નેલ્લોર (શહેર) : પેન્નાર નદીના કાંઠા પર આવેલું આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાનું શહેર અને જિલ્લા વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 14° 26´ ઉ. અ. અને 79° 58´ પૂ. રે. પર તે ચેન્નાઈથી લગભગ 173 કિમી. દૂર ઉત્તર તરફ આવેલું છે. શહેરનું ક્ષેત્રફળ 48.39 ચોકિમી. બૃહદ શહેર ક્ષેત્રફળ : 100.33 ચોકિમી. છે. આ શહેર અગાઉ વિક્રમસિંહપુરી તરીકે પણ ઓળખાતું હતું. 2011માં તેની વસ્તી આશરે 4,99,575 જેટલી હતી. નેલ્લુ એટલે ડાંગર અને ઉર એટલે શહેર એવો તેનો શબ્દાર્થ થતો હોવાથી આ નામ પડેલું છે. આજુબાજુના વિસ્તારમાં ડાંગરનો મબલખ પાક થતો હોવાથી આ શહેરમાં ડાંગરનું પીઠું આવેલું છે અને અહીંથી રાજ્યના વિવિધ ભાગોમાં તેનું વિતરણ પણ થાય છે.
અહીં ડાંગર ભરડવાની મિલો, તેલ મિલો, અબરખ સજ્જીકરણનાં, તમાકુ પર પ્રક્રિયા કરવાનાં, કાપડના રંગકામનાં, ચિનાઈ માટીનાં વાસણો બનાવવાનાં, બીડી બનાવવાનાં, મોટરના સમારકામનાં તેમજ લોખંડ અને કાચનાં કારખાનાં આવેલાં છે. આ શહેર કૉલકાતાચેન્નાઈ બ્રૉડગેજ રેલવે પરનું મથક છે તથા અહીંનો રાષ્ટ્રીય ધોરી માર્ગ તેની નજીકથી પસાર થાય છે. રાજ્યનાં હૈદરાબાદ, કાકીનાડા, મછલીપત્તનમ્, કુર્નુલ, કડપ્પા જેવાં મહત્ત્વનાં શહેરો સાથે તે રેલમાર્ગ તથા સડકમાર્ગથી સંકળાયેલું છે.
આ શહેર આજુબાજુના વિસ્તાર માટેનું મહત્ત્વનું શિક્ષણકેન્દ્ર છે. અહીં ઉચ્ચ શિક્ષણ આપતી કૉલેજ, વેદ સંસ્કૃત પાઠશાળા, માધ્યમિક શિક્ષણ માટેનું એક અધ્યાપનમંદિર, પૉલિટૅકનિક, આઇ.ટી.આઇ. ટૅકનિકલ હાઈસ્કૂલ, સંખ્યાબંધ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ પ્રાથમિક શાળાઓ આવેલી છે. તેલુગુ ભાષાના મહાકવિ ટીકન્તા સોમયાજીએ અહીં રહીને તેલુગુ ભાષામાં મહાભારતનું ભાષાંતર કરેલું. અહીં હિન્દુ મંદિરો, મસ્જિદો અને ખ્રિસ્તી દેવળો આવેલાં છે. પેન્નાર નદીકાંઠે તલ્પગિરિ રંગનાથ સ્વામીનું મંદિર, મૂલસ્થાનેશ્વર સ્વામી મંદિર, વેણુગોપાલ સ્વામી મંદિર અને ધર્મરાજનાં મંદિર જોવાલાયક છે.
શિવપ્રસાદ રાજગોર