નૈતિક વિકાસ (moral development) : શિશુ અવસ્થાથી પુખ્ત વય સુધીમાં નીતિ અંગેની સમજ અને નૈતિક આચરણમાં થતો વિકાસ. વ્યક્તિના આચારવિચાર તેના જૂથના નીતિનિયમોને અનુરૂપ બને તેને નૈતિકતા કહેવાય છે. વ્યક્તિ, જૂથના દબાણને વશ થઈ, (ઘણી વાર પોતાની ઇચ્છા વિરુદ્ધ) જૂથનાં ધોરણોને અનુસરે તે બાહ્ય નૈતિકતા કહેવાય. જ્યારે તે રાજીખુશીથી નૈતિક આચારવિચાર અપનાવે ત્યારે તેને સાચી આંતરિક નૈતિકતા કહેવાય.

નૈતિકતા જન્મજાત હોતી નથી. કુટુંબ અને સમાજના સંપર્કમાંથી, શીખવાની ક્રિયા દ્વારા ધીમે ધીમે તેનો વિકાસ થાય છે.

તેનાં બે પાસાં છે : (1) જ્ઞાનાત્મક કે બૌદ્ધિક અને (2) ક્રિયાત્મક. બૌદ્ધિક પાસામાં, વ્યક્તિ શું સારું અને શું ખરાબ તેનો ભેદ પાડતાં શીખે છે અને અમુક વર્તન કેમ સારું અને અમુક કેમ ખરાબ તેનાં કારણોની સમજ મેળવે છે. ક્રિયાત્મક નૈતિક વિકાસમાં, જનસાધારણને હિતકર એવા સારા આચારવિચારો કરવાની વ્યક્તિની ઇચ્છા ક્રમશ: વધે છે અને ખરાબ આચારવિચારને વધુ ને વધુ ટાળવાનું મન થાય છે. નૈતિક વિકાસમાં આગળ વધેલો માણસ લગભગ નિયમિત રીતે યોગ્ય વિચાર અને વર્તન કરે છે અને તેમાં આનંદ અનુભવે છે. તે કોઈક જ વાર અયોગ્ય વિચાર કે વર્તન કરે છે અને ત્યારે તે દુ:ખ કે દોષની લાગણી અનુભવે છે.

માણસને નીતિનું ઊંડું જ્ઞાન હોવા છતાં નૈતિક વર્તન ન કરતો હોય એવું બને છે તો નીતિની સમજ વિના જ નૈતિક આચરણ કરતો હોય એવું પણ બને છે. તેથી બૌદ્ધિક અને ક્રિયાત્મક પાસાંનો સ્વતંત્ર અભ્યાસ જરૂરી છે.

નૈતિક વર્તનનો વિકાસ : શિશુનું વર્તન નીતિ-અનીતિથી પર છે. નાનાં બાળકો વિશિષ્ટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ નૈતિક વર્તન કરતાં શીખે છે; દા. ત., ઘરમાં માબાપની અપેક્ષા પ્રમાણે, મેદાનમાં રમતના ગોઠિયાઓની અપેક્ષા પ્રમાણે, તો શાળામાં શિક્ષકની માગણી પ્રમાણે વર્તશે. જો આ અપેક્ષાઓ સરખી હોય તો બાળકમાં યોગ્ય નૈતિક વર્તન વિશે અમૂર્ત ખ્યાલો વિકસે છે. અપેક્ષાઓ જુદી જુદી હોય તો બાળક ગૂંચવાય છે અને તેનો નૈતિક વિકાસ અવરોધાય છે. તેથી, બહારથી ભિન્ન ભિન્ન દેખાતા સંજોગો વચ્ચે રહેલાં સામાન્ય લક્ષણો કઈ રીતે શોધવાં તે વડીલોએ બાળકોને શીખવવું જોઈએ. આ માટે 8થી 10 વર્ષની વય ઉત્તમ છે.

જો મોટા બાળકને સાચી અને સુસંગત પદ્ધતિથી શીખવવામાં આવે તો તેને નૈતિક રીતે વર્તવાની ટેવ પડે છે. નૈતિક વર્તન શીખવાની વિવિધ રીતો છે : કેટલાંક બાળકો પુરસ્કાર અને શિક્ષા વડે જ શીખે છે, કેટલાંક બાળકો વડીલોનું અભાન કે સભાન અનુકરણ કરીને, તો કેટલાંક બાળકો પોતાના અનુભવોનું ચિંતન કરીને નૈતિક વર્તન શીખે છે.

નૈતિક વર્તનના વિકાસ માટે એ પણ શીખવું જરૂરી છે કે દરેક સંજોગમાં વર્તનનું આંધળું પુનરાવર્તન ન કરાય. કેવા સંજોગોમાં નીતિનિયમોને સાવચેતીથી લાગુ પાડવા અને કેવા (અપવાદરૂપ)  સંજોગોમાં લાગુ ન પાડવા, તે તરફ વડીલોએ બાળકનું ધ્યાન દોરવું પડે છે.

નૈતિક ખ્યાલોનો વિકાસ : સારા કૃત્ય અને ખરાબ કૃત્યનો અમૂર્ત ખ્યાલ શબ્દો વડે વ્યક્ત થાય છે. તેથી બાળકની ભાષા વિકસે તે પછી નૈતિક ખ્યાલો સ્પષ્ટ બને છે. બાળકને વિવિધ સંજોગોમાં થતા અનુભવો તેના નૈતિક ખ્યાલોને ઘડે છે. શરૂઆતના નૈતિક ખ્યાલો વિશિષ્ટ હોય છે; દા. ત., ‘ભાઈનાં રબર-પૅન્સિલ ચોરાય નહિ.’ બાળકમાં સંબંધોની સમજ વિકસ્યા પછી નૈતિક ખ્યાલો સામાન્ય બને છે; દા. ત., ‘ચોરવું ન જોઈએ.’

નૈતિક ખ્યાલો ઉપર અન્યોનાં મૂલ્યોની અસર પડે છે. શરૂમાં બાળક માતાપિતાનાં મૂલ્યો અપનાવે છે. પછીથી બીજાં બાળકો અને પુખ્તોનાં મૂલ્યોથી પ્રભાવિત થાય છે.

પછીને તબક્કે બાળક પોતાના વર્તનનું સારું કે ખરાબ પરિણામ આવતું જુએ છે, તેને આધારે નૈતિક ખ્યાલો વિકસાવે છે. છેવટે તેમાંથી વ્યક્તિનો અંતરાત્મા વિકસે છે. અમુક વર્તન કરવું કે ન કરવું તે નક્કી કરવામાં અન્ય વ્યક્તિ મદદ ન કરે ત્યારે પોતાના અંતરાત્માને આધારે વ્યક્તિ નિર્ણય લે છે. અંતરાત્માનો અવાજ ચેતવણીરૂપ અને ક્યારેક સજારૂપ બને છે. ગરીબવર્ગ કરતાં મધ્યમવર્ગની વ્યક્તિમાં અંતરાત્મા વધુ બળવાન હોય છે.

નૈતિક વિકાસના સિદ્ધાંતો : પ્રસિદ્ધ બાળમનોવિજ્ઞાની પિયાગેએ નૈતિક વિકાસનો જ્ઞાનાત્મક સિદ્ધાંત આપ્યો. તેમના મતે નૈતિક તર્કનો વિકાસ 4થી 12 વર્ષની વયે વિકસે છે : (1) પરાધીન નૈતિકતા 10થી 12 વર્ષની વયે વિકસે છે. તેમાં બાળક બહારથી લાદેલા નિયમો પ્રત્યે આજ્ઞાંકિત બનવાનું શીખે છે. (2) સ્વાયત્ત નૈતિકતા 10થી 12 વર્ષની વયે સમવયસ્કો સાથેની આંતરક્રિયામાંથી વિકસે છે. તેમાં આંતરિક નિયંત્રણો ઉદભવે છે.

જેમ જેમ જ્ઞાન અને બોધન વિસ્તૃત અને ઊંડું બને છે તેમ તેમ વ્યક્તિ વ્યક્તિના સંબંધો પર અસર કરતા નૈતિક નિયમોની સૂઝ ક્રમશ: પ્રાપ્ત થાય છે.

કોહલબર્ગે પિયાગેના સિદ્ધાંતનું કિશોરાવસ્થાથી પુખ્તાવસ્થા સુધી વિસ્તરણ કર્યું. તેના મતે નૈતિક વિકાસના ત્રણ તબક્કા છે : (1) પ્રાથમિક નૈતિકતા : તેમાં બાળકને પોતાના સમાજના નીતિનિયમોની સમજ હોતી નથી. પણ તે વડીલો વડે થતી સજાને ટાળવા માટે અનિષ્ટ વર્તનથી દૂર રહે છે અને લાભ મેળવવા માટે ઇષ્ટ વર્તન કરે છે.

(2) પારંપરિક નૈતિકતા : તેમાં લોકોની પ્રશંસા મેળવવા કે ટીકાને ખાળવા માટૈ નૈતિક વર્તન અપનાવે છે.

(3) અનુપારંપરિક નૈતિકતા : તેમાં જાહેર હિતમાં અને પરસ્પર યોગ્ય વર્તન ટકાવવા માટે અમૂર્ત નૈતિક સિદ્ધાંતો અપનાવે છે.

બેન્ડુરાએ જણાવ્યું છે કે પોતાના સમાજનાં મૂલ્યો અને નિયમો શીખીને પોતાનો નૈતિક વિકાસ સાધે છે. આને સામાજિક શિક્ષણનો સિદ્ધાંત કહે છે. તેમાં નિરીક્ષણ અને અનુકરણનો ફાળો મહત્વનો છે. દરેક વ્યક્તિ પોતાને મળતા બાહ્ય અને આંતરિક પ્રબલન પ્રમાણે નૈતિક વર્તન શીખે છે. તેથી નૈતિક વિકાસમાં ઘણું વૈવિધ્ય હોય છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે