નેલ્સન, હૉરેશિયો (જ. 29 સપ્ટેમ્બર 1758, બર્નહામ થૉર્પે, નૉર્ફોક, ઇંગ્લૅન્ડ; અ. 21 ઑક્ટોબર 1805, સ્પેન) : નેપોલિયન બોનાપાર્ટ સાથેનાં નૌકાયુદ્ધોમાં વિજયી બનેલો ગ્રેટ બ્રિટનનો કુશળ અને સમર્થ નૌકાધિપતિ. તેનો જન્મ નૉર્ફોકના બર્નહામ થૉર્પેમાં થયો હતો. માતાના મૃત્યુ પછી મામા કોટન મૉરિસ સકલિંગની સહાયથી તે બાર વર્ષની વયે ઇંગ્લૅન્ડના નૌકાસૈન્યમાં દાખલ થયો. 1777માં લેફટનન્ટની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ વીસ વર્ષની વયે 1779માં યુદ્ધજહાજનો કૅપ્ટન બન્યો. સ્પૅનિશ વસાહતો સાથેના યુદ્ધમાં ફ્રીગેટના કૅપ્ટન તરીકે તેણે નિકારાગુઆના યુદ્ધમાં ભાગ લીધો અને સાન હવાનની લડાઈમાં વિજય મેળવ્યો.

હૉરેશિયો નેલ્સન

1784માં ફ્રિગેટના કૅપ્ટન તરીકે નૅવિગેશન-ઍક્ટની કામગીરી સંભાળી. 1785માં નેવિસ ટાપુની મુલાકાત દરમિયાન વિધવા ફ્રાન્સિસ નીસબેટ અને તેના પુત્ર સાથે મેળાપ થયો. 1787માં તેની સાથે લગ્ન કર્યું. ત્યારબાદ વતન બર્નહામ થૉર્પેમાં તેણે નોકરી વિના પાંચ વર્ષ ગાળ્યાં. જાન્યુઆરી, 1793માં લુઈ સોળમાના શિરચ્છેદ બાદ તે 64 તોપોવાળા ‘ઍગામેમ્નૉન’ યુદ્ધજહાજનો વડો બન્યો. ક્રાંતિકારી ફ્રેન્ચો સામે લડવાની, ભૂમધ્ય સમુદ્રમાંનાં મિત્ર રાજ્યોને સહાય કરવાની તથા ટૂલોંના રક્ષણની જવાબદારી તેને સોંપવામાં આવી હતી. 1793માં ક્રાંતિકારી ફ્રાન્સ સાથે ઇંગ્લૅન્ડ યુદ્ધમાં ઊતર્યું હતું. 1794માં ફ્રેન્ચો સાથેના યુદ્ધમાં તેણે પોતાની એક આંખ ખોઈ. વિવિધ નૌકામથકો પર સેવા કર્યા બાદ 1797ના ફેબ્રુઆરીમાં કેપ સેન્ટ વિન્સેન્ટના યુદ્ધમાં તેણે સ્પૅનિશ નૌકાકાફલાને શિકસ્ત આપવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. તેણે મેળવી આપેલા વિજય બદલ તેને નાઇટનો ઇલકાબ અપાયો. તેની પહેલ કરવાની વૃત્તિને કારણે ચાર મોટાં સ્પૅનિશ જહાજો પકડી શકાયાં હતાં. કેનેરી ટાપુઓ પૈકી સન્ટાક્રૂઝના પોર્ટુગીઝ નૌકામથક પર હુમલો કર્યો પણ તેમાં તેને સફળતા ન મળી. 1797માં તેણે તેનો જમણો હાથ પણ ખોયો. 1-8-1798ના રોજ નાઇલ નદીના મુખ આગળ અબુકીરના અખાતમાં પડેલા ફ્રેન્ચ નૌકાકાફલા પર ભૂમિ બાજુએથી હુમલો કરીને લશ્કરી પુરવઠા હરોળ કાપી નાખી. ત્યારબાદ તે નેપલ્સ ગયો. અહીં સિસિલીના અંગ્રેજ એલચી વિલિયમ હૅમિલ્ટનની પત્ની એમ્માએ તે ઘાયલ થયેલો હતો તેથી તેની સારવાર કરી. નેપલ્સમાં તે રાજા ફર્ડિનાન્ડનો મુખ્ય સલાહકાર બન્યો. તેની સલાહથી ફર્ડિનાન્ડે ફ્રેન્ચ ભૂમિદળો ઉપર હુમલો કરતાં હાર ખાઈને નેપલ્સ ગુમાવવું પડેલું. 1801માં એમ્માએ તેની પુત્રીને જન્મ આપ્યો. એમ્મા સાથેના સંબંધથી તેના લગ્નજીવનમાં ભંગ પડ્યો હતો. 1800ની પાનખર ઋતુમાં તે ઇંગ્લૅન્ડ પાછો ફર્યો હતો. ઇજિપ્તમાં કરેલી કામગીરી બદલ ઇંગ્લૅન્ડની સરકારે તેને વાઇકાઉન્ટનો ઇલકાબ આપેલો. ડેનિશ નૌકાકાફલો ફ્રાન્સ હસ્તક ન જાય તે માટે હાઇડ પાર્કરના નેતૃત્વ હેઠળ તેણે કૉપનહેગન ઉપર હુમલો કર્યો અને ડેનિશ કાફલાનો નાશ કર્યો. બ્યુલામાં પડેલા ફ્રેન્ચ નૌકાકાફલાથી દક્ષિણ ઇંગ્લૅન્ડનું રક્ષણ કરવાનું કામ તેને સોંપાયું. તેણે આંધળુકિયાં કરીને બ્યુલા ઉપર હુમલો કર્યો પણ તેમાં તે નિષ્ફળ ગયો. 1802માં ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ વચ્ચે અલ્પજીવી સંધિ થતાં બ્યુલા ઉપર ફરી હુમલો કરાયો નહિ. એમ્માએ તેની સૂચનાથી લંડન નજીક ‘મેરટન પ્લેસ’ નામનું મકાન ખરીદ્યું અને તે હૅમિલ્ટનના કુટુંબ સાથે રહ્યો. તેણે અહીં નજીકમાં જ કાઉન્ટી (નાની જાગીર) ખરીદી. 1803માં હૅમિલ્ટનનું અવસાન થયું. 1803માં તે ભૂમધ્ય સમુદ્રના અંગ્રેજ નૌકાકાફલાનો કમાન્ડર નિમાયો. ટૂલા ખાતેનો ફ્રેન્ચ નૌકાકાફલાને સ્પૅનિશ કાફલા સાથે ભળતો અટકાવવાનું કામ તેને સોંપાયું હતું; તેમ છતાં ફ્રેન્ચ કાફલો બ્રિટિશ ઘેરો તોડીને કેડીઝમાં પડેલા સ્પૅનિશ કાફલા સાથે ભળી ગયો. તેણે દુશ્મનોના સંયુક્ત નૌકાકાફલાને કેડીઝના બારામાંથી બહાર નીકળવા ફરજ પાડી. દુશ્મન કાફલાએ વેસ્ટ ઇન્ડીઝ જવાનો દેખાવ કર્યો અને તેણે તેનો પીછો કર્યો. નેપોલિયનની નેમ, બ્રિટિશ કાફલો ઇંગ્લૅન્ડથી જો દૂર જાય તો ઇંગ્લૅન્ડની ખાડી પાર કરી, ઇંગ્લૅન્ડ પર હુમલો કરવાની હતી. નેલ્સન ચેતી ગયો અને ઇંગ્લૅન્ડ પાછો ફર્યો. ટ્રફાલ્ગરની ભૂશિર પાસે સ્પૅનિશ-ફ્રાન્કો કાફલો અને બ્રિટિશ કાફલો ટકરાયા. નેલ્સને તેના બધા સૈનિકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપતાં જણાવ્યું કે ‘England expects every man to do his duty’. નેલ્સનના ‘વિક્ટરી’ જહાજ આસપાસ ઘમસાણ યુદ્ધમાં તેના ખભા અને છાતીમાં ‘રિડાઉટેબલ’ જહાજમાંથી છૂટેલ ગોળીથી મરણતોલ ઈજા થઈ અને 21 ઑક્ટોબર, 1805ના રોજ તેનું મૃત્યુ થયું. મરણ પહેલાં તેને ઇંગ્લૅન્ડના વિજયની ખાતરી થઈ હતી. નેલ્સનને સેન્ટ પૉલના કૅથેડ્રલમાં માનપૂર્વક દફનાવવામાં આવ્યો. તેના વારસ ભાઈને 5,000 પાઉન્ડનું વર્ષાસન અપાયું. લંડનના મધ્ય ભાગમાં ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે તેનું સ્મારક અને બાવલું મૂકવામાં આવેલું છે, જે તેની દેશસેવાની સાક્ષી પૂરે છે.

શિવપ્રસાદ રાજગોર