નૈમિત્તિક અનામતો (contingency reserves) : વેપારધંધામાં સંભવિત ઘટના ઘટે તો તેના ખર્ચ કે નુકસાનને પહોંચી વળવા માટે સરવૈયામાં કરેલી જોગવાઈ. દરેક વર્ષના નફામાંથી કંપની કેટલોક હિસ્સો સામાન્ય અનામતો (general reserves) ખાતે તબદીલ કરે છે અને આ અનામતોનો ઉપયોગ ભવિષ્યમાં ધંધામાં થતા નુકસાન, આર્થિક સંકડામણ અને સંભવિત ઘટના ખરેખર બને તો તેમાંથી થતા ખર્ચ કે નુકસાનને પહોંચી વળવા માટે કરે છે. તેથી ઊલટું કોઈ સ્પષ્ટ હેતુ માટે ભંડોળ બનાવવું હોય તો કંપની નફામાંથી નિશ્ચિત હિસ્સો વિશિષ્ટ અનામતો (specific reserves) ખાતે તબદીલ કરે છે. આ બંને પ્રકારની અનામતો સરવૈયામાં અલગ અલગ શીર્ષક હેઠળ બતાવવામાં આવે છે; પરંતુ વાસ્તવમાં કેટલીક સંભવિત ઘટનાઓ માટે કંપની પોતાના નફામાંથી કોઈ જોગવાઈ કરતી નથી. ઉદાહરણ તરીકે કંપની પોતાના હિસાબી ચોપડા મુજબ આવકવેરો, વેચાણવેરો અથવા આબકારી જકાત ભરે તે રકમ સરકારી અધિકારીને બરાબર ન લાગે તો તે પોતાની સમજ મુજબ વધારે વેરો આકારે છે. આ અંગે કંપનીની અપીલનું છેવટનું નિરાકરણ ન આવે ત્યાં સુધી વધારે આકારેલો વેરો ભરવો પડશે કે કેમ તે નિશ્ચિત રીતે કહી શકાય નહિ અને તે સંભવિત ઘટના ગણી શકાય. આ ઘટના માટે નફામાંથી ચોક્કસ જોગવાઈ કરવાનું કંપની માટે ફરજિયાત ન હોવાથી સામાન્ય રીતે કંપની પોતાના શૅરહોલ્ડરોની જાણ પૂરતું આ ઘટનાનું ટૂંકું વર્ણન સરવૈયામાં પાદટીપ તરીકે કરે છે અને છેવટની અપીલમાં નિષ્ફળ જવાય તો વધારે આકારેલો વેરો સામાન્ય અનામતોમાંથી ભરી દે છે. આમ વ્યવહારમાં સામાન્ય અનામતો અને નૈમિત્તિક અનામતો લગભગ એક જ છે.

વિદ્યુત (પુરવઠા) અધિનિયમ 1948ના પરિશિષ્ટ 6ની જોગવાઈ અનુસાર વિદ્યુત-પુરવઠો પૂરો પાડતી કંપનીએ તેની મહેસૂલી આવકમાંથી દર વર્ષે ¼ %થી ½ % જેટલી રકમનો વાર્ષિક ફાળા તરીકે વિનિયોગ કરીને આ રકમ સ્થાયી મિલકતના 5 % જેટલી થાય ત્યાં સુધી એક વિશિષ્ટ પ્રકારનો નિધિ ઊભો કરવો પડે છે અને સરવૈયામાં ‘નૈમિત્તિક અનામતો’ શીર્ષક હેઠળ બતાવવો પડે છે. આવી અનામતોનું રોકાણ ફક્ત ટ્રસ્ટ-જામીનગીરીઓમાં જ કરવું પડે છે. સ્થાયી મિલકતના વેચાણથી નફો કે નુકસાન થાય તો તે આ ખાતે જમા-ઉધાર કરવામાં આવે છે. સ્થાયી મિલકતને લગતો ખર્ચ અથવા આકસ્મિક સંજોગોમાં કરવો પડેલો ખર્ચ આ ખાતે ઉધારવામાં આવે છે. વળી વળતર ચૂકવવાની કાયદેસરની જવાબદારી ઊભી થાય અને તે માટે અન્ય કોઈ નિધિ બનાવ્યો ન હોય તો વળતરની રકમ નૈમિત્તિક અનામતોમાંથી ચૂકવવામાં આવે છે.

જયન્તિલાલ પો. જાની