નૉયોરી, ર્યોજી (Noyori, Ryoji)

January, 1998

નૉયોરી, ર્યોજી (Noyori, Ryoji) (જ. 3 સપ્ટેમ્બર 1938, કોબે, જાપાન(Kobe, Japan)) : જાપાની રસાયણવિજ્ઞાની અને 2001ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા.

નૉયોરી ક્યોટો યુનિવર્સિટીની એન્જિનિયરિંગ શાળાના ઔદ્યૌગિક રસાયણ-વિભાગના વિદ્યાર્થી હતા. ત્યાંથી 1961માં સ્નાતક થયા અને તે પછી નગોયા યુનિવર્સિટીની ગ્રૅજ્યુએટ(graduate) સ્કૂલ ઑવ્ એન્જિનિયરિંગમાંથી ઔદ્યોગિક રસાયણમાં અનુસ્નાતક પદવી મેળવી હતી. 1963 અને 1967ની વચ્ચે ક્યોટો યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ એન્જિનિયરિંગમાં સંશોધનસહાયક (Research Associate) હતા. વળી તેઓ હિતોશી નોઝાકીના સંશોધન-જૂથના માર્ગદર્શક (Instructor) પણ હતા, નૉયોરીએ 1967માં ક્યોટો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ 1968માં આ જ યુનિવર્સિટીમાં સહાયક પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા.  હાર્વર્ડ(Harvard)માં ઈલિયાસ જે. કોરે (Elias J. Corey) સાથે પોસ્ટ-ડૉક્ટરલ સંશોધનકાર્ય પતાવીને નગોયા પાછા ફરેલા અને 1972માં પૂર્ણ સમયના પ્રાધ્યાપક બનેલા. 2003થી 2015 દરમિયાન રીકિન(RIKEN, a multi-site national research initiative)ના પ્રમુખ તરીકે સેવા આપી હતી.

નૉયોરી અસમ હાઇડ્રૉજિનેશન  (asymmetric hydrogenation) પ્રક્રિયાના અગ્રણી વૈજ્ઞાનિક છે. તે પ્રક્રિયામાં ખાસ કરીને ‘BINAP ligand’  આધારિત ર્હોડિયમ અને રૂથેનિયમના ઉદ્દીપક સંકીર્ણો(Catalysts complexes)નો ઉપયોગ થાય છે.

ર્યોજી નૉયોરી

1980ના દાયકાની શરૂઆતમાં નગોયા યુનિવર્સિટીમાં સંશોધન-કાર્ય દરમિયાન તેમણે વધુ સામાન્ય અસમ હાઇડ્રોજન ઉદ્દીપકો વિકસાવેલા જે વ્યાપક ઉપયોગિતાવાળા હતા અને વધુ પ્રમાણમાં ઇચ્છિત પ્રતિરૂપકો પેદા કરી શકે તેવા અને મોટા પાયે ઔદ્યોગિક ઉત્પાદન મેળવવા માટે અનુકૂળ હતા. પ્રતિજૈવિકો(antibiotics) અને પ્રગત દ્રવ્યો(advanced materials)ના સંશ્લેષણમાં નૉયોરીના ઉદ્દીપકોનો વ્યાપક ઉપયોગ થાય છે; દા. ત., પ્રતિશોથકારી ઔષધ નેપ્રોક્ઝેન(Naproxen)નું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવા માટે આલ્કિનની (S)-(BINAP)Ru(OAC)2 ઉદ્દીપકની હાજરીમાં અસમ હાઇડ્રૉજિનેશન પ્રક્રિયા કરવામાં આવે છે. તેવી જ રીતે પ્રતિજીવાણુકારક (antibacterial agent) લિવોફ્લોક્ઝાસિન(levofloxacin)ના ઉત્પાદન માટે Ru (II) BINAP halide complexની હાજરીમાં કીટોન(Ketones)ની અસમ હાઇડ્રૉજિનેશન પ્રક્રિયા કરવામાં આવે છે.

વળી નૉયોરીને બીજી અસમ વિધિઓ ઉપર પણ સંશોધનકાર્ય કર્યું છે; દા. ત., નૉયોરીની એલાયલિક એમાઇન (allylic amines) માટેની સમાવયવીકરણ(Isomerisation) વિધિ વડે ‘Takasago International Corporation’ દર વર્ષે 3000 ટન(tonnes) મેન્થૉલનું ઉત્પાદન કરે છે.

તાજેતરમાં ફિલિપ જી. જિસોપ(Philip G. Jessop) સાથે સંશોધન કરી RuCl2(PMe3)4 ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન, ડાયમિથાઇલએમાઇન અને અતિક્રાન્તિક (Supercritical) કાર્બન-ડાયૉક્સાઇડમાંથી N, N-ડાયમિથાઇલફૉર્મેમાઇડ બનાવવા માટેની ઔદ્યોગિક વિધિ વિકસાવી છે.

2001ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારનો અર્ધભાગ નૉયોરી અને વિલિયમ એસ નોવેલ્સ(Knowles)ને કિરાલીય ઉદ્દીપકીય હાઇડ્રૉજિનેશન પ્રક્રિયાઓના અભ્યાસ બદલ એનાયત કરવામાં આવેલ. બાકીનો અર્ધભાગ કે. બેરી. શાર્પલેસને ફાળવવામાં આવેલ.

તેમનાં સંશોધનકાર્યોની કદર રૂપે ‘The Ryoji Noyori Prize’ આપવામાં આવે છે.

નૉયોરીને 2000માં ‘University of Rennes 1’ તથા 2005માં ટૅકનિકલ યુનિવર્સિટી ઑવ્ મ્યૂનિક અને ‘RWTH Aachen University, Germany’ તરફથી માનાર્હ ડૉક્ટર(Honorary Doctor)ની પદવીઓ એનાયત કરવામાં આવેલી. વળી તેઓ 23-02-2018ના રોજથી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિકલ ટૅક્નૉલૉજી, મુંબઈ (formerly known as UDCT)ની માનાર્હ ડૉક્ટરેટ (Honorary Doctorate) પદવી પણ ધરાવે છે.

2005માં તેઓ રૉયલ સોસાયટીના ચૂંટાયેલા વિદેશી સભ્ય (Foreign member) હતા.

2006માં જાપાનના વડાપ્રધાન Shinz Abe એ ‘Education Rebuilding Council’ની સ્થાપના કરી હતી. નૉયોરી હાલમાં તેના અધ્યક્ષ છે.

નૉયોરીને મળેલા અન્ય પુરસ્કારોમાં ‘ધ કેમિકલ સોસાયટી ઑવ્ જાપાન ઍવૉર્ડ (1985); અમેરિકન કેમિકલ સોસાયટી અને યૅલ(Yale) યુનિવર્સિટીનો જૉહન જી. કિર્કવૂડ (John G. Kirkwood) ઍવૉર્ડ (1991), આર્થર સી કોપે ઍવૉર્ડ (1997), કિંગ ફૈઝલ(Faisal) ઇન્ટરનેશનલ પ્રાઇઝ (1999), વૉલ્ફ પ્રાઇઝ ઇન કેમેસ્ટ્રી (2001), લૉમોનોસૉવ(Lomonosov) સુવર્ણચંદ્રક (2009) વગેરેનો સમાવેશ થાય છે.

પ્રહલાદ બે. પટેલ