નૈનીતાલ : ઉત્તરાખંડનો પર્વતીય જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 29° 20´ ઉ.  અ. અને 79° 30´ પૂર્વ  રેખાંશ. જિલ્લાનો કુલ વિસ્તાર 3,860 ચોકિમી. અને વસ્તી 9,55,128 (2011) છે. તેની ઉત્તરે રાજ્યનો અલમોડા જિલ્લો,  નૈર્ઋત્યે અને દક્ષિણે ઉદ્યમસિંહ નગર, પૂર્વમાં ચંપાવત તથા પશ્ચિમે પૌરી ગઢવાળ જિલ્લો આવેલા છે; પૂર્વ સરહદે નેપાળ આવેલું છે. શારદા નદી નૈનીતાલ-નેપાળ સરહદ પરથી પસાર થાય છે. જિલ્લાની ઉત્તરે શિવાલિક ટેકરીઓ વિસ્તરેલી છે તો દક્ષિણે ગંગા નદીના મેદાની વિસ્તારની સાંકડી પટ્ટી છે. આ જિલ્લો ઉત્તરાખંડના કુમાઉં મંડળનો ભાગ છે અને પહાડી ભૂપૃષ્ઠ ધરાવે છે. આજુબાજુ ગીચ જંગલો છે. દક્ષિણે તરાઈનો મેદાની ભાગ કાયમ ભેજવાળો રહેતો હોવાથી સ્વાસ્થ્યપ્રદ નથી.

જિલ્લામાં ઇમારતી લાકડાંની પેદાશ ઉપરાંત ચા, ચોખા, ઘઉં તથા ફળફળાદિ પેદા થાય છે. ખાંડનું પ્રક્રમણ કરતા એકમો પણ જિલ્લામાં વિકસ્યા છે.

જિલ્લાનાં મુખ્ય નગરોમાં નૈની ઉપરાંત કાશીપુર અને હલ્દવાનીનો સમાવેશ થાય છે. 1893 સુધી પુણે ખાતે કામ કરતી ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તે જ વર્ષથી આ જિલ્લાના મુક્તેશ્વર ખાતે ખસેડવામાં આવેલી છે. પંતનગર ખાતે ઉત્તરાખંડ કૃષિ-યુનિવર્સિટીનું મથક છે. ઉપરાંત, જિલ્લામાં ભોવાલી ખાતે ક્ષયરોગીઓ માટેનું આરોગ્યધામ છે.

પ્રકૃતિસૌંદર્ય-મઢ્યું નૈનીતાલ સરોવર

નગર, સરોવર : નૈનીતાલ નગર જિલ્લાનું વહીવટી મથક છે. ઉત્તર ભારતનાં જાણીતાં ગિરિમથકો પૈકીનું તે એક વિહારધામ હોઈને દેશભરમાં મહત્વનું પર્યટનસ્થળ બની રહ્યું છે. સમુદ્રસપાટીથી 1934 મીટર જેટલી ઊંચાઈ ધરાવતું આ નગર 1841માં વસાવવામાં આવેલું છે. 1845માં ત્યાં નગરપાલિકાની સ્થાપના થયેલી છે. નગરની આજુબાજુ ગાઢ જંગલોથી આચ્છાદિત ટેકરીઓ છે અને નગર પણ ટેકરીઓના ઢોળાવ પર વસેલું છે. નગરની મધ્યમાં 1433 મીટર લાંબું, 463 મીટર પહોળું તથા 28 મીટર ઊંડું સરોવર છે, જે નગરનું મુખ્ય આકર્ષણ છે. આંખનો આકાર ધરાવતા આ સરોવર પરથી આ નગરનું નામ ‘નૈની’ અને સરોવરનું નામ ‘નૈનીતાલ’ પડ્યું હોય એમ મનાય છે. સરોવરની આસપાસનાં ઓક તથા સાયપ્રસનાં વૃક્ષો તેની સુંદરતા અને રમણીયતામાં વધારો કરે છે. પર્યટકો માટેનાં અન્ય આકર્ષણોમાં સમુદ્રસપાટીથી 2610 મીટર ઊંચાઈ ધરાવતું ‘ચાઈના પીક’ (ચીની ચોટી) આવેલું છે, જેના પર એક મોટું દૂરબીન ગોઠવેલું છે. તેના વડે આજુબાજુ વિસ્તરેલાં હિમાલય પર્વતશ્રેણીઓનાં શિખરોનાં દર્શન કરી શકાય છે. આ ચોટીને હવે ‘નેહરુ (નહેરુ) ચોટી’ નામ આપવામાં આવ્યું છે. આ ટોચ પરથી સૂર્યોદય તથા સૂર્યાસ્ત નિહાળવા મોટી સંખ્યામાં પર્યટકો ભેગા થયા છે. નગરની પશ્ચિમે 2435 મીટરની ઊંચાઈ ધરાવતું દેવપથ શિખર તથા 2274 મીટરની ઊંચાઈ ધરાવતું આર્યપથ શિખર છે. નગરની દક્ષિણે ગંધકયુક્ત ગરમ પાણીના ઝરા પણ આવેલા છે.

દક્ષિણે આવેલા કાઠગોદામ રેલમથક સાથે આ નગર સડકમાર્ગે જોડાયેલું છે. સરોવરને વીંધીને સ્તરભંગ (fault) પસાર થતો હોવાથી આ વિભાગ ભૂસ્તરીય રીતે અસ્થિર ગણાય છે. ટેકરીઓના ઢોળાવો પરની ભેખડો અને શિલાચૂર્ણ ક્યારેક સરકી પડે છે. 1880માં અતિવૃષ્ટિને કારણે ભેખડો ધસી પડવાથી મોટા પાયા પર અહીં હોનારત થઈ હતી.

આ નગરમાં શહેરી જીવનની બધી સુવિધાઓ ઉપલબ્ધ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે