નૉર્ધર્ન ટેરિટરી (ઑસ્ટ્રેલિયા)

January, 1998

નૉર્ધર્ન ટેરિટરી (ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયા ખંડની ઉત્તરે મધ્યમાં આવેલો પ્રદેશ. આ પ્રદેશ ખંડના છઠ્ઠા ભાગને આવરી લે છે. તેનું ભૌગોલિક સ્થાન દક્ષિણ ગોળાર્ધમાં આશરે 11°થી 26° દ. અ. અને 129°થી 138° પૂ. રે. વચ્ચે આવેલું છે. ઉત્તર-દક્ષિણ મહત્તમ 1600 કિમી. અને પૂર્વ-પશ્ચિમ 966 કિમી. અંતર ધરાવતા આ પ્રદેશનું ક્ષેત્રફળ 13,52,212 ચોકિમી. જેટલું થાય છે. તેના વાયવ્ય, ઉત્તર અને ઈશાનમાં અનુક્રમે ટિમોર સમુદ્ર, આરાફુરા સમુદ્ર તથા કાર્પેન્ટેરિયાનો અખાત, પૂર્વમાં ક્વીન્સલૅન્ડ, દક્ષિણમાં દક્ષિણ ઑસ્ટ્રેલિયા અને પશ્ચિમે પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના પ્રદેશો આવેલા છે. તેના દક્ષિણ ભાગમાંથી મકરવૃત્ત પસાર થાય છે. આ પ્રદેશ તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતો બનેલો છે, તેને ‘Outback Australia’ પણ કહે છે. ડાર્વિન તેનું વહીવટી કેન્દ્ર છે.

નૉર્ધર્ન ટેરિટરીનો વિસ્તાર વિક્ટોરિયાથી છગણો અને ટસ્માનિયાથી 20ગણો છે. કિનારા નજીક ગ્રુટે ઈલેન્ટ (64 કિમી.  48 કિમી.), બાથર્સ્ટ (72 કિમી.  56 કિમી.) અને મેલવીલે (105 કિમી.  64 કિમી.) જેવા મોટા અને અન્ય ડઝનબંધ નાના ટાપુઓ આવેલા છે; આ પૈકીના કેટલાક પરવાળાના ટાપુઓ પણ છે.

ઑસ્ટ્રેલિયા ખંડમાં ‘નૉર્ધર્ન ટેરિટરી’નું ભૌગોલિક સ્થાન

ભૂપૃષ્ઠ : વાયવ્ય, ઉત્તર અને ઈશાન તરફની કિનારાપટ્ટીને બાદ કરતાં આ પ્રદેશનો લગભગ બધો જ ભાગ, ઊંચાણવાળું ભૂપૃષ્ઠ ધરાવે છે. મધ્ય દક્ષિણ ભાગમાં મૅક્ડોનેલ હારમાળા આવેલી છે, અહીંનું સર્વોચ્ચ શિખર માઉન્ટ ઝિયેલ 1511 મીટરની ઊંચાઈ ધરાવે છે. મધ્યમાં મરચિસન હારમાળા, ઈશાનમાં કેલવર્ટ ટેકરીઓ અને નૈર્ઋત્યમાં પીટરમૅન હારમાળા આવેલી છે. મધ્યમાં મધ્ય રણ, અગ્નિ તરફ સિમ્પસન રણ અને પશ્ચિમ તરફ તનામી રણ આવેલાં છે. મકરવૃત્તની ઉત્તરે અને દક્ષિણે નાનાં-મોટાં સરોવરો છે, તે પૈકીનાં મૅકાય, અને એમેડિયસ સરોવરો તેમજ બેનેટ, બૂક તથા મધ્યમાં આવેલું વુડ્ઝ સરોવર ઉલ્લેખનીય છે. આ પૈકીનાં ઘણાં ખરાં સરોવરો સૂકાં રહે છે. આ પ્રદેશનાં મધ્ય અને ઉત્તર ભાગના ઊંચા ભૂપૃષ્ઠ પરથી નીકળતી નદીઓ વિકેન્દ્રિત જળપરિવાહ (radial drainage pattern) રચે છે. રોપર, રોઝ, ફૉક્સ, લિમેન, બાઇટ, મૅક આર્થર રૉબિન્સન, કેલવર્ટ વગેરે નદીઓ પૂર્વ તરફ કાર્પેન્ટેરિયાના અખાતને મળે છે. ડાર્વિન ઍડેલેડ, મૅરી, ઈસ્ટ અને સાઉથ ઍલિગેટર નદીઓ ઉત્તર તરફ વહે છે. ડેલી, ફિટ્ઝમોરિસ અને વિક્ટોરિયા નદીઓ પશ્ચિમ તરફ વહે છે. ડાર્વિન નદી પરનો ડાર્વિન બંધ આ વિસ્તાર માટે 44 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતું મોટું જળાશય બનાવે છે.

નૉર્ધર્ન ટેરિટરીનું ઊંચા અને ગીચ ઘાસથી છવાયેલું ભૂપૃષ્ઠ

ભૂપૃષ્ઠના મુખ્ય સંદર્ભમાં આખાય પ્રદેશને છ કુદરતી વિભાગોમાં વહેંચેલો છે : 1. ડાર્વિન વિસ્તાર, 2. વિક્ટોરિયા નદીથાળું, 3. અર્નહૅમ પ્રદેશ, 4. અખાતી પ્રદેશ, 5. બર્કલી ઉચ્ચસપાટપ્રદેશ. 6. મધ્યરણવિસ્તાર.

આબોહવા : નૉર્ધર્ન ટેરિટરીનો લગભગ 80% ભાગ મકરવૃત્તની ઉત્તર તરફ ઉષ્ણકટિબંધમાં (Torrid zone) આવેલો છે. આબોહવાની દૃષ્ટિએ તેના બે વિભાગો પડે છે. ઉત્તર ભાગ ‘ધ ટૉપ ઍન્ડ’ કહેવાય છે. જ્યાં વર્ષમાં ત્રણથી પાંચ મહિના સુધી ભારે વરસાદ પડે છે. ઉત્તર કિનારાના ભાગોમાં સરેરાશ 1800 મિમી. (ડાર્વિનમાં 1600 મિમી.), ત્યાંથી દક્ષિણ તરફ 600 મિમી., એલિસ સ્પ્રિંગ્ઝ શહેરમાં 225 મિમી. વરસાદ પડે છે. દક્ષિણ ભાગ ‘ધ સેન્ટર’ તરીકે ઓળખાય છે. નૈર્ઋત્ય ભાગમાં ફિન્ક નદીના પ્રદેશમાં 127 મિમી. વરસાદ પડે છે; અહીં કોઈ કાયમી નદીઓ વહેતી નથી. આ પ્રદેશ દક્ષિણ ગોળાર્ધમાં આવેલો હોવાથી અહીં ઉનાળા જાન્યુઆરીના અને શિયાળા જૂનના અરસામાં હોય છે. ઉત્તરના ભાગોમાં ઉનાળાનું તાપમાન 26°થી 36° સે. અને શિયાળાનું તાપમાન ઓછામાં ઓછું 15° સે. સુધી જાય છે; દક્ષિણ તરફ એલિસ સ્પ્રિંગ્ઝમાં ઉનાળાનું તાપમાન ક્યારેક 47° સે. સુધી તો શિયાળામાં તે ઘટીને -7° સે. સુધી પણ જાય છે. ફિન્કી ખાતે 1960માં તેનું મહત્તમ વિક્રમી તાપમાન 48.30 સે. થયું હતું, જ્યારે સૌથી લઘુતમ તાપમાન એલિસ સ્પ્રિંગ ખાતે 1976માં – 7.5° સે. નોંધાયું હતું. ટિમોર અને આરાફુરા સમુદ્રો તરફથી નવેમ્બરથી એપ્રિલ વચ્ચેના ગાળામાં ક્યારેક ચક્રવાતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કિનારાના ભાગો પર તેની વિશેષ અસર થાય છે.

વનસ્પતિજીવન–પ્રાણીજીવન : માત્ર ઉત્તર કિનારાના વિસ્તારમાં આવેલાં જંગલોમાં સાઇપ્રસ પ્રકારનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. કિનારા નજીકના ભાગોમાં નાળિયેરી, કેતકી, ચીડ, યુકેલિપ્ટસ વગેરે જોવા મળે છે. આ પ્રદેશમાં 3.5 મીટર ઊંચાઈનું ઘાસ પણ થાય છે. આ વિસ્તારમાં વનસ્પતિની 2800 જાતિ મળે છે. અહીં 350 પ્રકારનાં પક્ષીઓ, 100 જાતનાં સસ્તન પ્રાણીઓ, 40 જાતનાં ધાનીધારી (marsupial) પ્રાણીઓ, 50 જાતની માછલીઓ, 100 પ્રકારનાં પતંગિયાં, 26 જાતના મગર તેમજ અનેક પ્રકારના કીટકો જોવા મળે છે. વન્યજીવનની વિવિધતાને કારણે આ પ્રદેશનો ઉત્તરનો ભાગ પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ અને પ્રવાસીઓના આકષર્ણનું કેન્દ્ર બનેલો છે. એલિસ સ્પ્રિંગ્ઝની ચારેય બાજુ આવેલી મૅક્ડોનલ પર્વતમાળા, જગપ્રસિદ્ધ આયર્સ રૉક, માઉન્ટ ઓલ્ગા વગેરે પ્રવાસીઓને આકર્ષે છે.

કુદરતી સંપત્તિ : ઉત્તર વિભાગમાં સારા વરસાદ અને નદીઓને કારણે ઘાસચારા માટેનાં ગોચરો જોવા મળે છે, પરંતુ મધ્યનો ભાગ સૂકો છે. તેથી નદીઓના પટ કોરા પડી જાય છે, પરિણામે ત્યાં જરૂરિયાત માટે ભૂગર્ભજળ મેળવવું પડે છે. નૉર્ધર્ન ટેરિટરીનો ક્વીન્સલૅન્ડ તરફનો 10% પૂર્વ ભાગ પાતાળકૂવા માટે અનુકૂળ છે. સ્થાનભેદે ભૂગર્ભજળની સપાટી 15 મીટરથી સેંકડો મીટરની ઊંડાઈએ રહેલી છે, તેમ છતાં સરેરાશ ઊંડાઈ 50 મીટરની ગણાય છે, ભૂગર્ભજળ શારકામ કરીને પંપ દ્વારા બહાર લાવવામાં આવે છે, ઘાસચારો અને પશુપાલન થઈ શકે છે.

ખેતી અને પશુપાલન : એલિસ સ્પ્રિંગ્ઝ, એડેલેઇડ અને ડાર્વિનથી બહારના ભાગોમાં નાનાં નાનાં છૂટાંછવાયાં ખેતરો આવેલાં છે, ત્યાં મકાઈ, મગ, મગફળી, ચોખા, જુવાર અને સોયાબીનની મર્યાદિત પ્રમાણમાં ખેતી થાય છે. બાગાયતી ખેતીમાં તડબૂચ, ચીભડાં, ટામેટાં, કેળાંનું ઉત્પાદન લેવાય છે. ખેતી કરતાં પશુપાલનને અહીં વધુ મહત્વ અપાય છે. ઢોર રાખવા માટે વાડા તૈયાર કરવામાં આવ્યા છે અને ત્યાં અવરજવર માટે રસ્તાઓ બાંધવામાં આવેલા છે. ઢોરઉછેર અને તેમના પોષણ માટે ખેડૂતો સારા પ્રમાણમાં ખર્ચ કરે છે. ખેડૂતો અહીંથી જીવતાં ઢોર, ભેંસો અને માંસની નિકાસ કરે છે.

મત્સ્યઉદ્યોગ : અહીંથી મુખ્યત્વે પ્રૉન અને બેરામુંડી માછલીઓને પકડવામાં આવે છે અને તેમાંથી વાર્ષિક આશરે 2.5 કરોડ ઑસ્ટ્રેલિયન ડૉલરની કમાણી થાય છે.

અહીં ઉત્પાદન-એકમોનો વિકાસ થયો નથી. મત્સ્ય-ઉદ્યોગના પ્રક્રમણમાં, ઈંટો અને લોખંડની ચીજવસ્તુઓ બનાવવાના કામમાં તેમજ બાંધકામમાં કેટલાક લોકો કામ કરે છે. આદિવાસીઓ કાપડનાં કારખાનાંમાં કામ કરે છે, કેટલાક માટીનાં વાસણો બનાવે છે, છાલ પર ચિત્રકામ કે હાથકારીગરીનું કામ કરે છે.

ખાણઉદ્યોગ : ખનિજો અહીંની મુખ્ય સંપત્તિ છે. યુરેનિયમ, બૉક્સાઇટ અને મૅંગેનીઝનો જથ્થો અહીં વિપુલ પ્રમાણમાં છે. ખનિજતેલ અને કુદરતી વાયુનું પ્રમાણ પણ સારું છે. સોનું, કલાઈ અને તાંબું ત્રીજા ક્રમે આવે છે.

પરિવહનસંદેશાવ્યવહાર : આ પ્રદેશમાં વસ્તી ધરાવતાં કેન્દ્રો એકમેકથી દૂર આવેલાં હોવાથી, ઉત્તર તરફના ભાગોની નદીઓમાં પૂર આવતાં હોવાથી તથા બાકીનો પ્રદેશ રણવિસ્તાર હોવાથી રસ્તાઓનું બાંધકામ સમસ્યારૂપ બની રહ્યું છે. એલિસ સ્પ્રિંગ્ઝને હવે ઑસ્ટ્રેલિયાનાં અન્ય મુખ્ય રેલવે જંકશનો સાથે જોડવામાં આવ્યું છે; જોકે રેલમાર્ગને ઉત્તર તરફ ડાર્વિન સુધી લઈ જવાની યોજના અમલમાં મૂકી શકાઈ નથી. ડાર્વિન અહીંનું મુખ્ય બંદર તેમજ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ છે. તે સિંગાપુર, ઇન્ડોનેશિયા, ન્યૂઝીલૅન્ડ અને બ્રુનેઈને જોડે છે. આંતરિક હવાઈસેવા પણ ઉપલબ્ધ છે. ડાર્વિન અને એલિસ સ્પ્રિંગ્ઝમાંની દૂરદર્શન-સેવા કેટલાંક શહેરોને મળી રહે છે.

વસ્તી : નૉર્ધર્ન ટેરિટરીની વસ્તી 2021 મુજબ 2,49,345 જેટલી હતી. ડાર્વિન અને એલિસ સ્પ્રિંગ્ઝમાં જ વસ્તી કેન્દ્રિત થયેલી છે. બાકીના વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ દર ચોકિમી. 1 વ્યક્તિ કરતાં પણ ઓછું છે. સમગ્ર પ્રદેશની 50% વસ્તી ડાર્વિનમાં રહે છે, પ્રદેશના 25% લોકો આદિવાસી છે. ગ્રામીણ વસ્તી તેમની પોતાની પરંપરાગત જીવનશૈલીથી રહે છે. અહીંના મોટાભાગના લોકો ખ્રિસ્તી ધર્મના કૅથલિક અને પ્રૉટેસ્ટંટ સંપ્રદાયમાં માને છે. ડાર્વિન તથા અન્ય શહેરોમાં ગ્રીક, ઇટાલિયન, જર્મન, ફ્રેન્ચ, જેવા યુરોપીય તથા ચીની, મલેશિયન, વિયેટનામી જેવા એશિયાઈ લોકો પણ રહે છે. આદિવાસી બાળકોને પ્રાથમિક શિક્ષણ તેમની 14 જેટલી ભાષાઓમાં અને માધ્યમિક શિક્ષણ અંગ્રેજીમાં અપાય છે. ડાર્વિન, એલિસ સ્પ્રિંગ્ઝ, કૅથરિન વગેરે શહેરોમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે. અન્ય શહેરો અને નગરોમાં જબીરૂ, હલનબી, ટેનન્ટ ક્રીકનો સમાવેશ થાય છે.

ઇતિહાસ : 17મી સદીમાં ડચ તથા 19મી સદીમાં બ્રિટિશ દરિયાખેડુઓ નૉર્ધર્ન ટેરિટરીના કિનારે ઊતરેલા. 1824માં કૅપ્ટન ગૉર્ડન બ્રેમરે પૉર્ટ ઇસિંગ્ટનમાં પ્રથમ વસાહત સ્થાપી. તે પછી જ મેલબૉર્ન, એડેલેઇડ અને પર્થમાં વસાહતો સ્થપાઈ. 1869માં પામર્સ્ટન (હાલનું ડાર્વિન) સાઉથ ઑસ્ટ્રેલિયા સરકારનું વહીવટી મથક બન્યું. પાઇન ક્રીકમાં સોનું મળી આવવાથી પૉર્ટ ડાર્વિનની વસ્તી ક્રમશ: વધતી ગઈ. 1872માં અને તે પછી ગ્રોવ હિલ, પાઇન ક્રીક, યુનિયન ટાઉન વગેરે સ્થળે સોનું મળી આવવાથી ત્યાં પણ વસ્તી વધી. ચીનાઓ મજૂરી કરવા અહીં આવ્યા, પછી ખાણઉદ્યોગ વિકસ્યો. 1882માં ડાલી નદીના તથા 1891માં મૅકઆર્થર નદીના વિસ્તારમાંથી તાંબું મળી આવ્યું. સાઉથ ઑસ્ટ્રેલિયાની સરકારના પ્રયાસો છતાં આ પ્રદેશ અણવિકસિત રહ્યો. 1911માં તેને કૉમનવેલ્થના વહીવટ હેઠળ મૂકવામાં આવ્યો, એટલે ગવર્નર જનરલ તેને માટે વહીવટકર્તા નીમતો. દરમિયાન અહીં ઉપલબ્ધ સંપત્તિનો તાગ મેળવવામાં આવ્યો અને ખાણઉદ્યોગને સહાય કરવામાં આવી. 1927થી 1931 સુધી આ પ્રદેશનો વહીવટ સેન્ટ્રલ ઑસ્ટ્રેલિયા અને નૉર્થ ઑસ્ટ્રેલિયા – એમ બે વિભાગોમાંથી કરવામાં આવતો હતો. 1931થી તેનો વહીવટ ફરીથી વહીવટકર્તાને સોંપી ત્યાં રેલવે, વીજળી જેવી સગવડો વધારવામાં આવી. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન 1942માં યુ.એસ. લશ્કર અને નૌકાદળ ડાર્વિનમાં રખાયાં હતાં. ફેબ્રુઆરી, 1942માં જાપાને ડાર્વિન પર હુમલો કરી કેટલાંક નૌકા-જહાજો ડુબાડી દીધાં. હવાઈ હુમલામાં સેંકડો લોકો મરાયા અને ઘવાયા. આ કારણે નાગરિક વસ્તીએ ડાર્વિન ખાલી કર્યું. વિશ્વયુદ્ધ બાદ નૉર્ધર્ન ટેરિટરીમાં સોના-તાંબાનું ઉત્પાદન વધ્યું. 1949માં રમ જંગલમાંથી યુરેનિયમનો જથ્થો મળી આવ્યો. 1978માં કાયદો કરીને નૉર્ધર્ન ટેરિટરીને અલગ રાજ્યનો દરજ્જો આપી તેની સરકારની સ્થાપના કરવામાં આવી છે.

ર. લ. રાવળ

જયકુમાર ર. શુક્લ