અને ડૅનિશ તેમજ સ્વીડિશ પ્રજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. ઉત્તરી નૉર્વેના લેપલૅન્ડમાં વસતા લૅપ્સ ઉપરાંત ઘણા ફિનિશિયનો પણ અહીં વસે છે. પરદેશી વસાહતીઓમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કસ્તાન, આફ્રિકા, અગ્નિ એશિયા અને યુરોપના લોકો પણ છે.

ભાષાધર્મ : નૉર્વેની મુખ્ય ભાષા નૉર્વેજિયન છે. તે જર્મનકુળની ભાષા છે. તે ડૅનિશ અને સ્વીડિશ ભાષાઓ સાથે સંબંધિત છે. આ ભાષાનાં બે સ્વરૂપો – બોકમાલ (અગાઉની રિક્સમાલ) અને નીનોર્સ્ક (અથવા લૅન્ડસ્માલ) પ્રચલિત છે. બોકમાલ વધુ વ્યાપક છે. અહીંના લોકો પ્રૉટેસ્ટંટ (લ્યૂથેરિયન) ધર્મ-પંથી છે.

શિક્ષણઆરોગ્ય : નૉર્વેમાં નિક્ષણ નિ:શુલ્ક અને 16 વર્ષની વય સુધી ફરજિયાત છે. ત્યારબાદ વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ પોતાની રુચિ અનુસાર કરી શકે છે. અહીં સાક્ષરતાનો આંક 100 % છે. ચાર યુનિવર્સિટીઓ સહિત અનેક, નાનીમોટી વ્યાવસાયિક અને ઘણી શૈક્ષણિક સંસ્થાઓ છે. દેશમાં નિ:શુલ્ક રાષ્ટ્રીય આરોગ્યવ્યવસ્થા ગોઠવાયેલી છે.  મોટાભાગના ડૉક્ટરો હૉસ્પિટલોમાં સેવા આપે છે. આ ઉપરાંત સામાજિક સુરક્ષાપ્રથા નાગરિકોના જીવનધોરણને અમુક કક્ષા સુધી જાળવી રાખવામાં સારી એવી મદદ કરે છે.

સાહિત્ય અને કલા : મધ્યયુગના પ્રારંભમાં નૉર્સમાં લખાયેલી વાઇકિંગ્ઝની દંતકથાઓ નૉર્વેનું જૂનામાં જૂનું સાહિત્ય ગણાય છે. હેરોલ્ડ પહેલાના શાસન દરમિયાન જે નૉર્વેજિયનો આઇસલૅન્ડમાં જઈને વસેલા તેમને અહીંનાં પૌરાણિક પદ્યો (અને કથાઓ) કંઠસ્થ હતાં, તેના ઉલ્લેખો આઇસલૅન્ડનાં લખાણોમાં જોવા મળે છે. ઘણુંખરું તત્કાલીન સાહિત્ય નૉર્સનાં લખાણોમાં જળવાયેલું છે. 18મી અને 19મી સદીમાં નૉર્વે અને ડેન્માર્કના સાહિત્યમાં મોટાભાગની વિગતોને ફરીથી વણી લેવામાં આવેલી છે. 1814માં ડેન્માર્કના શાસન હેઠળથી નૉર્વે સ્વતંત્ર થયા પછી નૉર્વેના સાહિત્યને વેગ મળ્યો. 20મી સદીના સાહિત્યમાં પણ તેનાં જૂનાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં દર્શન થાય છે.

નૉર્વેજિયન ભાષાભાષી લોકોએ પ્રકાશનના ક્ષેત્રે સારી એવી સિદ્ધિ હાંસલ કરી છે, લેખકોએ સાહિત્યક્ષેત્રે મહત્વનું પ્રદાન આપ્યું છે. અતિપ્રસિદ્ધ નાટ્યકાર હેન્રી ઇબસન આધુનિક નાટકોનો પિતા ગણાય છે. ત્રણ નૉર્વેજિયન લેખકો – બ્યોન્સ્ટર્ન બ્યોર્નસન, નુટ હેમસન અને સિગ્રીડ અન્ડસેટને સાહિત્ય માટેના નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે. અભિવ્યક્તિનિષ્ઠ કળાશૈલી પર ચિત્રકાર ઍડવર્ડ મુન્ચની સારી એવી હથોટી હતી. ઑસ્લોના ફ્રોગ્નર પાર્ક પ્રસિદ્ધ શિલ્પકાર ગુસ્તાવ વિગલેન્ડનાં શિલ્પોથી સુશોભિત થયેલો છે. નૉર્વેના જાણીતા સંગીતરચનાકાર ઍડવર્ડ ગ્રેગે નૉર્વેનાં લોકગીતો અને નૃત્યો પર આધારિત મધુર સંગીતરચનાઓ આપી છે. નૉર્વેમાં માહિતીપ્રસારણ-સેવાઓ જાહેર ક્ષેત્રને હસ્તક છે. પોતપોતાના સ્થાનિક વિસ્તારના સમાચાર રજૂ કરતાં ઘણાં દૈનિક પત્રો નૉર્વેમાંથી બહાર પડે છે.

રાજકીય : નૉર્વે વંશપરંપરાગત બંધારણીય રાજાશાહી તંત્ર ધરાવે છે. 1814માં અપનાવવામાં આવેલ બંધારણ રાજા/રાણીને વિશાળ સત્તાઓ બક્ષે છે, પરંતુ વાસ્તવમાં આ સત્તાઓનો ઉપયોગ વડાપ્રધાન સહિતનું મંત્રીમંડળ કરે છે. મંત્રીમંડળમાં વડાપ્રધાન ઉપરાંત 18 મંત્રીઓનો સમાવેશ થાય છે, જેઓ સરકારનાં જુદાં જુદાં ખાતાં સંભાળે છે. હકીકતે રાજા/રાણીની સત્તા નામની છે. 20 વર્ષથી વધુ વયના તમામ નૉર્વેવાસીઓ સપ્રમાણ પ્રતિનિધિત્વની પ્રથા અનુસાર સ્ટોરટિંગ(પાર્લમેન્ટ)ની ચૂંટણી 4 વર્ષની નિશ્ચિત મુદત માટે કરે છે. સ્ટોરટિંગમાં બહુમતી બેઠકો ધરાવતા રાજકીય પક્ષને કે પક્ષોના જોડાણને રાજા સરકારની રચના કરવા આમંત્રણ આપે છે. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક રાજા દ્વારા કરવામાં આવતી હોવા છતાં હકીકતે તેમની પસંદગી પક્ષો દ્વારા થતી હોય છે. સત્તાવિભાજનના હેતુસર કૅબિનેટ પાર્લમેન્ટના સભ્યો ન હોય એવા લોકોની બનેલી હોય છે. તે સરકારની નીતિ ઘડે છે. સ્ટોરટિંગમાં બહુમતી ધરાવે ત્યાં સુધી મંત્રીમંડળ સત્તા પર રહે છે. સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો ઠરાવ પસાર થાય કે કોઈ રાજકીય કટોકટી ઉદભવે તો સ્ટોરટિંગના બાકીના સમય માટે વૈકલ્પિક લઘુમતી સરકાર રચાય છે.

દેશ માટે કાયદા ઘડવાનું કાર્ય સ્ટોરટિંગ કરે છે. તેની સભ્યસંખ્યા 165 છે. નૉર્વેનાં 19 પરગણાંઓ (counties) વસ્તીના આધારે 4થી 15 સભ્યો ચૂંટે છે. સ્ટોરટિંગ એકગૃહી ધારાસભા છે, પરંતુ ચૂંટણી બાદ તે ધારાકીય પ્રસ્તાવો પર વિચારવિમર્શ કરવા માટે બે જૂથોમાં વહેંચાઈ જાય છે. તે 39 સભ્યોને લેગટિંગ માટે ચૂંટે છે અને બાકીના 126 સભ્યોને ઓડેલસ્ટિંગ માટે પસંદ કરે છે. ખરડાને પ્રથમ ઓડેલસ્ટિંગ અને પછી લેગસ્ટિંગ મંજૂરી આપે છે. મતભેદ ઊભો થાય તો સમગ્ર સ્ટોરટિંગ બે તૃતીયાંશ બહુમતીથી તેનો નિર્ણય કરે છે. નાણાકીય ખરડાઓ સહિત, કેટલીક મહત્વની બાબતો પર સમગ્ર સ્ટોરટિંગ ચર્ચાવિચારણા બાદ મતદાન કરે છે. ‘સુપ્રીમ કોર્ટ ઑવ્ જસ્ટિસ’ એ નૉર્વેની સર્વોચ્ચ અદાલત છે.

નૉર્વેમાં 19 પરગણાં છે, ઑસ્લો તે પૈકીનું એક છે. ઑસ્લો સિવાયનાં અન્ય પરગણાંઓનો કારોબાર ગવર્નર ચલાવે છે. શહેરો, નગરો, ગામડાં અને કસ્બાઓ ચાર વર્ષની મુદત માટે જે તે સ્થાનિક સરકારની સમિતિઓ ચૂંટે છે.

નૉર્વેમાં છ મુખ્ય રાજકીય પક્ષો છે. ‘સોશિયાલિસ્ટ લેબર પાર્ટી’ સૌથી મોટો પક્ષ છે, જે સામાજિક કલ્યાણના કાયક્રમોને પસંદગી આપે છે તથા પૂર્ણ આર્થિક વિકાસ અને રોજગારલક્ષી કાર્યક્રમો ધરાવે છે. કૉન્ઝર્વેટિવ પક્ષ એ બીજો મોટો પક્ષ છે. 1935થી 1965 (બીજા વિશ્વયુદ્ધને બાદ કરતાં) સુધી નૉર્વેના રાજકારણ પર ‘સોશિયાલિસ્ટ લેબર પાર્ટી’નું પ્રભુત્વ રહેલું. ત્યારબાદ મિશ્ર પ્રધાનમંડળો રચાતાં રહ્યાં છે.

ઇતિહાસ : હિમયુગનો અંત આવ્યા પછી (ઈ. સ. પૂ. 7000) અહીંનું પર્યાવરણ વસવા યોગ્ય બની રહેતાં મધ્ય યુરોપ અને મધ્ય એશિયાના લોકો અહીં આવીને વસ્યા. આઠમી સદીની શરૂઆતમાં સ્કૅન્ડિનેવિયા નાનાં નાનાં રાજ્યોમાં વહેંચાયેલું હતું. આદિવાસી જૂથો વચ્ચેનાં ઘર્ષણ અને સાહસની ખેવનાએ નૉર્વેના પ્રારંભિક ઇતિહાસમાં વાઇકિંગના વિજય અને વિસ્તરણને શક્ય બનાવ્યાં. 9મીથી 11મી સદીના ગાળામાં વિક્સ(viks)ના યોદ્ધાઓ સમગ્ર પશ્ચિમી યુરોપને ખૂંદી વળેલા.

દસમી સદીમાં નૉર્વેના રાજકીય એકીકરણની પ્રક્રિયા શરૂ થઈ. રાજા હેરોલ્ડ પહેલાએ સમગ્ર નૉર્વેને જીતી લીધું અને તેના વંશજોએ બે સદી સુધી નૉર્વે પર શાસન કર્યું. ઓલેફ–પહેલા તથા ઓલેફ-બીજાના (સંત ઓલેફ) શાસન દરમિયાન નૉર્વે ખ્રિસ્તીધર્મી બન્યું. જોકે આ ગાળો સતત સંઘર્ષ અને લડાઈઓનો રહેલો. આ જ ગાળા દરમિયાન નૉર્વે સ્વીડન, ડેન્માર્ક તથા ઉત્તરી ઇંગ્લૅન્ડ સાથે સંઘર્ષમાં આવેલું. 13મી સદી સુધી નૉર્વેમાં શાંતિ પ્રવર્તી શકી નહિ. રાજવી હેકોન ચોથાના શાસન દરમિયાન આઇસલૅન્ડ અને ગ્રીનલૅન્ડ નૉર્વેને અધીન હતાં. રાજા મેગ્નસ ચોથાએ નવી ધારાકીય પ્રક્રિયા દાખલ કરી.

શાહી લગ્નસંબંધથી નૉર્વે ડેન્માર્ક અને સ્વીડન સાથે જોડાયેલું હતું. ડેન્માર્કની માર્ગરેટ-પહેલીએ નૉર્વે પર અંકુશ જમાવ્યો. 14મી સદીમાં નૉર્વેનું રાજકુટુંબ લુપ્ત થતાં ઉમરાવોએ પોમેરીનાના એરિકને નવા રાજા તરીકે પસંદ કર્યો. કાલમાર (Kalmar) સંઘમાંથી 1450માં સ્વીડન અલગ પડ્યું; પરંતુ નૉર્વેનું ડેન્માર્ક સાથેનું જોડાણ વધુ મજબૂત બન્યું. ધીમે ધીમે 18મી સદીમાં ડેન્માર્કનું વર્ચસ ઓછું થયું. નેપોલિયનિક યુદ્ધના અંતે કીલની સંધિ અનુસાર નૉર્વેને સ્વીડન સાથે જોડવામાં આવ્યું; પરંતુ નૉર્વેના લોકોને આ પસંદ ન પડતાં તેમણે સ્વાધીનતાની માંગણી કરી. સ્વીડનના લશ્કરી આક્રમણના અંતે સમાધાન થયું. 1814ના એકીકરણના ધારા અન્વયે નૉર્વેને તેણે તાજેતરમાં અપનાવેલ બંધારણ જાળવી રાખવાની છૂટ મળી. 19મી સદી દરમિયાન નૉર્વે અને સ્વીડન વચ્ચે સંબંધો તણાવયુક્ત રહેલા. રાષ્ટ્રવાદની વધતી જતી માગણીના દબાણ નીચે 1905માં નૉર્વેને સ્વીડિશ સંઘમાંથી અલગ કરવામાં આવ્યું અને ડેનિશ રાજકુમાર કાર્લ-હેકોન સાતમો એવું નામ ધારણ કરી નૉર્વેના રાજા તરીકે ચૂંટાયો.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન નૉર્વે તટસ્થ રહેલું, પરંતુ 1940માં જર્મનીએ તેના પર એકાએક હુમલો કર્યો અને જર્મનીએ નૉર્વેમાં કઠપૂતળી સરકાર સ્થાપી. સાથી દળોને નૉર્વેના વ્યાપારી જહાજી બેડાએ સારી એવી મદદ પૂરી પાડી. 1957માં પિતાનું મૃત્યુ થતાં ઓલેફ પાંચમો ગાદી પર આવ્યો અને સ્વતંત્ર નૉર્વેના બીજા રાજવી તરીકે સત્તા સંભાળી. ઈ. સ. 1972 અને 1994માં નૉર્વેમાં યુરોપિયન કૉમ્યુનિટીમાં જોડાવા માટે લોકમત લેવામાં આવ્યો અને લોકોએ તેમાં જોડાવાનો વિરોધ કર્યો. 1977માં ગ્રોહાર્લેમ બ્રન્ડલેન્ડ નૉર્વેની પ્રથમ મહિલા વડાપ્રધાન બની. 1996માં થોર્બજોમ જગલેન્ડ દેશનો વડોપ્રધાન બન્યો. ઈ. સ. 2000માં જેમ્સ સ્ટોલ્ટનબર્ગ નૉર્વેનો વડોપ્રધાન ચૂંટાયો. 2003માં નૉર્વેમાં બેકારીમાં વધારો થયો. ઈ. સ. 2006માં નૉર્વેમાં શાસન કરતી પક્ષોના જોડાણોવાળી સરકાર સ્થિર રહી હતી. 2009માં નૉર્વેનો વડાપ્રધાન જેન્સ સ્ટોલ્ટનબર્ગ હતો. 2013માં નૉર્વેમાં યંત્રો, બળતણનું તેલ, રસાયણો, કાપડ વગેરેની આયાત કરવામાં આવતી હતી.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ

રક્ષા મ. વ્યાસ