નૉર્મન : નવમી સદીમાં ઉત્તર ફ્રાંસમાં સ્થાયી થયેલા સ્કૅન્ડિનેવિયાના હુમલાખોરો. ત્યારબાદ ઈ. સ. 911માં ફ્રાંસના રાજા ચાર્લ્સ ત્રીજાએ નૉર્મનોની સૌથી મોટી ટોળીના મુખી રોલો સાથે સંધિ કરીને તેને પોતાના સામંત તરીકે સ્વીકાર્યો. થોડાં વરસો બાદ તેણે તેનો પ્રદેશ વધારવા માંડ્યો. સ્કૅન્ડિનેવિયાના વસાહતીઓ મોટી સંખ્યામાં ત્યાં જઈને વસ્યા અને તે પ્રદેશ નૉર્મન્ડી તરીકે ઓળખાવા લાગ્યો. ત્યાં વસનારા નૉર્મનોએ ફ્રેન્ચ ભાષા, ત્યાંના રિવાજો અને ખ્રિસ્તી ધર્મ તથા તે પ્રદેશને અનુરૂપ જીવન અપનાવ્યું; પરંતુ પોતાની લડાયક તાકાત જાળવી રાખી. નૉર્મન્ડીનો ડ્યૂક ફ્રાંસના રાજાનો સામંત હોવા છતાં સ્વાયત્તતા ભોગવતો હતો. રોલોના વંશજ અને રૉબર્ટ પહેલાના પુત્ર, નૉર્મન્ડીના ડ્યૂક વિલિયમે ઈ. સ. 1066માં ઇંગ્લૅન્ડ પર આક્રમણ કરી હેસ્ટિંગ્સ મુકામે રાજા હેરલ્ડને હરાવી પોતે ત્યાંનો રાજા બન્યો. ઇંગ્લૅન્ડમાં નૉર્મનો અંગ્રેજો બન્યા અને ત્યાંની સંસ્કૃતિ પર પ્રભાવ પાડ્યો. પછીથી તેમણે વેલ્સ અને આયર્લૅન્ડ જીત્યાં અને સ્કૉટલૅન્ડના લોલૅન્ડ્સમાં વસવાટ કર્યો. અગિયારમી સદીની શરૂઆતમાં નૉર્મનોની એક ટોળી દક્ષિણ ઇટાલી ગઈ અને 1071 સુધીમાં તે પ્રદેશ જીતી લીધો. કેટલાક સાહસિક નૉર્મનોએ 1042માં અપુલિયા કબજે કર્યું. રૉજર પહેલાએ આરબો પાસેથી સિસિલી જીતી લીધું. નૉર્મનો રૂઢિચુસ્ત ખ્રિસ્તી બન્યા અને દેવળોનાં બાંધકામોને પ્રોત્સાહન આપ્યું. તેમણે દેવળમાં સુધારા પણ કર્યા. નૉર્મનોએ નૉર્મન્ડીને પશ્ચિમ યુરોપના સામંતશાહી રાજ્ય જેવું બનાવી દીધું. તેમનામાં અનુકરણની આવડત તથા આત્મશ્રદ્ધા હતી. નૉર્મનો જે દેશોમાં જઈને વસ્યા ત્યાં તેમણે આ ગુણ દર્શાવ્યા હતા. તેઓ પોપશાહીના હિમાયતી હોવા છતાં ધાર્મિક સહિષ્ણુતામાં માનતા હતા. સહિષ્ણુતા વિના તેમનું સિસિલીનું રાજ્ય ટકી શક્યું ન હોત. રૉજર બીજાએ દક્ષિણ ઇટાલી તથા સિસિલીના સંયુક્ત રાજ્યની રચના કરીને પોતે 1130માં સિસિલીનો રાજા બન્યો. નૉર્મનો જ્યાં ગયા તે દેશમાં સમન્વય દ્વારા ત્યાંના લોકો સાથે ભળી ગયા અને તેથી તેમનું અલગ અસ્તિત્વ ક્રમશ: અદૃશ્ય થઈ ગયું.
મુગટલાલ પોપટલાલ બાવીસી