નેલ્સન (નદી) : કૅનેડાના મધ્ય-ઉત્તર મેનિટોબામાં આવેલી મુખ્ય નદી. તે વિનિપેગ સરોવરના ઉત્તર ભાગમાંથી નીકળી ઈશાન તરફ વહે છે અને હડસનના ઉપસાગર પર આવેલા પૉર્ટ નેલ્સનની દક્ષિણે ઠલવાય છે. વિનિપેગ સરોવર અને હડસનના ઉપસાગર વચ્ચેની તેની લંબાઈ 628 કિમી. છે. પરંતુ બો અને સસ્કેચવાન નદીરચનાને જો તેની સાથે જોડવામાં આવે તો તેની કૅનેડિયન રૉકીઝ પર્વતો સુધીની લંબાઈ 2,570 કિમી. જેટલી થાય છે. તેના થાળાનું સ્રાવક્ષેત્ર 11,50,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આ નદીના પથમાં ઘણાં સરોવરો, જળપ્રપાતો અને જળધોધ આવેલાં છે, જે પ્રત્યેક દસ લાખ અશ્વશક્તિ જેટલી ઊર્જા ઉત્પાદનક્ષમતા ધરાવે છે. ઘણા લાંબા કાળ સુધી આ નદી રુવાંટી(fur)નો વેપાર કરનારાઓ માટે જળમાર્ગ બની રહેલી, પરંતુ હવે તેને જળવિદ્યુતપ્રાપ્તિ માટે નાથવામાં આવી છે. આ નદીને શોધી કાઢવાનું માન 1612માં વેલ્શ સંશોધક સર ટૉમસ બટ્ટનને ફાળે જાય છે અને આ નદીનું નામ તેના વહાણને હંકારનાર ખલાસીના નામ પરથી આપવામાં આવેલું છે.

ગિરીશભાઈ પંડ્યા