નૉર્વેજિયન ભાષા અને સાહિત્ય : ઇન્ડો-યુરોપીય ભાષાજૂથની જર્મન શાખાની સ્કૅન્ડિનેવિયન ભાષાઓ પૈકીની નૉર્વેના લોકોની ભાષા. અન્ય સ્કૅન્ડિનેવિયન ભાષાઓની રીતે નૉર્વેજિયન ભાષાનો ઉદભવ થયો છે. ઈ. સ.ની ત્રીજી સદીના પ્રાચીન જર્મન વર્ણમાલાના ગૂઢ ઉત્કીર્ણ લેખોમાં તેનું પગેરું મળે છે. ઈ. સ.ના આશરે 800થી 1050ના અરસામાં વાઇકિંગના સમયમાં બોલીઓમાં જે નોંધપાત્ર ફેરફાર થતા ગયા, તેમાંથી ‘જૂની નૉર્સ’ (અથવા જૂની નૉર્વેજિયન) ભાષા નિષ્પન્ન થઈ અને જૂની નૉર્સમાંથી આધુનિક નૉર્વેજિયન ભાષા અસ્તિત્વમાં આવી. નૉર્વેના લોકોએ આઇસલૅન્ડ અને ઉત્તર આટલાંટિકના અન્ય પ્રદેશોમાં સ્થળાંતર કરતાં આ ભાષાનો ફેલાવો થયો. વર્ણમાલાના ગૂઢ અક્ષરોનું સ્થાન લૅટિન વર્ણમાલાએ લીધું અને ખ્રિસ્તી ધર્મના પ્રચાર અને પ્રસારની સાથે તેનો સંબંધ થતાં અગિયારમી સદીમાં નૉર્વેજિયન ભાષાનું લિખિત સ્વરૂપ પ્રગટ્યું. ત્યારપછીના શતકો દરમિયાન નૉર્વેજિયન ભાષા ડેનિશ, લો જર્મન અને સ્વીડિશ ભાષાઓની અસર નીચે આવી. નૉર્વે જ્યારે ડેનિશ રાજવીઓની રાજસત્તા હસ્તક હતું ત્યારે (1397–1814) આ ભાષામાં કેટલાક ફેરફારો થતા ગયા. ઓગણીસમી સદીમાં બોલાતી અને લિખિત ડેનો-નૉર્વેજિયન ભાષાના પાયામાં ડેનિશ અસર ચોખ્ખી જણાઈ આવે છે. 1397થી ડેનિશ ભાષા નૉર્વેની રાજભાષા બની; એટલું જ નહિ, પરંતુ સોળમી સદીમાં નૉર્વેની લિખિત ભાષાનું સ્થાન પણ તેને પ્રાપ્ત થયું. ભદ્ર સમાજના શહેરી લોકો ડેનિશ ભાષાનો ઉપયોગ કરતા, જ્યારે ગ્રામ-વિસ્તારના લોકોએ નૉર્વેની જુદી જુદી બોલીઓનો ઉપયોગ ચાલુ રાખ્યો. ઓગણીસમી સદીમાં ‘ડેનો-નૉર્વેજિયન’ ભાષા પ્રચલિત થઈ. જોકે તેના સ્વરૂપ અને શબ્દકોશ ઉપર ડેનિશ ભાષાનું પ્રભુત્વ સ્પષ્ટ જણાઈ આવતું હતું; પરંતુ ઉચ્ચારની બાબતમાં તેનો ઝોક નૉર્વેજિયનની વધુ નજીક હતો. આ ભાષા પર ગ્રામપ્રદેશના તળપદા શબ્દો અને રૂઢિપ્રયોગ પર આધારિત વ્યાકરણની અસર દેખાય છે. પાછળથી ‘રિક્સમાલ’ તરીકે જાણીતી થયેલી ભાષાને નૉર્વેની રાજભાષાનો મોભો સાંપડ્યો. આ ડેનો-નૉર્વેજિયન હેન્રિક ઇબ્સન જેવા સાહિત્યકારોની ભાષા તરીકે જગપ્રસિદ્ધ બની.
સમયાંતરે રાષ્ટ્રીય અસ્મિતા અને રોમૅન્ટિક ચળવળના સંદર્ભમાં નૉર્વેની પ્રજા પોતાની કહી શકાય તેવી ભાષા પ્રત્યે અનુરાગી બની. ઓગણીસમી સદીના મધ્યાહનમાં પ્રખર ભાષાશાસ્ત્રી આઇવર આસેને નવી રાષ્ટ્રીય ભાષાના નિર્માણ માટે ભવ્ય પુરુષાર્થ કર્યો. આ ભાષા તે લૅન્ડસમાલ. તેનો આધાર નૉર્વેની બોલીઓ પર હતો અને તે ડેનિશવાદથી તદ્દન મુક્ત હતી. તેને પ્રજાનો સબળ ટેકો સાંપડ્યો અને લૅન્ડસમાલનો વિકાસ થતાં અગત્યની દ્વિતીય ભાષા તરીકે નૉર્વેમાં તેનો સ્વીકાર થયો.
લૅન્ડસમાલ ચળવળના દબાણ તળે રિક્સમાલ ભાષા માટે મહત્વના સુધારાઓને (1907, 1917 અને 1938) કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું. બંને ભાષાઓનાં નામ કાયદેસર બદલવામાં આવ્યાં. રિક્સમાલ હવે ‘બૉક્માલ’ (પુસ્તકભાષા) અને લૅન્ડસમાલ ‘નાયનૉર્સ્ક’ (ન્યૂ નૉર્સ) તરીકે ઓળખાય છે. બંને ભાષાઓનો દરજ્જો કાયદેસર સરખો છે અને બંનેનું શિક્ષણ શાળાઓમાં ફરજિયાત કરવામાં આવ્યું છે. જોકે બૉક્માલ હજુ પણ મહત્વનું સ્થાન ધરાવે છે અને પૂર્વ નૉર્વેમાં તેનું આધિપત્ય છે; જ્યારે પશ્ચિમ નૉર્વેમાં આ જ પ્રકારનું સ્થાન નાયનૉર્સ્કનું છે. સાંપ્રત વલણો તો બૉક્માલ અને નાયનૉર્સ્ક બંનેને ભેગી કરી સર્વસામાન્ય નૉર્વેજિયન ભાષાનું નિર્માણ કરે છે અને તેને ‘સાંનૉર્સ્ક’ તરીકે ઓળખવામાં આવે છે. જોકે બૉક્માલ અને નાયનૉર્સ્ક ભાષાઓમાં આગવા સાહિત્યનું નિર્માણ થયું છે.
ઈ. સ. 800થી અત્યાર સુધીના સમયનું નૉર્વેની પ્રજાનું સાહિત્ય : સામાન્ય રીતે સાહિત્યના ઇતિહાસકારો તેના ત્રણ ભાગ પાડે છે : (1) આઇસલૅન્ડ અને નૉર્વેનું સહિયારું સાહિત્ય (આશરે ઈ. સ. 800થી 1400), (2) ડેન્માર્ક અને નૉર્વેનું સહિયારું સાહિત્ય (આશરે ઈ. સ. 1400થી 1814), (3) નૉર્વેનું સ્વતંત્ર સાહિત્ય (ઈ. સ. 1814થી આજદિન સુધીનું). નૉર્વેજિયન-આઇસલૅન્ડના સહિયારા જૂના નૉર્સ સાહિત્યને વાઇકિંગ યુગની નીપજ ગણી શકાય. નૉર્વેની વાઇકિંગ પ્રજાનાં પરાક્રમો, માન્યતાઓ, ઇતિહાસ અને સૂઝસમજની અભિવ્યક્તિ તેમનાં કાવ્યો, વાર્તાઓ અને દંતકથાઓમાં મળી આવે છે. મૌખિક પરંપરામાં તે સાહિત્યની જાળવણી થતી હતી. જોકે તેનું લિખિત સ્વરૂપ તો છેક તેરમી સદીમાં પ્રાપ્ત થયું – ખાસ કરીને આઇસલૅન્ડની હસ્તલિખિત પ્રતોમાં.
‘પોયટિક એડા’માં સંગૃહીત કાવ્યોમાં નૉર્સ અને જર્મનીનાં દેવદેવીઓ અને વીર પુરુષોનાં ચરિત્રોની ગાથાઓ છે. સ્કૅલ્ડિક પ્રકારની કવિતામાં કાવ્યને અનેક તાણાવાણા અને રૂપકથી અલંકૃત કરવામાં આવે છે. સ્કાલ્ડ્ઝ એટલે કે લોકકવિ અથવા દરબારી કવિઓ દ્વારા સાભિનય ગવાતી રચનાઓ. સૌથી જૂનો અને જાણીતો સ્કાલ્ડ નૉર્વેનો બ્રેગી બોડાસન નવમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયો. નૉર્વેમાં સ્કાલ્ડિક પરંપરા લુપ્ત થઈ ત્યારે આઇસલૅન્ડમાં તે ચાલુ રહી હતી. પ્રાચીન નૉર્સ સાહિત્યમાં પાછળથી ગદ્ય-મહાકાવ્ય અથવા તો સુદીર્ઘ કથા કે વાર્તાના રૂપને લગતી ગદ્યરચનાનો આવિષ્કાર થયો. આઇસલૅન્ડના લોકસાહિત્યકારો દ્વારા તેનો હાવભાવ સાથે પાઠ થતો. જોકે તેનું વાર્તાવસ્તુ માત્ર આઇસલૅન્ડને લગતું જ હોય તેમ બનતું નહિ. સામાન્યત: નૉર્વેની પરંપરાઓ પર આધારિત અને તેમના સંદર્ભને લઈને આગળ ચાલતી આ મહાકથાઓ છે. યુરોપની અનેક ભાષાઓમાં ધર્મને લગતાં ઉપદેશાત્મક લખાણો, સંતો વિશેની દંતકથાઓ અને આર્થર, શાર્લીમૅન અને થિયોડૉરિક જેવા વીરપુરુષોનાં ચરિત્રો ભરપૂર લખાયાં હતાં. તેમાંથી કેટલાંકનાં ભાષાંતરો–રૂપાંતરો નૉર્વેમાં તેરમી સદીમાં પ્રસિદ્ધ થવા લાગ્યાં. આ જમાનાના નૉર્વેના સાહિત્યનો ઉત્કૃષ્ટ નમૂનો એટલે ‘ધ કિંગ્ઝ મિરર.’ પદ્યમાં લખાયેલ નીતિ અને રીતભાત અંગેનો આ ગ્રંથ ઉપદેશાત્મક નિરૂપણનો વિશિષ્ટ નમૂનો છે. પહેલાં લોકમુખે ગવાતાં રહેલાં કથા-કાવ્યો તેરમી સદીના નૉર્વેની સાહિત્યપરંપરામાં લિખિત સ્વરૂપે મૂકવામાં આવ્યાં.
તેરમી સદીના અંતે નૉર્વેનું ડેન્માર્ક સાથે રાજકીય જોડાણ થયું, જે લગભગ 400 વર્ષ સુધી ટકી રહ્યું. નૉર્વેમાં 200 વર્ષ દરમિયાન અલ્પ પ્રમાણમાં સાહિત્ય રચાયું. ધર્મસુધારણાના સમય બાદ સાહિત્યિક પ્રવૃત્તિનું ધીમે ધીમે પુનરુત્થાન થયું. જોકે તે સાહિત્યસર્જન પર ડેનિશ અસર દેખાઈ આવતી હતી. કૉપનહેગનમાં પ્રસિદ્ધ થતાં પુસ્તકો નૉર્વેના વાચકો પાસે પહોંચી જતાં. છેક 1643 સુધી નૉર્વેમાં છાપખાનું હતું નહિ. નૉર્વેમાં ડેનિશ ભાષા રાજભાષાનું સ્થાન લઈ ચૂકી હોવાથી નૉર્વેના લેખકોએ તેને મનેકમને સ્વીકારી લીધી હતી. સોળમી સદીના ઍબ્સેલૉં પૅડરસૉં બેયર અને પૅડર ક્લૉસૉં ફ્રિલિપનાં લખાણોમાં માનવતાવાદની અસર સ્પષ્ટ દેખાય છે. ફ્રિલિસે સ્નોરીના હીમશ્રિંગ્લાનું ભાષાંતર કર્યું. આ પુસ્તકે દેશદાઝ જાગ્રત કરવામાં મહત્વનું પ્રદાન કર્યું. સત્તરમી સદીમાં પાદરી પીટર દાસે નૉર્વેના ભૌગોલિક અને અંતરિયાળ ભૂમિનું સવિસ્તર વર્ણન કરતું દીર્ઘકાવ્ય ‘ધ ટ્રમ્પેટ ઑવ્ નૉર્ડલૅન્ડ’ રચ્યું.
અઢારમી સદી દરમિયાન નૉર્વે અને ડેન્માર્કના સહિયારા સાહિત્યમાં નૉર્વેનું પ્રદાન ગણનાપાત્ર રહ્યું. તે બધાંયમાં લુડવિગ હૉલ્બર્ગનું નામ આગળ પડતું છે. હૉલ્બર્ગે ઔતિહાસિક લખાણો, કટાક્ષકાવ્યો અને નીતિ અંગેના નિબંધો લખ્યા; પરંતુ તેનું વિખ્યાત સર્જન તો તેનાં હાસ્યપ્રધાન અને શિષ્ટ પ્રકારનાં નાટકો છે. આજે પણ તેનાં નાટકો નૉર્વે અને ડેન્માર્કમાં ભજવાય છે. તેના અનુગામીઓમાં જોહાન હરમાન વૅસૅલ છે, જેનું નોંધપાત્ર સર્જન કરુણહાસ્ય નાટક ‘કિએરલાઇડ અન્ડર સ્ટ્રૉમ્પર’ (લવ વિધાઉટ સ્ટૉકિંગ્ઝ, 1772) છે. તે સમયના અન્ય લેખકોમાં ક્રિશ્ચિયન બ્રૉનમૅન ટુલિન અને જોહાન નૉર્ડાહ બ્રુન જેવા કવિઓ અને ક્લૉસ ફાસ્ટિંગ જેવા વિવેચક નોંધપાત્ર છે.
નૉર્વેના સાહિત્યનો સ્વાતંત્ર્ય-યુગ ઓગણીસમી સદીના ત્રીજા દશકથી શરૂ થાય છે. નેપોલિયન-યુદ્ધોને પરિણામે નૉર્વે ડેન્માર્કથી છૂટું પડ્યું અને તેનું જોડાણ સ્વીડન સાથે થયું. નૉર્વેનું સ્વાતંત્ર્ય શરતી હતું. જોકે ડેન્માર્ક સાથેના સાંસ્કૃતિક સંબંધો સમૂળગા તૂટી ગયા એમ ન કહી શકાય. નૉર્વેના રાષ્ટ્રીય સાહિત્યના આવિષ્કાર માટે લોકઆંદોલન શરૂ થયું હતું. તે સમયે યુરોપમાં મુખ્યત્વે નજરે પડતા સાહિત્યના રોમૅન્ટિક વલણે સ્વદેશી ચળવળને મહત્વનું પ્રોત્સાહન આપ્યું. આ અરસાનો કવિ નાટ્યકાર હેન્રિક આર્નૉલ્ડ વર્જલૅન્ડ આ ચળવળનો પુરસ્કર્તા રહ્યો. સામયિકના તંત્રી અને કેળવણીકાર તરીકે તેણે ડેનિશ પરંપરાનો પ્રબળ વિરોધ કર્યો. નૉર્વેજિયન સાહિત્ય-સંસ્કારના સ્થાપક તરીકે તેણે ખ્યાતિ મેળવી. જોકે જોહાન રોબાસ્ટિયન વેલ્હવન તેના વિરોધી મતના કવિ હતા અને ડેનિશ સંસ્કૃતિનાં વહેણ ચાલુ રાખવાના હિમાયતી હતા.
રાષ્ટ્રવાદ અને ભાવનાપ્રધાન સાહિત્યે કલ્પનાપ્રધાન અને મૌખિક પરંપરાના લોકસાહિત્યને પુન:પ્રતિષ્ઠા અપાવી. આનું પ્રતિબિંબ પીટર ક્રિશ્ચિયન આસ્બૉર્નસેન અને જૉર્જન મૉ જેવા કવિઓએ સંપાદિત કરેલ લોકકથાઓના સંગ્રહોમાં દૃષ્ટિગોચર થાય છે. ભાષાશાસ્ત્રી વાઇવર આસેન, નૉર્વેજિયન બોલીઓના અભ્યાસી હતા. તેમણે અને કવિ-પત્રકાર આસ્મન્ડ ઑલાફસન વિન્જેએ કવિતાની ભાષા લોકભાષા હોવી ઘટે એમ પ્રતિપાદિત કર્યું. પ્રાચીન નૉર્વેના ઇતિહાસની ભવ્યગાથાઓનો મહિમા ઇતિહાસકાર પીટર એન્ડ્રીઆસ મૅચે દર્શાવ્યો છે. નવલકથાકાર કેમિલા કૉલેટ સાહિત્યમાં પછી આવનાર યથાર્થવાદનું પૂર્વસૂચન તેમના ‘એમ્ટમેન્ડેસ્ ડોટ્રે’(ધ ગવર્નર્સ ડૉટર્સ, 1854–55)માં કરે છે.
મહાન નાટ્યકાર હેન્રિક ઇબ્સન અને લેખક, દિગ્દર્શક અને રાજકીય નેતા બૉર્નસ્ટર્ન બૉર્નસનની દોરવણી તળે નવોદિત લેખકોની પેઢી રાષ્ટ્રવાદ અને રોમૅન્ટિક વલણોને તેમની શરૂઆતની કૃતિઓમાં અપનાવે છે; પરંતુ પાછળથી યથાર્થવાદ અને સમાજની ટીકા ભણી વળે છે. ઇબ્સન મનુષ્યની મહેચ્છાઓ અને મર્યાદાઓનું ચિત્રણ તેમના ઐતિહાસિક, પદ્યાત્મક, વાસ્તવિક અને પ્રતીકાત્મક નાટકોમાં કરી આપે છે. દુનિયામાં તેમની ખ્યાતિ સર્વત્ર પ્રસરાવનાર કૃતિઓ ‘બ્રાન્ડ’ (1866), ‘પિયર જિન્ટ’ (1867), ‘અ ડૉલ્સ હાઉસ’ (1879) અને ‘ધ માસ્ટર બિલ્ડર’ (1892) છે. વિખ્યાત લેખક બૉર્નસને કહેવાતા સમાધાનની વૃત્તિ સામે અને હળાહળ અન્યાય સામે તેમની કૃતિઓમાં – સખત ઝાટકણી કાઢી છે.
નૉર્વેના સાહિત્યમાં વાસ્તવવાદના પ્રતિનિધિ લેખકોમાં પ્રભાવવાદી (impressionistic) નવલકથાકાર જોનાસ લાઇ અને વિનોદવૃત્તિથી ભરપૂર ટૂંકી વાર્તા અને નવલકથાઓના સર્જક ઍલેક્ઝાન્ડર કીલૅન્ડનાં નામ ગણાવી શકાય. એમલી સ્ક્રેમમાં નિરાશાવાદ દેખાય છે. તેમનાં કાવ્યોમાં પણ ગ્રામજીવન અને તેની પરંપરાઓ પ્રત્યેનો ઊંડો લગાવ અનુભવી શકાય છે.
1890માં નવ્યરંગદર્શી વલણ સાહિત્યમાં શરૂ થયું. ઊર્મિકવિતાનું સ્થાન સાહિત્ય-સ્વરૂપોની પ્રથમ હરોળમાં આવ્યું. નિલ્સ કૉલેટ વૉટ, વિલ્હેમ ક્રેગ અને વિશેષત: સિગ્બજૉર્ન ઑસ્ટફેલ્ડરની ઊર્મિકવિતા ધ્યાન ખેંચે છે. કલાત્મક વ્યક્તિવાદ અને કટાક્ષ ગુન્નર હીલબર્ગનાં નાટકોની આગવી ખૂબીઓ છે. ટૂંકી વાર્તા અને નવલકથામાં હાન્સ કિન્કે વ્યક્તિ, જાતિ, પ્રકૃતિ અને સમાજ વચ્ચેના આંતરસંબંધો પર વધુ ભાર મૂક્યો. આ યુગનો ઉત્કૃષ્ટ લેખક નુટ હેન્સન છે. તેમના એકાકી, ખિન્ન અને અસાધારણ સંવેદનાથી ભરપૂર, વ્યક્તિવાદી, પ્રતિભાસંપન્ન નાયકો તરંગી હોય છે.
1905માં નૉર્વેનું સ્વીડન સાથેના સંઘરાજ્યનું શાંતિપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું. વિકાસનો યુગ શરૂ થયો. મોટાભાગના લેખકો પુનરુત્થાનના વાસ્તવવાદને વરેલા હતા અને સામાજિક પ્રશ્નો તેમની ચિંતાનો વિષય હતો. ઑલૅવ ડને ગ્રામજીવનનો હૂબહૂ ચિતાર રજૂ કરતી વિરાટ નવલકથાશ્રેણી ‘જુવિક ફોક’(ધ પીપલ ઑવ્ જુવિક, 1918–23)ની રચના કરી. જ્હૉન બૉજરે યંત્રવાદ સાથે સંકળાયેલ નવી નીતિમત્તાનાં ધોરણો દર્શાવતી નવલકથાઓ લખી. જોહાન ફૉક બર્જેટે ખાણમજૂરોનું જીવન દર્શાવ્યું. ‘ક્રિશ્ચિઆનસ સેક્સ્ટસ’ જેવી વિરાટ કૃતિ તેમણે આપી. સિગરિડ અંડ્સેટની નવલત્રયી ‘ક્રિસ્ટિન લેવરૅંસડેટટર’ (1922; અનુ. 1923–27) આ પ્રકારની નવલકથામાં સીમાસ્તંભ છે. આ માટે તેમને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. અહીં લેખક મધ્યકાલીન નૉર્વેની પાત્રસૃષ્ટિને આધુનિક પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે. આ સમયના વિશિષ્ટ કવિઓમાં હરમાન વાઇલ્ડનવે, ઑલેફ બુલ, ઑલેવ ઑક્રસ્ટ અને ઑલેવ નાયગાર્ડનાં નામ ગણાવી શકાય.
બે વિશ્વયુદ્ધો વચ્ચેની પેઢીઓના લેખકો ઉપર વિવિધ વિચારશ્રેણી વચ્ચેના સંઘર્ષો અને આંતરરાષ્ટ્રીય તંગદિલીની પ્રબળ અસર છે. આ સમયના લોકોની નીતિ અને ભાવનાઓ પ્રત્યેનું વલણ કવિ આર્નલ્ફ ઑવરલૅન્ડ સ્પષ્ટ કરી આપે છે. સિગર્ડ હૉએલ તત્કાલીન સમાજનું યથાર્થ દર્શન કરાવતી કટાક્ષયુક્ત નવલકથા ‘મીટિંગ ઍટ ધ માઇલસ્ટોન’ (1947, અનુ. 1952) અને હેલ્ગે ક્રૉગ પોતાની નાટ્યકૃતિઓ દ્વારા ઉપર્યુક્ત વલણને રજૂ કરે છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર લેખક ટાર્જી વેસાસ ટૂંકી વાર્તા, નાટક અને નવલકથાના માધ્યમ દ્વારા તેમના પ્રબળ મનોવ્યાપારને અભિવ્યક્ત કરે છે. તેમની કૃતિ ‘ધ બ્રિજ’ (1966; અનુ. 1970) આ પ્રકારના મનોવિશ્લેષણનું સુંદર સર્જન છે. તેમની કવિતા પરંપરિત સ્વરૂપોને છોડી દઈને પ્રકૃતિ પરત્વે ઊર્મિલ સંવેદનાને પ્રગટ કરે છે. ડેન્માર્કમાં જન્મેલ એક્સેલ સેન્ડેમસનો મહિમા પાત્રોના મનોવ્યાપારને રજૂ કરતી તેમની નવલકથાઓને લીધે થયો છે. નોર્દેહલ ગ્રીગની અનેકવિધ કૃતિઓમાં યુદ્ધ દરમિયાન પાત્રોના બદલાતા મિજાજને પ્રતિબિંબિત કરવામાં આવ્યો છે. ઑવરલૅન્ડની જેમ તેમણે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કબજો જમાવીને સત્તાસ્થાને બેઠેલા જર્મન સત્તાધારીઓની વિરુદ્ધ પોતાનો બળાપો પ્રગટ કર્યો છે.
વિશ્વયુદ્ધ સમાપ્ત થયા બાદ તેનાં મૂળ કારણો અને અર્થની તેમજ વિશેષ કરીને દેશદ્રોહી પાત્રોનું માનસિક પૃથક્કરણ સાહિત્યકારોએ કર્યું છે. આ પ્રકારના લેખકોમાં ઑડ બૅંગ હેન્સન અને કર હૉલ્ટનાં નામ નોંધપાત્ર છે. સામાજિક પૃથક્કરણ કરતાં વિવેચન માટે પ્રસિદ્ધ કવિ-નવલકથાકાર, પ્રકૃતિવાદી જેનીસ ઇંગ્વૅલ્ડ ફિન બ્જોર્નેબૉ પણ નોંધપાત્ર છે. જોહાન બોર્જેરીની ખૂબી પાત્રાલેખનના મનોવ્યાપારમાં ઊંડા ઊતરી પ્રવર્તમાન પરિસ્થતિના કરેલા પૃથક્કરણમાં દેખાય છે. રહસ્યકથા નિમિત્તે એઇજ રૉનિંગની નવલકથાઓમાં સત અને અસતના પ્રશ્નોની તાત્વિક મીમાંસા છે. ફિન કાર્લિન્ગ, એક્ષલ જેન્સન અને સિગ્ બૉર્ન મેરિયસ હૉમબાક્ક નવલકથાકારો છે. આધુનિક પ્રયોગશીલ કવિઓમાં વેસાસ, પાલ બ્રેક, પીટર આર હૉમ, સ્ટેઇન મેહરેન અને જાન એરિક વૉલ્ડનાં નામ નોંધપાત્ર છે.
વિ. પ્ર. ત્રિવેદી