નૉર્મ (ખડકોનું ગાણિતિક ખનિજ-બંધારણ)

January, 1998

નૉર્મ (ખડકોનું ગાણિતિક ખનિજ-બંધારણ) : અગ્નિકૃત ખડકોના CIPW (ક્રૉસ, ઈડિંગ્ઝ, પિર્સન, વૉશિંગ્ટન) સૂચિત રાસાયણિક વર્ગીકરણમાં ખનિજોને ટકાવારીમાં મૂલવતું ધોરણ. ખડકમાંનાં ખનિજો અને સંબંધિત ખનિજજૂથોનું મૂલ્યાંકન કરતી સરળ ગાણિતિક પદ્ધતિ. આ પદ્ધતિમાં જે તે ખડકનું રાસાયણિક પૃથક્કરણ કરી તેમાંથી મળતા જુદા જુદા ઑક્સાઇડને નિયત કરેલા નિયમોના ક્રમ મુજબ અન્યોન્ય સંયોજી, શક્ય એટલાં સરળ ખનિજોમાં અને સંબંધિત ખનિજજૂથોમાં ફેરવવામાં આવે છે. ખડકનું આ પ્રકારનું ગાણિતિક ખનિજબંધારણ ‘નૉર્મ’ તરીકે ઓળખાય છે.

અગ્નિકૃત ખડકોમાં સામાન્ય રીતે મળતાં જટિલ બંધારણવાળાં ઑગાઇટ, હૉર્નબ્લેન્ડ, અબરખ જેવાં ખનિજોને મુલવણીની સરળતાના હેતુથી નીચે મુજબનાં સેલિક અને ફેમિક એવાં બે ખનિજજૂથોમાં વિભાજિત કરવામાં આવેલાં છે :

સૅલિક ખનિજો : ક્વાર્ટ્ઝ, ઑર્થોક્લેઝ, આલ્બાઇટ, એનૉર્થાઇટ, લ્યુસાઇટ, નેફેલીન, કેલીઓફીલાઇટ, ઝિરકોન, હેલાઇટ અને સોડિયમ સલ્ફેટ.

ફેમિક ખનિજો : એક્માઇટ, ડાયોપ્સાઇડ, વૉલેસ્ટોનાઇટ, હાઇપરસ્થીન, ઑલિવિન, એન્કરમાઇટ, મૅગ્નેટાઇટ, હેમેટાઇટ, ઇલ્મેનાઇટ, સ્ફીન અને એપેટાઇટ.

અગ્નિકૃત ખડકોના વાસ્તવિક ખનિજબંધારણને ‘મોડ’ (mode) કહેવામાં આવે છે, જે ગાણિતિક ખનિજબંધારણ–  નૉર્મ–સાથે ભાગ્યે જ એકરૂપ બને છે. ખડકના વાસ્તવિક ખનિજબંધારણને બદલે તે ખડક તેની ઉત્પત્તિ દરમિયાન જો સરળ રાસાયણિક બંધારણવાળાં ઉપર મુજબનાં ખનિજોથી બન્યો હોત તો કેવું ખનિજબંધારણ ધરાવતો હોત – એવી અર્થઘટનપદ્ધતિને ‘નૉર્મ’ કહેવાય; દા. ત., કાચમય કે અતિસૂક્ષ્મ કણરચનાધારક ખડકની જગ્યાએ કયો સ્થૂળ દાણાદાર ખડક બન્યો હોત તે આ પદ્ધતિ દ્વારા સ્પષ્ટ થઈ જાય છે.

અગ્નિકૃત ખડકોના CIPW વર્ગીકરણમાં જે તે ખડકને તેમાં રહેલા સૅલિક-ફેમિક ગુણોત્તરને આધારે નીચે મુજબના કયા વર્ગમાં ગોઠવી શકાય તે ચોકસાઈપૂર્વક જાણી શકાય છે :

વર્ગ

I II III IV V
સૅલિક 7.00 7.00 1.66 0.60 0.14
ફેમિક કે થી થી થી કે
ગુણોત્તર વધુ 1.66 0.60 0.14 ઓછી
% બહુસૅલિક સૅલિકપ્રધાન સૅલફેમિક ફેમિકપ્રધાન બહુફેમિક
(Persalic) (Dosalic) (Salfemic) (Dofemic) (Perfemic)

ખડકનો વર્ગ નક્કી કર્યા પછી ક્વાર્ટ્ઝ-ફેલ્સ્પાર, સોડિક-પોટાશિક-કૅલ્શિક, સોડિક-પોટાસિક ખનિજીય ગુણોત્તરની ગણતરી કરીને તે ખડકને ઉપવર્ગ, ગણ-ઉપગણ અને રેન્ગ-ઉપરેન્ગમાં ગોઠવતા જઈ CIPW વર્ગીકરણમાં તે ખડકનું સ્થાન નિર્ધારિત કરી શકાય છે.

અગ્નિકૃત ખડકોના વર્ગીકરણ માટેનું આ પ્રકારનું આયોજન હવે કાલગ્રસ્ત ગણાતું હોવા છતાં, રાસાયણિક બંધારણની સ્પષ્ટ સમજ રજૂ કરવા માટે નૉર્મ-પદ્ધતિ હજી આજે પણ અખત્યાર કરવામાં આવે છે. આ સંદર્ભમાં ખડકવિદો સૂચવે છે કે નૉર્મને ખડકોના વર્ગીકરણનો પ્રકાર ગણવાને બદલે રાસાયણિક વર્ગીકરણના પ્રકાર તરીકે ઘટાવવાનું વધુ ઉચિત લેખાય.

વ્રિજવિહારી દીનાનાથ દવે