નૈનીતાલ : ઉત્તરાખંડ રાજ્યના કુમાઉ વિભાગમાં આવેલો જિલ્લો – જિલ્લામથક અને શહેર.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા – વનસ્પતિ : તે 29 23´ ઉ. અ. અને 79 30´ પૂ. રે. પર સ્થિત છે. બાહ્ય હિમાલયમાં આવેલો આ જિલ્લો જેની ઉત્તરે અલમોડા અને પૂર્વે ચંપાવટ જિલ્લા, પશ્ચિમે પૌરી ગઢવાલ જિલ્લો અને ઉત્તરપ્રદેશ રાજ્યનો બીજનૌર જિલ્લો જ્યારે દક્ષિણે ઉદમસિંગ નગર જિલ્લો સીમા રૂપે આવેલા છે.
આ જિલ્લો કુમાઉ હિમાલયમાં આવેલો છે. તેની દક્ષિણે ભાબરનો પ્રદેશ આવેલો છે, જ્યારે ઉત્તરે શિવાલિકની ટેકરીઓ અને લઘુ હિમાલય આવેલો છે. જે મોટે ભાગે મહત્તમ 2640 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લાની મુખ્ય નદી કોસી છે, જે અલમોડા અને નૈનિતાલ જિલ્લાના સીમા વિસ્તારમાં વહે છે અને પછી તે નૈનિતાલ જિલ્લામાં પ્રવેશે છે. ત્યારબાદ હેઠવાસ તરફ આગળ જતાં રામગંગામાં ભળી જાય છે. અહીં મધ્ય હિમાલય તથા શિવાલિકની વચ્ચે ખીણો આવેલી છે. આ વિસ્તારમાં નૈનિતાલ, ભીમતાલ અને સામતાલ સરોવરો આવેલાં છે. દૂર પૂર્વ સરહદે નેપાળ દેશ આવેલો છે. શારદા નદી સીમારૂપે વહે છે.
પહાડી ભૂપૃષ્ઠ ધરાવતા આ જિલ્લામાં ગીચ જંગલો છે. દક્ષિણે તરાઈનો ભાગ કાયમી ભેજવાળો રહેતો હોવાથી આબોહવા સ્વાસ્થ્યપ્રદ નથી. અહીં જુલાઈનું સરેરાશ તાપમાન 5થી 30સે. તથા જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 0થી 4 સે. અનુભવાય છે. વાર્ષિક વરસાદ 1500 મિમી. જેટલો પડે છે. શિયાળામાં હિમવર્ષાનો અનુભવ થાય છે.
ભેજવાળાં પાનખર જંગલો જે વિશિષ્ટ મોસમી જંગલો તરીકે ઓળખાય છે. અહીં વાર્ષિક સરેરાશ તાપમાન 24 થી 27 સે. તથા ભેજનું પ્રમાણ 60%થી 80% અને વરસાદ આશરે 1000થી 2000 મિમી. જેટલો પડે છે. અહીં આવેલાં જંગલોમાં મુખ્યત્વે સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, કુસુમ, રોઝવૂડ વગેરે વૃક્ષોનું પ્રમાણ અધિક હોય છે.
અર્થતંત્ર : અહીંની જમીનને ‘ભાબર’ કહે છે જે મોટે ભાગે મોટા પથ્થરો અને ગોળ કાંકરાવાળી જમીન હોય છે. આ જમીનમાં નાઇટ્રોજન અને જૈવિક પદાર્થોનું પ્રમાણ અધિક હોય છે. અહીં ઘઉં, શેરડી, તલ વગેરેની ખેતી કરવામાં આવે છે. પહાડી વિસ્તારમાં પગથિયાં આકારનાં ખેતરોમાં ડાંગર, ચા, શાકભાજી અને ફળોની ખેતી થાય છે.
જંગલોમાંથી મળતાં ઇમારતી લાકડાંને વહેરવાની અનેક મિલો આવેલી છે. જંગલોની આડપેદાશોને આધારે સ્થાનિક લોકો રોજી-રોટી મેળવે છે.
વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 3,860 ચો.કિમી. છે. જ્યારે (2021 મુજબ) વસ્તી 12,60,078 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 934 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 83.9% છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 20.02% અને 0.79% છે. અહીં હિન્દુઓની વસ્તી 84.82%, મુસ્લિમોની વસ્તી 12.65% જ્યારે શીખ લોકોની વસ્તી 0.79% છે. આ જિલ્લામાં કુમોની 48.45%, હિન્દી 38.69%, ઉર્દૂ 6.62%, પંજાબી 2.06% અને ગઢવાલી 1.61% ભાષા બોલાય છે. આ સિવાય ભોજપુરી, નેપાળી, બુકસા ભાષા સ્થાનિક લોકો બોલે છે.
અહીં ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કૃષિ યુનિવર્સિટી, ક્ષયરોગીઓની હૉસ્પિટલ પણ આવેલી છે. રાજ્ય સરકાર સાથે સંકળાયેલ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કૉલેજો પણ આવેલી છે.
નૈનિતાલ (શહેર) : ઉત્તરાખંડ રાજ્યના કુમાઉ વિભાગમાં આવેલા નૈનિતાલ જિલ્લાનું શહેર અને જિલ્લામથક.
ભૌગોલિક સ્થાન – ભૂસ્તરીય રચના – ભૂપૃષ્ઠ : તે 29 38´ ઉ. અ. અને 79 45´ પૂ. રે. પર આવેલું છે. તેનો વિસ્તાર 11.73 ચો.કિમી. છે. તે સમુદ્ર સપાટીથી સરેરાશ 2,084 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ શહેરની નજીક આવેલા પર્વતો આશરે 1,940 મીટરથી 2,100 મીટરની ઊંચાઈ ધરાવે છે. બાહ્ય હિમાલયના કુમાઉ પર્વતોની તળેટીમાં તે વસેલું છે. તેની નજીક આવેલું શિખર ‘નૈના’ જે 2619 મીટર ઊંચું છે. આ શહેર રાજ્યના પાટનગર દેહરાદૂનથી 285 કિમી. અને દિલ્હી 345 કિમી.ના અંતરે આવેલું છે.
આ શહેરની નજીક આવેલા વિસ્તારમાં ક્રોલ પ્રકારના ખડકો છે. અહીં સ્લેટ, ચૂના ખડકો, ડોલોમાઇટ અને માર્લસ ખડકો જોવા મળે છે. નૈનિતાલની ફરતે ભૂસ્તરીય રચનાને કારણે સમાન લક્ષણોવાળા ખડકો જોવા મળે છે. જેમાં ફૉસ્ફેટિક તત્ત્વો ધરાવતા ખડકો ગઠ્ઠાસ્વરૂપે, પાતળા પડ સ્વરૂપે અને સ્તંભ આકારે છે. પોચા સ્લેટના બંધારણવાળા જાંબુડી રંગના ખડકો, ગોળાશ્મ રેત ખડકો, સીલ્ટ ખડકો પણ રહેલા છે. અહીં રહેલા ખડકો પ્રમાણમાં ભભરા (શિલાચૂર્ણ) કે જેઓ નવા નિર્માણ પામેલા છે. સમગ્ર શહેર નૈનિતાલના સરોવર વિસ્તારમાં આવેલું છે. અહીં ગેડવાળા અને તિરાડોવાળા ખડકો આવેલા હોવાથી ભૂસ્ખલન થતું રહે છે. સરોવરની આજુબાજુ તીવ્ર ઢોળાવ ધરાવતા ખડકો ભૂસ્તરીય પ્રક્રિયાને કારણે અથવા માનવીના હસ્તક્ષેપને કારણે બહોળા પ્રમાણમાં ભૂસ્ખલન થતું રહે છે. અહીં આવેલા અલ્મા ટેકરી ઉપર 1866ના વર્ષમાં સૌપ્રથમ ભૂસ્ખલન અનુભવાયું હતું. તે જ જગ્યાએ 1879ના વર્ષમાં ફરી વાર પણ ભારે ભૂસ્ખલન થયું હતું જેથી ત્યાં પારાવાર નુકસાન નોંધાયું હતું. 1880ના વર્ષમાં થયેલા ભૂકંપમાં 151 માનવી મૃત્યુ પામ્યા હતા. નૈનિતાલની ખીણમાં પણ 1898ના વર્ષમાં ભૂસ્ખલન અનુભવાયું હતું.
નૈનિતાલ સરોવર ખીણવિસ્તારમાં આવ્યું છે જ્યાં શહેર વસેલું છે. આ સરોવર આંખના આકાર જેવું છે, જે આશરે સમુદ્રની સપાટીથી 1940 મીટર ઊંચાઈ ધરાવે છે. તે 1433 મીટર લાંબું અને 463 મીટર પહોળું છે. એટલે એમ કહી શકાય કે તેનો ઘેરાવો આશરે 6 કિમી. છે. આ સરોવરની સૌથી વધુ ઊંડાઈ પસનદેવી (85 મીટર) પાસે છે. ભૂસ્તરીય રચનાને કારણે આ સરોવર બન્યું છે. આ સરોવરમાં પાણીનો સ્રોત બલિયા નાળું છે. અહીં ભૂ-તિરાડ આવેલી છે. આને સમાંતર પણ બીજી ભૂ-તિરાડો એકબીજા સાથે જોડાયેલી છે. આ સરોવરનું પાણી નીકળવાના 26 માર્ગો છે. જેમાં ત્રણ માર્ગો મોટા છે. આ સરોવરને ફરતે અયારાપટા (Ayarpata) 2344 મીટર, દેવપટા 2,435 મીટર, હંડીબન્ડી 2,180 મીટર, ચીની 2,612 મીટર, અલ્મા 2,430 મીટર, લરીયાકાન્તા 2,482 મીટર અને શેરકાડંડા 2,398 મીટર ઊંચા પર્વતીય શિખરો આવેલાં છે.
આબોહવા – વનસ્પતિ – મત્સ્ય : આ પ્રદેશની આબોહવા ‘સમુદ્ર સપાટીથી ઊંચાઈ’ દ્વારા પ્રભાવિત થાય છે. અહીં શિયાળો સૂકો જ્યારે મહત્તમ ભેજનું પ્રમાણ ઉનાળામાં રહે છે. જેના માટે દક્ષિણ એશિયાની વર્ષાઋતુ છે. સૌથી ઓછો વરસાદ નવેમ્બર માસમાં આશરે 7.9 મિમી. જેટલો પડે છે. જ્યારે સૌથી વધુ વરસાદ જુલાઈ માસમાં આશરે 725 મિમી. જેટલો પડે છે.
આજુબાજુના વિસ્તારમાં ઉનાળો સામાન્ય રહે છે, પરંતુ નૈનિતાલનું વાતાવરણ પ્રમાણમાં ઠંડું હોય છે. જુલાઈ માસમાં તાપમાન 16.4 સે.થી 23.5 સે. જ્યારે જાન્યુઆરી માસ સૌથી ઠંડો હોય છે. તે સમયે તાપમાન 1.7 સે.થી 10.7 સે. રહે છે. 1972ની 18મી જૂને 30 સે. મહત્તમ તાપમાન અનુભવાયું હતું તે એક રેકૉર્ડ સમાન છે. જ્યારે સૌથી લઘુતમ તાપમાન –5.6 સે. હતું, જે રેકૉર્ડ સમાન છે.
નૈનિતાલ હિમાલયના મધ્ય ભાગમાં કે જ્યાં હારમાળા 2000 મીટર ઊંચાઈ ધરાવે છે. અહીંની સમશીતોષ્ણ પ્રકારની આબોહવા વનસ્પતિની વૃદ્ધિ માટે વધુ સાનુકૂળ છે.પરિણામે અહીં વનસ્પતિની વિવિધતા જોવા મળે છે. અહીં જોવા મળતી વનસ્પતિનાં નામ સામાન્ય છે. જેમ કે, ઑક, ચેસ્ટનટ, વૉલનટ, પર્વતીય પીપળો, એશ, ચિનાર, કુન્જ, કીલમોરા, હિમાલયન સાયપ્રસ, બુરુન, દેવદાર, પાઈન વગેરે છે. અનેક પ્રકારની ઔષધિના છોડ પણ જોવા મળે છે. સરોવરમાં વનસ્પતિ ઊગે છે.
આ સરોવરમાં મુખ્યત્વે ક્રેપ મશીર, મિરર કાર્પ મત્સ્ય મેળવવાની ઋતુ મેથી સપ્ટેમ્બર ગણાય છે. આ સિવાય રેડ મશીર, યનો મશીર, ટોર પુટીટોરાનો ઉપયોગ ખોરાક માટે થાય છે. મોશ્યૂકોટ મત્સ્ય, મિરર ક્રેપ વગેરે મેળવાય છે.
પરિવહન – પ્રવાસન : રાજ્ય પરિવહનની અને ખાનગી બસો અહીં મળી રહે છે. અહીંનું બસસ્ટૅન્ડ ટાલીટાલ જે જૂનું છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 109 અહીંથી પસાર થાય છે. બાજપુર પાસેથી રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે જે નૈનિતાલથી 40 કિમી. દૂર છે. અહીંનું નજીકનું રેલવેસ્ટેશન ખડ્ગપુર છે. આ રેલમથક ભારતનાં મુખ્ય શહેરો સાથે સંકળાયેલ છે. આ શહેરની નજીક આવેલું હવાઈ મથક રુદ્રપુર પાસે પંતનગર છે. જે નૈનિતાલથી 71 કિમી. દૂર છે. ત્રણ હવાઈ સેવાઓ એલીએન્સ ઍર, ઍર હેરિટેજ અને ડેક્કન ચાર્ટર છે, જે દિલ્હી, દેહરાદૂન અને પિથોરાગઢ સાથે સંકળાયેલ છે.
ખૂબ જાણીતાં હવા ખાવાનાં સ્થળોમાં નૈનિતાલનો સમાવેશ થાય છે. અહીં નૈનિતાલ સરોવર, નૈનિતાલ શિખર (3866 મી.), સેલ્વાની ખીણ, હનુમાનગઢી, જી. બી. પંત પ્રાણીસંગ્રહાલય આવેલું છે. આ સિવાય જામા મસ્જિદ, નૈનાદેવી મંદિર, સેંટ જ્હૉન વાઇલ્ડરનેસ ચર્ચ, ઇકો-કેવ ગાર્ડન, પુસ્તકાલય વગેરે છે.
વસ્તી : આ શહેરની વસ્તી (2011 મુજબ) 41,377 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 911 મહિલાઓ છે. જ્યારે સાક્ષરતાનું પ્રમાણ 92.93% છે. અહીં હિન્દુઓ 85.61%, મુસ્લિમ 11.91%, ક્રિશ્ચિયનો 0.92%, શીખ 0.75% રહે છે. આ સિવાય બૌદ્ધ, કુમાઉનીસ, યુરોપિયન વગેરે વસે છે. અહીંની મુખ્ય ભાષા હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી છે. અહીં 19મી સદીમાં યુરોપિયન સ્કૂલો સ્થપાયેલી હતી. ગર્લ્સ હાઈસ્કૂલ, અલ સેંટ કૉલેજ, બિરલા વિદ્યામંદિર, સેંટ જોસેફ કૉલેજ, સેંટ મર્યસ (Mary’s) કૉન્વેન્ટ હાઈસ્કૂલ આવેલી છે.
ઇતિહાસ : નૈનિતાલ તે 51 શક્તિપીઠમાંની એક જે નૈનીદેવી તરીકે ઓળખાય છે. ‘સતી’ની આંખ અહીં પડી હતી એટલે નૈનિતાલ સરોવરનો આકાર આંખ જેવો છે એમ માનવામાં આવે છે.
આશરે દસમી સદીમાં કાતીયુરી (Katyuri) રાજ્યની પડતી થઈ. ત્યારબાદ કુમાઉના અનેક ભાગ પડ્યા તેમાં નૈનિતાલ એક હતું. ત્રિલોકચંદે અહીં કિલ્લો બનાવ્યો હતો. ઉદયનચંદે પોતાના રાજ્યની સીમા કોશીથી સૂપાલ નદી સુધી વિસ્તારી હતી. કિરાતચંદે 1844થી 1503 સુધી શાસન કર્યું. રામગઢના ખસિયા(Khasiya)એ પ્રભુત્વ સ્થાપ્યું. ઍંગ્લો-નેપાળ યુદ્ધ (1814–1816) પછી કુમાઉનો પર્વતીય વિસ્તાર બ્રિટિશરોના તાબા હેઠળ આવ્યો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
નીતિન કોઠારી