નૉરફોક : યુ. એસ. ના વર્જિનિયા રાજ્યના અગ્નિ ખૂણે આવેલું રાજ્યનું સૌથી મોટું શહેર, મોટું બંદર અને મહત્વનું નૌકાસૈન્ય-મથક. ભૌગોલિક સ્થાન : 36° 50´ ઉ. અ. અને 76° 17´ પ. રે.. તે હૅમ્પટન રોડની દક્ષિણે એલિઝાબેથ નદી પર વસેલું છે. 1680ના કાયદા મુજબ મૂળ રેડ ઇન્ડિયનોના અસલી ગામના સ્થળે 1682માં તેની સ્થાપના થઈ હતી. 2014 મુજબ તેની વસ્તી 2,45,428 હતી.

નૉરફોક આ પ્રદેશનું મહત્વનું વ્યાપારી અને વિતરણકેન્દ્ર છે. અહીં તૈયાર કપડાં, પથ્થરની, માટીની, કાચની અને લાકડાની કારીગરીની વિવિધ ચીજવસ્તુઓ; વાહનવ્યવહારનાં સાધનો, દરિયાઈ ખાદ્યપદાર્થો, ખાતર, રસાયણો વગેરેનાં કારખાનાં આવેલાં છે. અહીંથી કોલસાની મોટા પાયા પર નિકાસ થાય છે.

યુ.એસ.માં આવેલાં દસ મોટાં બંદરો પૈકીનું તે સૌથી મોટું બંદર છે. નૉરફોકનું આ સુંદર કુદરતી બંદર ન્યૂપૉર્ટન્યૂઝ અને પૉટર્સમથ સાથે સંકળાયેલું છે. નૉરફોક અને નજીકનાં શહેરોમાં યુ.એસ.નું નૌકાસેન્ય રહે છે, નૌકાસૈન્યનો જહાજવાડો પૉટર્સમથ ખાતે છે. યુ.એસ.નો આટલાંટિક સમુદ્રનો કાફલો તથા અન્ય કાફલાઓનું તેમજ નાટોના નૌકાસૈન્યનું તે વડું મથક બની રહ્યું છે. અહીં જહાજો બાંધવાની સૂકી ગોદીઓ પણ છે.

નૉરફોક ટૉરી પક્ષનું મથક હોવાથી તેને 1776માં લોકોએ બાળ્યું હતું. પરંતુ પછીથી તે ક્રમે ક્રમે બંધાયું હતું. 1776માં ઇંગ્લૅન્ડે તેને બે વાર અને સંઘરાજ્યે તેની ઉપર એક વાર બૉમ્બમારો કર્યો હતો. આંતરવિગ્રહ દરમિયાન ગુલામીના પ્રશ્ને ઉત્તરનાં રાજ્યોના સંઘ સાથે તે લડાઈમાં ઊતર્યું હતું, પરંતુ તેની હાર થઈ હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નૌકાસૈન્યની પ્રવૃત્તિઓથી તે ધમધમતું હતું.

વર્જિનિયાના ઘણા સહેલાણીઓ વૅકેશન ગાળવા અહીં આવે છે. અહીં સેંટ પૉલનું દેવળ (1739), માયર્સ હાઉસ (1791), જનરલ ડગ્લાસ મૅકઆર્થર મેમોરિયલ વગેરે જેવાં મહત્વનાં ઐતિહાસિક સ્થળો આવેલાં છે. બૉટાનિકલ ગાર્ડન, સ્ટેટ ઑપેરા ઍસોસિયેશન, ક્રાઇસ્લર આર્ટ મ્યુઝિયમ, ઓલ્ડ ડોમિનિયન યુનિવર્સિટી જેવાં સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેવા ઘણા પ્રવાસીઓ અહીં આવે છે.

(2) નૉરફોક : પૂર્વ ઇંગ્લૅન્ડના ઈશાન ભાગમાં આવેલું પાષાણયુગી અવશેષો ધરાવતું પરગણું. તેનું ભૌગોલિક સ્થાન 52° 20´થી 52° 59´ ઉ. અ. અને 0° 10´થી 1° 45´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેના વાયવ્ય, ઉત્તર અને પૂર્વમાં ઉત્તર સમુદ્ર, દક્ષિણમાં સફૉક પરગણાના પૂર્વ અને પશ્ચિમ વિભાગો, અને પશ્ચિમે આઇલ ઑવ્ ઍલી તથા હોલૅન્ડ પરગણાં આવેલાં છે. આ પરગણાનું ક્ષેત્રફળ 5,367 ચોકિમી. જેટલું છે.

નૉરફોકનો મધ્ય અને ઉત્તર તરફનો ભાગ ટેકરીઓવાળો છે. તેના મધ્ય ભાગમાંથી વેનસુમ, યારે, બુરે અને શાખાનદીઓ કિનારા તરફ વહેતી હોવાથી તેનો મોટાભાગનો જળપરિવાહ વિકેન્દ્રિત બની રહેલો છે. અહીં ચૉકની ટેકરીઓ, રેતાળ પથ્થરો અને કિનારા પર રેતીના ઢૂવા જોવા મળે છે.

ખેતી એ મુખ્ય લોકવ્યવસાય છે. જવ, ઘઉં, ઓટ, બીટ, વટાણા, શાકભાજી અહીંના મુખ્ય પાક છે. મચ્છીમારી અને ટર્કીનો ઉછેર પણ મહત્વનો વ્યવસાય છે. નૉર્વિચ આ પરગણાનું મુખ્ય શહેર છે. આ શહેરમાં કિલ્લેબંધી ધરાવતાં મહાલયો જોવા મળે છે. જોડા અને યંત્રોના ઉદ્યોગો તથા હળવા ઉદ્યોગો નૉર્વિચ તેમજ અન્ય નગરોમાં આવેલાં છે. દરિયાકિનારો સહેલાણીઓ માટેનું સ્થાન બની રહેલો છે.

આ પરગણામાંથી પુરા – મધ્ય – અને નૂતન-પાષાણયુગનાં ઓજારો મળી આવ્યાં છે. આ ઉપરાંત કાંસ્યયુગના ટેકરાઓ પણ જોવા મળે છે.

યુરોપના જુદા જુદા ભાગોમાંથી ઈ. સ. પૂ.ના ત્રીજા સૈકામાં ઇસેની (Iceni) લોકો અહીં આવેલા. રોમન શાસન દરમિયાન કૈસ્ટર સેંટ એડમંડ અને કૈસ્ટર યારમથ નામનાં બે નગરો અહીં અસ્તિત્વમાં આવેલાં. ઍંગ્લોસૅક્સન ચડાઈઓ દરમિયાન આ સ્થળ ઈસ્ટ ઍંગ્લિયાની રાજધાની બનેલું. ત્યારબાદ ડૅન અને નૉર્મનો પણ ચડી આવેલા. 1086માં આ પરગણું સમૃદ્ધ હતું અને ગીચ વસ્તી ધરાવતું હતું. 2016 મુજબ તેની વસ્તી 8,92,900 જેટલી હતી.

શિવપ્રસાદ રાજગોર