નેલ્સન (શહેર) : ન્યૂઝીલૅન્ડના દક્ષિણ ટાપુને ઉત્તર કાંઠે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 41° 17´ દ. અ. અને 173° 17´ પૂ. રે.. 1858માં રાણી વિક્ટોરિયાએ આ શહેર વસાવેલું.

નેલ્સન શહેર

ટસ્માન ઉપસાગરના શિરોભાગ પર તે આવેલું છે તથા નેલ્સન પ્રાંતનું એકમાત્ર શહેર અને બંદર છે. તે સમશીતોષ્ણ કટિબંધની હૂંફાળી આબોહવા ધરાવે છે. આજુબાજુના પ્રદેશમાં ઉગાડાતાં ફળો અને તમાકુ માટે આ શહેર વેચાણનું મથક બની રહેલું છે. ન્યૂઝીલૅન્ડની આગળ પડતી ખેતી-વિષયક સંશોધન-સંસ્થા અહીં આવેલી છે. વિશેષે કરીને તેનો રેતાળ સમુદ્રકિનારો સૂર્યસ્નાન ઇચ્છતા સહેલાણીઓ માટે ખૂબ જાણીતો બનેલો છે. આ શહેરની વસ્તી લગભગ 64,800 (2015) જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા